PM મોદીનો જાપાન અને ચીન પ્રવાસ, 15મા શિખર સંમેલન માટે ટોક્યો પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનોમાં ભાગ લેવા માટે જાપાન પ્રવાસ પર છે. જ્યાં ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 28 ઓગસ્ટે તેઓ જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. આ યાત્રા ભારતના હિતોને આગળ વધારવા, તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક શાંતિ તેમજ સહયોગને મજબૂત કરવામાં મદદરૂપ થશે. આ યાત્રા દરમિયાન તેઓ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક અને ચીનમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સંમેલનમાં હાજરી આપશે.
PM મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે, જ્યાં તેઓ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા સાથે શિખર વાર્તાલાપ કરશે. ત્યારબાદ, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે તેઓ ચીનના તિયાનજિનમાં SCOના વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. આ મામલે PM મોદીએ જણાવ્યું કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત માટે ઉત્સુક છે. આ યાત્રા ભારત-જાપાનના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અને SCO દેશો સાથે સહયોગ વધારવા પર કેન્દ્રિત છે.
જાપાન યાત્રા દરમિયાન મોદીનો ધ્યેય ભારત-જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને નવું સ્વરૂપ આપવાનો છે. છેલ્લા 11 વર્ષમાં આ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેઓ આર્થિક સહયોગ, રોકાણ, તેમજ એઆઈ અને સેમિકન્ડક્ટર જેવી અદ્યતન ટેકનોલોજીમાં ભાગીદારી વધારવા પર ભાર મૂકશે. આ ઉપરાંત, બંને દેશોના સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોને વધુ મજબૂત કરવાનો પણ પ્રયાસ થશે.
ચીનના તિયાનજિનમાં યોજાનારા SCO સંમેલનમાં મોદી સામૂહિક પડકારોનો સામનો કરવા અને પ્રાદેશિક સહયોગને વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવશે. ભારતે SCOના સભ્ય તરીકે નવીન, આરોગ્ય અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન જેવા ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે. મોદીએ જણાવ્યું કે આ સંમેલન વૈશ્વિક શાંતિ અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે.
આ યાત્રા ભારતના વૈશ્વિક સ્થાનને મજબૂત કરવામાં મદદરૂપ થશે. જાપાન સાથેની શિખર વાર્તા આર્થિક અને તકનીકી સહયોગને નવી દિશા આપશે, જ્યારે SCO સંમેલન પ્રાદેશિક સ્થિરતા અને સહયોગને વેગ આપશે. મોદીની આ યાત્રા ભારતની વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા અને બહુપક્ષીય સંબંધોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેનાથી ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધશે.
આ પણ વાંચો…પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે, બુલેટ ટ્રેનથી લઈને એઆઈ સહિતના મુદ્દાઓ પર ફોક્સ