Top Newsનેશનલ

સંસદમાં રાહુલ ગાંધીનો ‘ડૉકલામ’ મુદ્દે હોબાળોઃ અપ્રકાશિત પુસ્તક પર સરકાર અને વિપક્ષ આમને-સામને

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડોકલામમાં ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ એમ. એમ. નરવણેના અપ્રકાશિત સંસ્મરણોને ટાંકીને દાવો કર્યો હતો કે ચીની ટેન્કો ભારતીય સરહદમાં પ્રવેશી રહી હતી. તેમણે કહ્યું કે, “હું જે વાંચી રહ્યો છું, તેનાથી ખબર પડશે કે કોણ ખરેખર દેશભક્ત છે.” જોકે, રાહુલ ગાંધી વારંવાર આ મુદ્દો ઉઠાવવા માંગતા હતા, પરંતુ સ્પીકરે નિયમોનું પાલન કરવા જણાવી તેમને અટકાવ્યા હતા.

સરકાર જાણી જોઈને પુસ્તક પ્રકાશિત કરતી નથી

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રાહુલ ગાંધીના દાવાઓનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે, જે પુસ્તક હજુ સુધી પ્રકાશિત જ નથી થયું, તેના આધારે કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું કે, “જો પુસ્તકમાં તથ્યો સાચા હોત તો તે પ્રકાશિત થઈ હોત, પરંતુ તેમાં ખોટી માહિતી હોવાને કારણે તે પ્રકાશિત થઈ નથી.” ગૃહ પ્રધાન અમિત શાહે પણ આ મામલે હસ્તક્ષેપ કરતા કહ્યું હતું કે, જે પુસ્તક અસ્તિત્વમાં જ નથી અથવા પબ્લિશ નથી થઈ, તેનો ઉલ્લેખ ગૃહમાં ન કરી શકાય. રાહુલ ગાંધીએ સામે પક્ષે આક્ષેપ કર્યો હતો કે સરકાર જાણીજોઈને આ પુસ્તકને પ્રકાશિત થવા દેતી નથી.

રાહુલ ગાંધીના સમર્થનમાં અખિલેશ યાદવ આવ્યા

આ વિવાદમાં વિપક્ષી નેતાઓ પણ રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે ચીનનો મુદ્દો સંવેદનશીલ છે અને વિપક્ષના નેતાને ગૃહમાં પોતાની વાત રાખવાની મંજૂરી મળવી જોઈએ. બીજી તરફ, કે.સી. વેણુગોપાલે આક્ષેપ કર્યો હતો કે સરકાર રાહુલ ગાંધીને બોલતા રોકી રહી છે. જોકે, સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે સ્પીકરના આદેશ છતાં રાહુલ ગાંધી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

હંગામાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી

ગૃહમાં હંગામો સતત વધતો જોઈ સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ગૃહમાં માત્ર અધિકૃત દસ્તાવેજો અથવા સમાચાર પત્રની કટિંગનો જ ઉલ્લેખ કરી શકાય છે, અપ્રકાશિત પુસ્તકોનો નહીં. તેમણે સભ્યોને ગૃહની ગરિમા જાળવવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. તેમ છતાં, વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સૂત્રોચ્ચાર ચાલુ રહેતા અંતે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

સંબંધિત લેખો

Back to top button