ગુજરાતને હજુ પણ માવઠાની રાહત નહીં મળેઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 186 તાલુકામાં કમોસમી વરસાદ | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

ગુજરાતને હજુ પણ માવઠાની રાહત નહીં મળેઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 186 તાલુકામાં કમોસમી વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ચાર-પાંચ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાનવ વિભાગ દ્વારા ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

અરબસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય હોવાના કારણે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે 55થી 65 કિમી પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.

આવતીકાલે ક્યાં છે માવઠાની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ભારે વરસાદ સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.

આવતીકાલે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આપણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી; 20 જિલ્લામાં એલર્ટ

186 તાલુકામાં માવઠું

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સાંજે 6 કલાક સુધીમાં 186 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3.19 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. હાંસોટમાં 2.72 ઇંચ, તળાજામાં 2.56 ઇંચ, સુબીરમાં 2.32 ઇંચ, મહુવા (સુરત)માં 2.20 ઇંચ, ગાંધીનગરમાં 2.09 ઇંચ, કલોલમાં 1.65 ઇંચ, કડીમાં 1.61 ઇંચ, તલોદમાં 1.61 ઇંચ, દહેગામમાં 1.54 ઇંચ, પાલીતાણામાં 1.42 ઇંચ, ઓલપાડમાં 1.42 ઇંચ, સિહોરમાં 1.38 ઇંચ, પ્રાંતિજમાં 1.38 ઇંચ, હિંમતનગરમાં 1.34 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં એક તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, પાંચ તાલુકામાં બે ઇંચથી વધારે, 18 તાલુકામાં એક ઇંચથી વધારે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં માવઠાના કારણે ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમના મેન દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના પગલે કડાણા ડેમમાં નવા નીરની આવક નોંધાઈ હતી. મહેસાણા જિલ્લામાં અંધારું છવાતા ધોળે દિવસે હાઇવે ઉપર વાહનચાલકોએ લાઈટો ચાલુ કરી વાહન ચલાવવાની ફરજ પડી હતી.

ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button