'મુંબઈ સમાચાર'ની 144 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર: સમાજ સુધારણા માટે ગરબાનો 'અનોખો' ઉપયોગ | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

‘મુંબઈ સમાચાર’ની 144 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર: સમાજ સુધારણા માટે ગરબાનો ‘અનોખો’ ઉપયોગ

1881માં પ્રકાશિત થયેલા ગરબા સંગ્રહમાં કન્યાકેળવણી, પુનઃલગ્ન અને આઝાદીના વિચારોની ઝલક

અમદાવાદ: હિંદુ સનાતન ધર્મ અનુસાર દર વર્ષે ચૈત્ર અને શારદીય એમ બે નવરાત્રી આવે છે. મા અંબાની આરાધનામાં નવરાત્રી ગરબા વગર અધૂરી છે. ખાસ કરીને ગુજરાતીઓને ગરબા રમવા બહુ ગમે છે, જેથી ગુજરાતમાં એવા ઘણા કવિઓ થઈ ગયા જેમણે ગરબાઓની રચના કરી છે. ત્યારે એશિયાના સૌથી જૂના ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’એ 144 વર્ષ પહેલાં ગરબા દ્વારા જનજાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. ‘મુંબઈ સમાચાર’ના આ સરાહનીય પ્રયાસની એટલે આ ઐતિહાસિક ધરોહર અમદાવાદના મહેશભાઈ પંડ્યાએ સાચવી છે.

કેવી રીતે થઈ ગરબાના સંગ્રહની શરૂઆત

19મી સદીના અંતિમ વર્ષો દરમિયાન મુંબઈ સમાચારના તત્કાલિન માલિક માણેકજી બરદોરજી દ્વારા એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. દર મહિનાના આખરી દિવસોમાં મુંબઈ સમાચાર અખબારમાં એક-બે ગરબા પ્રકાશિત કરવામાં આવતા હતા. આમ મુંબઈ સમાચારમાં પ્રકાશિત થયેલા 107 ગરબાનો માણેકજી બરદોરજીએ સંગ્રહ કરીને “મુંબઈ સમાચારનો ગરબા સંગ્રહ તેમજ જૂના અને પારસીઓ તેમ જ હિંદુઓને લગતા ચૂંટી કઢાયેલા સરસ ગરબા-ગરબીઓનો સંગ્રહ” નામે 1881માં એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. મુંબઈ સમાચારની આ ઐતિહાસિક ધરોહરને અમદાવાદના મહેશભાઈ પંડ્યા નામના મુરબ્બીએ સાચવી રાખી છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં જીવંત છે બેઠા ગરબાની પરંપરાઃ પ્રાચીન ગરબા તન સાથે મનને પણ કરે છે પ્રફુલ્લિત

મુંબઈ સમાચાર સાથે વાત કરતા અમદાવાદના મહેશભાઈ પંડ્યાએ જણાવ્યું કે, “144 વર્ષ પહેલા તૈયાર કરાયેલા આ ગરબાસંગ્રહના પુસ્તકમાં અનુક્રમણિકા માટે ‘સાંકળિયું’ શબ્દ વાપરવામાં આવ્યો છે. ગરબાઓનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે ગરબાઓમાં જૂની ગુજરાતી ભાષા જોવા મળે છે. જેમ બોલતા હતા, તેવી જ રીતે લખવામાં આવ્યું છે, જેથી હ્રસ્વ-દીર્ઘ જેવા ચિહ્નોની ઘણી ભૂલ જોવા મળે છે. એક રીતે કહીએ તો તે સમયે ગરબામાં તળપદી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખાસ કરીને આ ગરબાઓમાં પારસી ભાષાની છાંટ વધારે જોવા મળે છે.”

