પાકિસ્તાનમાં આવ્યું ભયાનક પૂર! પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત, 15ના મોત | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં આવ્યું ભયાનક પૂર! પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત, 15ના મોત

પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતઃ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ખાસ કરીને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સૌથી વધારે નુકસાન થયું છે. અનેક વિસ્તારો અત્યારે પૂરના કારણે પણ પ્રભાવિત હોવાનું પણ જાણવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં પૂર અને વરસાદના કારણે 15 લોકોનું મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારે વરસાદના કારણે પાકિસ્તાનના અનેક વિસ્તારો પૂરગ્રસ્ત છે, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. જેથી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

પૂરના કારણે 20 લાખથી પણ વધારે લોકો પ્રભાવિતઃ આઝમા બુખારી

વરસાદ અને પૂરના કારણે પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. આ અંગે પંજાબના માહિતી પ્રધાન આઝમા બુખારીના નિવેદન પ્રમાણે વાત કરવામાં આવે તો, પંજાબના આવેલા ભયાનક પૂરના કારણે 20 લાખથી પણ વધારે લોકોને અસર થઈ છે. આઝમા બુખારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં પૂરમાં ફસાયેલા 7,60,000 લોકો સાથે સાથે 5 લાખથી વધારે પશુઓને પણ બચાવી લેવામાં આવ્યાં છે. આ દરમિયાન પંજાબ પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં 10થી વધારે લોકોનું મોત થયું છે.

આ વર્ષે પૂરના કારણે પાકિસ્તાનમાં કુલ 854 લોકોના મોત થયાં

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની વાત કરવામાં આવે તો અહીં પૂર અને વરસાદના કારણે 5 લોકોનું મોત થયું છે. આ વર્ષે એટલે કે 26મી જૂનથી લઈને 31 ઓગસ્ટ સુધીમાં પૂરના કારણે કુલ 854થી વધારે લોકોના મોત થયાં છે. આ દરમિયાન 1000થી વધારે લોકો ઘાયલ થયા હોવાના પણ આંકડા પ્રકાશમાં આવ્યાં હતાં. ગત રવિવારે પાકિસ્તાનના લાહોર અને હાફિઝાબાદમાં 60 મિમી વરસાદ ખાબક્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અત્યારે ભયાનક પૂર આવ્યું છે જેના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. જો કે, સ્થાનિક તંત્ર દ્વાર મદદ અને બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે.

આપણ વાંચો:  વિનાશકારી ભૂકંપ સામે અફઘાનિસ્તાન લાચાર! મોતનો આંકડો 800ને પાર, હજારો ઘાયલ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button