PM મોદી આવતીકાલે નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, જુઓ શાનદાર તસવીરો | મુંબઈ સમાચાર
Top Newsઆમચી મુંબઈ

PM મોદી આવતીકાલે નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, જુઓ શાનદાર તસવીરો

મુંબઈઃ મુંબઈ અંડરગ્રાઉન્ડ મેટ્રોનો કોરિડોર અને નવી મુંબઈ એરપોર્ટ મહારાષ્ટ્રની સેવામાં ઉપલબ્ધ થશે. આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક નહીં બે દિવસ મહારાષ્ટ્ર-મુંબઈના મહેમાન છે, ત્યારે બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટારમરનું પણ સ્વાગત કરવામાં આવશે.

આવતીકાલે એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા પછી મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો સહિત અનેક પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે. આ બંને પ્રોજેક્ટ શરુ થવાથી આગામી દિવસોમાં ટ્રેન-હવાઈ સુવિધામાં વધારો થવાથી લોકોને વિશેષ ફાયદો થશે, જાણીએ સમગ્ર પ્રોજેક્ટની એટુઝેડ વિગતો.

નવી મુંબઈમાં નિર્મિત નવું ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ એનએમઆઈએએલે સંપન્ન કર્યું છે. આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પીપીપીના આધારે પાર પાડવામાં આવ્યું છે, જેમાં અદાણી ગ્રુપની સહાયક કંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનો 74 ટકા અને સિડકોનો 26 ટકા હિસ્સો છે. આ એરપોર્ટ મુંબઈ મહાનગર રિજન અને પશ્ચિમ ભારતના હવાઈ જરુરિયાતોને પૂરી કરશે, જેને એક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે આધુનિક એરપોર્ટમાં સમાવેશ થાય છે.

આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન એક જ સ્થળે: મુસાફરી બનશે વધુ સરળ…

એરપોર્ટની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળથી પ્રેરિત

આ નવું એરપોર્ટ ઉલવેમાં બનાવ્યું છે, જે દક્ષિણ મુંબઈથી 37 કિલોમીટર દૂર, જ્યાં બે સમાંતર કોડ એફ રનવે છે, જેની લંબાઈ 3,700 મીટર અને પહોળાઈ 60 મીટરની છે. એરપોર્ટની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળથી પ્રેરિત છે, જ્યારે ટર્મિનલની છત કમળની પાંખડીઓ જેવી છે, જે 12 પિલર પર ટકેલા છે.

નવી મુંબઈ એરપોર્ટની વિશેષતાની વાત કરીએ તો સમગ્ર એરપોર્ટનો વિસ્તાર 1,160 હેક્ટરમાં ફેલાયેલો છે, જ્યારે વાર્ષિક નવ કરોડ પ્રવાસી તેમ જ 3.25 મિલિયન મેટ્રિક ટન કાર્ગોની ક્ષમતા ધરાવે છે. પહેલા તબક્કામાં બે કરોડ અને અંતિમ તબક્કામાં નવ કરોડ પ્રવાસીમાં વધારો થશે. કુલ ચાર ટર્મિનલ બનાવવાની યોજના છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ અંગે આવી નવી અપડેટઃ DGCA એ આપ્યું આ મહત્વપૂર્ણ લાઇસન્સ

એરપોર્ટ પર હશે ઓટોમેટેડ કાર્ગો સિસ્ટમ

કાર્ગો સુવિધા અન્વયે પહેલા તબક્કામાં પાંચ લાખ ટન સામાનને હેન્ડલ કરવામાં આવશે, ત્યારપછી 32 લાખ ટન વાર્ષિક ક્ષમતાનો વધારો કરવામાં આવશે, જે સંપૂર્ણ ઓટોમેટેડ કાર્ગો સિસ્ટમ હશે, જેમાં 100 ટકા શિપમેન્ટ ટ્રેકિંગ અને ટેમ્પરેચર કંટ્રોલ ઝોનનો પણ સમાવેશ થશે. એરપોર્ટમાં 5જી નેટવર્ક, ડિજિટલ ટ્રેકિંગ અને ડિજિ યાત્રા વગેરેનું કનેક્શન જોડવામાં આવશે. એરપોર્ટ પરિસર સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ અને આઈઓટી બેઝ્ડ મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ હશે.

ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડની પણ મજા માણી શકાશે

ફૂડ અને રિટેલ ઝોનમાં 110થી વધુ દુકાન, રેસ્ટોરા હશે, જેમાં મુંબઈની લોકપ્રિય બ્રાન્ડ્સ, આર્ટિસનલ ટી કન્સેપ્ટ અને ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડનો સમાવેશ થશે. એની સાથે ડ્યૂટી ફ્રી એરિયા અને ડિજિટલ ઝોન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. નવી મુંબઈ એરપોર્ટ શરુ થવાથી મુંબઈની એર કનેક્ટિવિટીમાં પણ બેગણો વધારો થશે અને આ ભારતના નવા ગ્લોબલ એવિયેશન હબ બનાવવાની દિશામાં મોટું પગલું સાબિત થશે.

આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે

અંડરગ્રાઉન્ડ મેટ્રોના ત્રણ તબક્કા સુધી પહોંચતા 3 વર્ષ લાગ્યા

મુંબઈની વાત કરીએ તો મુંબઈ થ્રી અંડરગ્રાઉન્ડ મેટ્રોની ત્રીજી લાઈન આચાર્ય અત્રે ચૌક, વરલીથી કફ પરેડને જોડવામાં આવશે. મુંબઈ મેટ્રો-થ્રી લંબાઈ 33.5 કિલોમીટરની છે, જે કફ પરેડથી આરે કોલોની સુધી 27 સ્ટેશન છે. સંપૂર્ણ ચાલુ થયા પછી મેટ્રો-થ્રી અને જેવીએલઆરથી કફ પરેડ જનારા પ્રવાસીઓની મુસાફરી ગણતરીની મિનિટમાં પૂરી થશે.

મુંબઈમાં અગાઉથી બે તબક્કા અંડરગ્રાઉન્ડ મેટ્રો ચાલુ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ સુધી ઓક્ટોબર 2022માં ચાલુ કર્યો હતો, જે 13 કિલોમીટર છે. આ કોરિડોરમાં આરે, એસઈઈપીઝેડ, એમઆઈડીસી, મરોલ નાકા, એરપોર્ટ-ટીટૂ, સહાર રોડ, એરપોર્ટટીવન, સાંતાક્રુઝ, બાંદ્રા કોલોની અને બીકેસી સ્ટેશનનો સમાવેશ થાય છે.

મે, 2025માં બીજા કોરિડોર બીકેસીથી વરલી (આચાર્ય અત્રે ચૌક) સુધીના 10 કિલોમીટરનો કોરિડોર ઓપન કર્યો હતો. જેમાં ધારાવી, શીતલાદેવી મંદિર, દાદર, સિદ્ધિવિનાયક મંદિર, વરલી, આચાર્ય અત્રે ચોક અને ત્રીજા કોરિડોરને આવતીકાલે ખુલ્લો મૂકવામાં આવશે. ત્રણ કોરિડોરમાં કુલ 27 સ્ટેશન છે, જેમાં એક જમીન પર બાકી 26 અંડરગ્રાઉન્ડ છે.

ટિકિટિંગ વ્યવસ્થા માટે વન નેશન અને વન કાર્ડ યોજનાનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં એક જ કાર્ડથી મેટ્રો, બેસ્ટ બસ, લોકલ ટ્રેન અને મોનોરેલ સહિત અન્ય પરિવહન ક્ષેત્રે ટ્રાવેલ કરી શકશો. સવારના 5.55 વાગ્યાથી રાતના છેલ્લી મેટ્રો 10.30 વાગ્યા સુધી રહેશે. પીક અને નોનપીક અવર્સમાં ટ્રેનની સરેરાશ ફ્રિકવન્સી છથી સાત મિનિટ પર રહેશે.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button