નંદુરબારમાં કલેક્ટર કાર્યાલય પરિસરમાં આદિવાસી પ્રદર્શનકારીઓનો પથ્થરમારો

ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ, ટીયર ગેસના શૅલ છોડ્યા
મુંબઈ: નંદુરબાર ખાતે આદિવાસી યુવકની હત્યાના વિરોધમાં બુધવારે પ્રદર્શનકારીઓએ કલેક્ટર કાર્યાલય પરિસરમાં પથ્થરમારો કરી સરકારી મિલકત તથા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સ્થાનિક સંગઠનોના નેતૃત્વમાં બપોરે મૂક મોરચાનું આયોજન કરાયું હતું, જેમાં ભાગ લેનારા આઠ હજાર લોકોના ટોળાને વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : નંદુરબારમાં ભજનથી પરત ફરી રહેલી ગુજરાતીઓની કાર ખીણમાં ખાબકી: ત્રણનાં મોત
સ્થાનિક આદિવાસી કાર્યકર્તા જય વાળવીની હત્યા માટે જવાબદાર ગુનેગારોને મૃત્યુદંડની માગણી પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવી હતી. 16 સપ્ટેમ્બરે જય વાળવીની કેટલાક લોકોએ શસ્ત્રના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે આ પ્રકરણે કેટલાક લોકોની ધરપકડ કરી હતી અને હત્યા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
બુધવારે કલેક્ટર કાર્યાલય ખાતે મૂક મોરચો સમાપ્ત થયા બાદ કેટલાક સભ્યો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવા માટે ગયા હતા. દરમિયાન પ્રદર્શનકારીઓના જૂથે કલેક્ટર કાર્યાલયના પરિસરમાં લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો, જેમાં પરિસરમાં પાર્ક કરાયેલાં કેટલાંક વાહનોને નુકસાન થયું હતું.
આ પણ વાંચો : નંદુરબારના આ ગામમાં બેલેટ પેપરથી મતદાન શરૂ
પોલીસે પ્રદર્શનકારીઓને હિંસા ન કરવા અનુરોધ કર્યો હતો, પણ તેમણે પોલીસની વાત સાંભળી નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અમુક પ્રદર્શનકારીઓએ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ અને કલેક્ટરના સત્તાવાર નિવાસસ્થાને કૂચ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શૅલ છોડ્યા હતા. બાદમાં કલેક્ટર કાર્યાલય પરિસરમાં વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
દરમિયાન હિંસામાં સંડોવાયેલા કેટલાક શંકાસ્પદોને તાબામાં લેવાયા હતા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો દાખલ કરાયો હતો. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)