પવઈમાં 17 ટીનએજરને બંધક બનાવનારનું એન્કાઉન્ટરમાં મૃત્યુઃ ડીસીપી દત્તા નલાવડે

મુંબઈ: મુંબઈના પવઈ વિસ્તારમાં કથિત માનસિક અસ્થિર યુવાને ફિલ્મના શૂટિંગને બહાને 17 ટીનએજરને બંધક બનાવતા ખળભળાટ મચી ગયો હતો. લગભગ બે કલાક સુધી ચાલેલા ડ્રામા બાદ પોલીસે યુવાનને ગોળી દઈ ટીનએજરોને હેમખેમ બચાવી લીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની બપોરે એલ ઍન્ડ ટી બિલ્ડિંગ નજીકના રા સ્ટુડિયોમાં બની હતી. યુવાનની ઓળખ રોહિત આર્યા તરીકે થઈ હતી. રોહિતે ઍરગનથી પોલીસ પર ફાયર કરતાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો, જેમાં રોહિતને એક ગોળી વાગી હતી. બેભાન અવસ્થામાં તેને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું, એવી માહિતી મુંબઈ પોલીસના ડીસીપી દત્તા નલાવડેએ આપી હતી.
કહેવાય છે કે શૂટિંગ માટે ઓડિશનને બહાને ટીનએજરોને સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. અંદાજે 15 વર્ષની વયનાં છોકરા-છોકરી સ્ટુડિયોમાં પહોંચ્યાં પછી આરોપીનો ડ્રામા શરૂ થયો હતો. પોતાની માગણી સંદર્ભેનો એક વીડિયો પણ આરોપીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે બાદમાં ખાસ્સો વાયરલ થયો હતો.
આપણ વાંચો: પવઈમાં 20થી વધુ ટીનએજરને બંધક બનાવ્યા: પોલીસના સફળ ઑપરેશન પછી આરોપી પકડાયો
બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપી સાથે વાતચીતથી મામલાની પતાવટ કરવાનો પ્રયાસ પોલીસે કર્યો હતો. જોકે બાદમાં પોલીસની એક ટીમ બાથરૂમની ગ્રિલ તોડી સ્ટુડિયોમાં પ્રવેશી હતી. પોલીસને જોઈ આરોપીએ ઍરગનથી ફાયર કરવા માંડ્યું હતું. પોલીસના વળતા જવાબમાં આરોપીને ગોળી વાગી હતી. કહેવાય છે કે છોડાવાયેલાઓમાં એક સિનિયર સિટીઝન અને એક યુવકનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રોહિત પુણેનો રહેવાસી છે અને શિક્ષકોની એક યોજના સાથે સંકળાયેલો હતો. સરકારી યોજના હેઠળ કામ કરવાના બે કરોડ રૂપિયા તેને ચૂકવવામાં ન આવ્યા હોવાનો દાવો રોહિતે કર્યો હતો.
જૉઈન્ટ પોલીસ કમિશનર સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે ટીનએજરોને સુરક્ષિત રીતે છોડાવાયા હતા અને તેમના વડીલોને સોંપાયા હતા. છોડાવાયેલા લોકો માટે એક બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.



