વડા પ્રધાન આવતીકાલથી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જાણો શું છે કાર્યક્રમ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરે કેવડીયા એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. વડા પ્રધાનના નેતૃત્વમાં થનારી આ ઉજવણી સંદર્ભે આજે સાંજે ૫.૩૦ કલાકે વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે. ઉપરાંત એકતાનગરમાં રૂ. ૧,૨૧૯ કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું પણ અનાવરણ કરશે.
પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને જે ૧,૨૧૯ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે તેમાં ૩૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. ૭૦૦ કરોડથી વધુ રકમના ખાતમુહૂર્ત તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા ૩૦૩ કરોડના ખર્ચે નિર્મીત બિરસા મુંડા ભવનના ઉદ્ઘાટન સહિત કુલ ૫૧૯ કરોડ રૂપિયાના વિકાસ કામોના ઉદ્ઘાટન પણ કરશે.
આ પણ વાંચો : વડા પ્રધાન મોદી એકતાનગરને આપશે મોટી ભેટઃ ૨૫ નવી ઈ-બસો ઉમેરાશે…
તેમણે ઉમેર્યું કે, ૩૧ મી ઓક્ટોબરે સવારે વડા પ્રધાન સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે તથા એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનો કર્ટન રેઈઝર લૉન્ચ કરશે. આ ઉપરાંત ૧૬ નવેમ્બરે ભારત અને ગુજરાત સરકારના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઈડ અને ૧૭ નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી સાયકલ ચાલકો સહભાગી થશે.
પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગર ખાતે પ્રથમ વખત ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે.



