પીએમ મોદી આજે ગુજરાતથી મારુતિની પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે

ગાંધીનગર : ગુજરાતમાં પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેમાં આજે પીએમ મોદી હાંસલપુર સ્થિત મારૂતિ સુઝુકી પ્લાન્ટના કાર્યકમમાં હાજરી આપશે. પીએમ મોદી મારૂતિની પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે અને બેટરી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ અંગે મળતી માહિતી મુજબ પીએમ મોદી સવારે 10. 30 વાગ્યે હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને 100 દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વાહન નિકાસને ફ્લેગ ઓફ કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
eVITARAનું કોમર્શિયલ ઉત્પાદન હાંસલપુર પ્લાન્ટમાં થશે
ઉલ્લેખનીય છે કે, ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2025માં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો દરમિયાન eVITARAનું અનાવરણ કર્યું હતું. ચાર ભારતીય પ્લાન્ટમાં વાર્ષિક 2.6 મિલિયન યુનિટની ક્ષમતા સાથે કંપનીએ નાણાકીય વર્ષ 25 માં 3.32 લાખથી વધુ વાહનોની નિકાસ કરી હતી અને સ્થાનિક બજારમાં 19.01 લાખ યુનિટ વેચ્યા હતા. ત્યારે હવે eVITARAનું કોમર્શિયલ ઉત્પાદન મંગળવારથી હાંસલપુર પ્લાન્ટમાં સત્તાવાર રીતે શરૂ થશે.
ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર
ભારતને ઇલેક્ટ્રિક મોબિલિટી, અદ્યતન ઉત્પાદન અને માળખાગત વિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાના સરકારના વ્યાપક વિઝન સાથે સુસંગત છે. આ ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
બેટરીનું 80 ટકાથી વધુનું ઉત્પાદન હવે સ્થાનિક સ્તરે થશે
આ ઉપરાંત આ પ્લાન્ટ ભારતના ઈવી અને બેટરી ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જેમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં શરૂ થશે. જે તોશિબા, ડેન્સો અને સુઝુકી વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તેમજ આ પ્લાન્ટના લીધે બેટરીનું 80 ટકાથી વધુનું ઉત્પાદન હવે સ્થાનિક સ્તરે થશે. જે ભારતના સ્વચ્છ ઉર્જા અને ઉત્પાદન લક્ષ્યોને આગળ ધપાવશે.
આ પણ વાંચો…અમદાવાદના નિકોલથી પીએમ મોદીએ લોકોને શું કરી હાકલ? સ્વચ્છતા અભિયાનને લઈ કહી આ વાત