
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે વહેલી સવારે દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસના પ્રવાસ માટે દિલ્હીથી રવાના થયા હતાં. વડાપ્રધાન જોહાનિસબર્ગમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે અને વિશ્વના ઘણા નેતાઓને મળશે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્ય’ ના વિઝનને અનુરૂપ ભારતનો દ્રષ્ટિકોણ G20 સમિટમાં રજૂ કરશે.
નોંધનીય છે કે આ વર્ષની G20 સમિટ ખાસ છે, કેમ કે આફ્રિકા ખંડમાં પહેલીવાર G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું,.”દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાનારી G20 સમિટમાં હાજરી આપીશ.જ્યાં વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સમિટ દરમિયાન વિવિધ વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરીશ.”
વડાપ્રધાન મોદીએ લખ્યું, “આ એક સમિટ ખાસ રહેશે રણ કે તે પહેલીવાર G20 સમિટનું આયોજન આફ્રિકા ખંડમાં થઇ રહ્યું છે. 2023માં G20 ના ભારતના પ્રમુખપદ દરમિયાન, આફ્રિકન યુનિયન G20 નું સભ્ય બન્યું હતું.”
G20 સમિટથી અલગ વડા પ્રધાન જોહાનિસબર્ગમાં કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે, તેઓ છઠ્ઠી ઇન્ડિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા (IBSA) ડાયલોગ ફોરમમાં પણ હાજરી આપશે.
આ વર્ષની G20 સમિટની થીમ ‘સોલિડારીટી, ઇક્વાલિટી અને સસ્ટેનીબીલીટી’ છે. વિદેશ મંત્રાલયે આપેલી જાણકારી મુજબ વડા પ્રધાન મોદી સમિટના ત્રણેય સેશનમાં સંબોધન આપશે.
વડાપ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું કે તેઓ મુલાકાત દરમિયાન દક્ષિણ આફ્રિકામાં ભારતીય ડાયસ્પોરા સાથેની વાતચીત કરશે.
આપણ વાંચો: પાકિસ્તાનને ચીન કરી રહ્યું છે સબમરીન સપ્લાય! ભારતીય નેવીએ કર્યો સનસનીખેજ ખુલાસો