સમાજસુધારણાની ગરબામાં જોવા મળી ઝલક

મહેશભાઈ પંડ્યાએ આગળ જણાવ્યું કે “મુંબઈ સમાચાર દ્વારા સંગ્રહિત કરવામાં આવેલા ગરબાઓમાં પારસી ગરબા, હિંદુઓના ગરબા, આઝાદીની ચળવળને લગતા ગરબાઓનો સમાવેશ થાય છે. આ ગરબાઓ તે સમયના રોજિંદા જીવનમાં બનતા પ્રસંગો વિશે પણ લખાયા છે. જેમાં સને 1879માં દખ્ખણમાં ચાલેલી લૂંટ વિશે પંડિત દયાનંદ સરસ્વતી મુંબઈ આવ્યા હતા તે વિશે, પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવ્યા તે વિશે, એક હિંદુ બાઈ 1879માં મસ્કત ગઈ તે વિશે, મુંબઈના બજારમાં જુલાઈ 1865ના શેર-સટ્ટાના વાયદા વિશે વગેરે જેવી તે સમયના વર્તમાન પ્રવાહોની વાતો પર લખાયેલા ગરબા જોવા મળે છે.”

કન્યાકેળવણી જેવી બાબતો માટે પહેલ કરી

આઝાદી પૂર્વે સમાજસુધારકોએ કન્યાકેળવણી જેવી બાબતો માટે પહેલ કરી હતી. જેના વિશેના ગરબા પણ મુંબઈ સમાચારના ગરબા સંગ્રહમાં જોવા મળે છે. પહેલાના સમયમાં છોકરીઓને ભણાવાય નહીં, એવું લોકો માનતા હતા. જેથી તેમને નિશાળે મોકલવામાં ન હતી આવતી. પરંતુ જ્યારે માતા-પિતામાં સમજણ આવી અને તેઓ પોતાની દીકરીઓને નિશાળે મોકલતા થયા તેનો આનંદ જે માતા-પિતાના ચહેરા પર જોવા મળ્યો તેનું વર્ણન કરતો ‘છોકરીઓના નિશાળ જોવાનો આનંદ’ના શિર્ષકવાળો ગરબો પણ આ સંગ્રહમાં છે, જેમાં ‘ચાલો સખી આપણે રે આજે, છોડીયોની નીશાલ જોવા કાજે’ શબ્દો જોવા મળે છે. છોકરીઓની નિશાળમાં કેવી કેવી સુવિધાઓ છે? શિક્ષણનું શું મહત્ત્વ છે? સાથોસાથ કન્યાકેળવણીનો સંદેશ આ ગરબામાં આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમિત શાહ ગુજરાત પ્રવાસે: સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, વિકાસકાર્યોનું લોકાર્પણ અને ગરબા મહોત્સવમાં આપશે હાજરી

આભડછેડ જેવા કુરિવાજોને દૂર કરવાની પહેલ કરી

આઝાદી પહેલા છૂતઅછૂત, પુનઃલગ્ન પર પ્રતિબંધ જેવા કુરિવાજો પણ જોવા મળતા હતા. જેને લઈને સમાજસુધાર વિશે પણ એક ગરબો પણ આ સંગ્રહ ‘સુધારા તરફ વલણ લેવા વિશે’ના શીર્ષક હેઠળ લખવામાં આવ્યો છે. ‘ચાલો સખી હીંમતથી જઈએ, સુધારામાં સુખીયા સહુ થઈએ’ જેવી પંક્તિઓ આ ગરબામાં જોવા મળે છે. આમ 144 વર્ષ પહેલા મુંબઈ સમાચાર દ્વારા પણ આભડછેડ જેવા કુરિવાજોને દૂર કરવાની પહેલ કરી હતી. 16 જુલાઇ 1856ના રોજ બ્રિટિશ સરકાર દ્વારા હિંદુ વિધવા પુનઃલગ્ન અધિનિયમ 1856 પસાર કરવામાં આવ્યો હતો. જેને લઈને ‘પુનઃવિવાહના ઓચ્છવનો આનંદ’ શીર્ષક હેઠળનો ગરબો પણ લખવામાં આવ્યો છે. આમ, સમાજસુધારા ક્ષેત્રે આઝાદી પૂર્વે મુંબઈ સમાચારે ઉત્તમ કામ કર્યું હતું.

