ગુજરાતને પાંચ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો છે. જ્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પર હાલ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેનાથી ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. આ વચ્ચે ગઈકાલે ગુજરાતના 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો
24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જાહેર કરેલા આંકડા પ્રમાણે ગઈકાલે 20 ઓગસ્ટના સવારે 6 વાગ્યાથી 21 ઓગસ્ટના સવારે 6 વાગ્ય સુધીમાં 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો. જેમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13.31 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે કેશોદમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંદ વંથલીમાં 10.39 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો પોરબંદર શહેરમાં પણ 10.24 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નવસારીના ગણદેવીમાં 9.21 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં શહેરમાં વરસાદે ઝાંપટાથી હાજરી પુરાવી હતી. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં આજે વહેલી સવારથી મહિસાગરના ખાનપુરમાં મેઘ મહેર જોવા મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે સવારે 10 વાગ્યા સુધી અરવલ્લી, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના માટે આ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ
રેડ અને યેલો એલર્ટવાળા જિલ્લાઓ સિવાય ગુજરાતના અન્ય ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે લોકોને નદી-નાળા અને ખતરનાક વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ખરાબ હવામાનને પગલે તમામ પોર્ટ પર LCS 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને 24મી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત આગામી બે દિવસ, એટલે કે 21 અને 22 ઓગસ્ટે, રાજ્યના 26 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ અને કચ્છ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. 23 અને 24 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, નવસારી અને વલસાડમાં યેલો એલર્ટ રહેશે, જ્યાં હળવો વરસાદ જોવા મળશે.
આ પણ વાંચો…જૂનાગઢમાં ભારે વરસાદથી ઓઝત સહીત અનેક ડેમો છલકાયા, 35થી વધુ ગ્રામ્ય રસ્તાઓ અને 15 બસ રૂટ બંધ