Top Newsનેશનલ

ખાણીપીણીની વસ્તુઓમાં ‘ભેળસેળ’: આપના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમીના આરોગ્ય અંગે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગૃહમાં ખૂબ જ અગત્યનો અને કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો મુદ્દો ઉઠાવ્યો હતો. રાઘવ ચઢ્ઢાએ સંસદમાં દેશમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળનો મુદ્દો ઉઠાવીને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે આ બાબતને મોટું સ્વાસ્થ્ય સંકટ ગણાવતા કહ્યું કે, જે વસ્તુઓને આપણે પૌષ્ટિક સમજીને આરોગીએ છીએ, તે હકીકતમાં ઝેર સમાન સાબિત થઈ રહી છે. દૂધમાં યુરિયા, શાકભાજીમાં ઓક્સિટોસિન ઇન્જેક્શન અને મસાલામાં ઈંટોના પાવડર જેવી ભેળસેળને કારણે બાળકો, વડીલો અને સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમો ઊભા થઈ રહ્યા છે.

આપણ વાચો: રાઘવ ચઢ્ઢાના બર્થડે પર ખાસ અંદાજમાં વિશ કર્યું પ્રિયંકા ચોપ્રાએ, પોસ્ટ થઈ ગઈ વાઈરલ…

ચોંકાવનારા આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, એક રિસર્ચ મુજબ દૂધના 71% નમૂનામાં યુરિયા અને 64%માં સોડિયમ બાયકાર્બોનેટ જેવા ખતરનાક પદાર્થો મળી આવ્યા છે. દેશમાં દૂધનું જેટલું ઉત્પાદન નથી, તેના કરતા વધુ વેચાણ થઈ રહ્યું છે, જે સિન્થેટિક દૂધનો પુરાવો છે.

વર્ષ 2014થી 2026 સુધીમાં લેવાયેલા નમૂનાઓમાંથી દર ચોથો નમૂનો (25%) ભેળસેળયુક્ત જોવા મળ્યા છે. શાકભાજીને તાજા રાખવા માટે વપરાતું ઓક્સિટોસિન કેન્સર અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ નોતરે છે.

ફૂડ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ભારતની જ બે મોટી મસાલા કંપનીના ઉત્પાદનો કેન્સર પેદા કરનારા તત્વોને કારણે યુરોપ અને યુકેમાં પ્રતિબંધિત છે, છતાં તે ભારતમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, જે ચીજવસ્તુઓ વિદેશમાં પાલતુ જાનવરો માટે પણ અયોગ્ય મનાય છે, તેનું સેવન ભારતીય નાગરિકો કરી રહ્યા છે તે દુઃખદ છે.

આપણ વાચો: ઘરે પુત્રજન્મ થયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેમ પરિણિતીની આવી તસવીરો કેમ શેર કરી?

ઘણી કંપનીઓ હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે ખોટા દાવા કરીને હાનિકારક ઉત્પાદનો વેચી રહી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.

રાઘવ ચઢ્ઢાએ આ સમસ્યાના ઉકેલ માટે FSSAIને વધુ મજબૂત કરવા અને પ્રયોગશાળાઓની સુવિધા વધારવા સૂચન કર્યું છે. તેમણે માગ કરી છે કે ભેળસેળ કરનારાઓ પર આકરો દંડ ફટકારવો જોઈએ, જાહેરાતોમાં થતા ગેરમાર્ગે દોરતા દાવાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ભેળસેળયુક્ત પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓના નામ જાહેર કરીને તેમને ‘પબ્લિક રિકોલ સિસ્ટમ’ હેઠળ જવાબદાર ઠેરવવી જોઈએ.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button