આ પણ વાંચો : નવરાત્રિના પહેલા દિવસે યુનાઈટેડ વેમાં વિવાદ, ગરબા ગ્રાઉન્ડ ખરાબ હોવાથી ખેલૈયાઓએ કર્યો હોબાળો…

પારસી સમાજનો પણ ગરબામાં ઉલ્લેખ

મુંબઈ સમાચારે સંગ્રહ કરેલા ગરબાઓમાં ઉપરોક્ત વિષયો સિવાય ઊર્મિ અને આવેગોથી ભરેલા ગરબાઓ પણ જોવા મળે છે. પત્ની રિસાઈ જાય પછી પતિ તેને મનાવવા શું કરે છે? તેની વાત ‘પત્નીનું રૂસણું તોડવાની ગરબી’માં કરવામાં આવી છે. આજે, અંગ્રેજી ભાષા આપણે સરળતાથી શીખી લઈએ છીએ. પરંતુ આઝાદી પહેલા એવું થઈ શકતું ન હતું, તેથી કેટલી મહિલાઓને અંગ્રેજી નહીં શીખવાનો વસવસો રહીં જતો. જેની વાત પણ ‘અંગ્રેજી નહીં શીખેલી સ્ત્રીનો બળાપો’ ગરબામાં કરવામાં આવી છે. ‘સખી મારૂં નસીબ ઘણું છે નાહનું, બલી મરવાનું, બલી મરવાનું…સખી મને સુખ નથી આ જગમાં મનુશના ઢગમાં, મનુશના ઢગમાં’ ગરબાની આ પંક્તિઓમાં અંગ્રેજી નહીં શીખવાની વેદના જોવા મળે છે.

ગરબામાં પારસીઓના વ્યવસાય, બહાદૂરી અને ચતુરાઈના વખાણ કર્યાં છે

મુંબઈ સમાચારના તત્કાલિન માલિક માણેકજી બરદોરજી પારસી હતા. જેથી તેમણે આ સંગ્રહમાં ઘણા પારસી ગરબાઓનો પણ સમાવેશ કર્યો છે. જે પૈકીનો એક ગરબો ‘પારસીના બાર માસનો ગરબો’ છે. આ ગરબાની જુદી જુદી પંક્તિઓમાં પારસીઓના બારેસ માસનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘સખી પહેલો તે માહ ફરવરદીન રે, જેમાં “નોરોજ” થાય બે રંગીન રે’ આ તે ગરબાની એક પંક્તિ છે. આ રીતે બારેય મહિનાની વાત ‘પારસીના બાર માસનો ગરબો’માં કરી છે.
ભારતની પ્રગતિમાં પારસી સમાજનું મોટું યોગદાન છે, જેથી તેને લઈને આ સંગ્રહમાં ‘હિન્દુસ્તાનમાં પારસીઓની કિર્તીઓનો ગરબો’ પણ જોવા મળે છે. આ ગરબામાં પારસીઓના વ્યવસાય, બહાદૂરી અને ચતુરાઈના વખાણ જોવા મળે છે. આ સિવાય ‘પારસીઓની ડુંગરવાડી પર થયેલા હુમલા વિશે’ તથા ‘વરેવા ગામની પારસીઓની બહાદૂર ઔરતો વિશે’ જેવા શીર્ષકો હેઠળના ગરબા પણ આ સંગ્રહમાં જોવા મળે છે.

પહેલી જુલાઈ, 2025ના રોજ મુંબઈ સમાચાર 204 વર્ષનું થયું છે. “મુંબઈ સમાચારનો ગરબા સંગ્રહ તેમજ જૂના અને પારસીઓ તેમ જ હિંદુઓને લગતા ચૂંટી કઢાયેલા સરસ ગરબા-ગરબીઓનો સંગ્રહ” મુંબઈ સમાચારની ઐતિહાસિક વિરાસત છે. જેને 144 વર્ષ બાદ પણ અમદાવાદના મહેશભાઈ પંડ્યા સાચવીને બેઠા છે. જે તેમની ધગશ અને સાહિત્યને સાચવવાની લગન બતાવે છે. આઝાદી પહેલાના ભારતની પરિસ્થિતિનું વર્ણન કરતો આ સંગ્રહ ઇતિહાસના અભ્યાસુઓ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થાય તેમ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button