નિવૃત ડીવાયએસપી મેવાડાની ₹300 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો કોર્ટનો આદેશ, જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા ચૂંટણી

મોડાસા: ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા નિવૃત્ત ડીવાયએસપી જયંતીલાલ જેઠાભાઈ મેવાડાને મોડાસા કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે તેમની ₹300 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો.
આ કાર્યવાહી વર્ષ 2022માં તેમની સામે દાખલ થયેલી ફરિયાદના આધારે કરવામાં આવી હતી. તે સમયે તેઓ આમ આદમી પાર્ટીના નેતા હતા.
આપણ વાંચો: તમિલનાડુના ધારાસભ્ય વિરુદ્ધ ઇડીની કાર્યવાહીઃ 100 કરોડની સંપત્તિ જપ્ત કરી
શું છે સમગ્ર મામલો?
આ મામલો 2022નો છે. તે સમયે જયંતીલાલ મેવાડા અમદાવાદ શહેર આપના પ્રમુખ હતા. કલોલના રહેવાસી વિરલગીરી ગોસ્વામીએ અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં જયંતીલાલ મેવાડા અને તેમના પરિવારના 6 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે મેવાડાએ તેમની ફરજ દરમિયાન ₹300 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો ગેરકાયદેસર રીતે ખરીદી હતી.
આપણ વાંચો: વેન્દ્ર ફડણવીસે સીઆઈડીને સંતોષ દેશમુખ હત્યા કેસમાં ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો
ખોટી એફિડેવિટ અને અપ્રમાણસર મિલકતનો આરોપ
ફરિયાદી વિરલગીરી ગોસ્વામીએ આક્ષેપ કર્યો હતો કે જયંતીલાલ મેવાડાએ અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ભ્રષ્ટાચાર કરીને કરોડોની મિલકતો વસાવી હતી.
આ ઉપરાંત, 2014 અને 2017ની ચૂંટણીમાં તેમણે ખોટી એફિડેવિટ રજૂ કરી હોવાનો પણ આરોપ લગાવાયો હતો. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં તેમણે 24 મિલકતો વસાવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મોડાસા સેશન્સ કોર્ટે તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.
આ કેસ નોંધાયા બાદ જયંતીલાલ મેવાડા ભાજપમાં જોડાયા હતા, છતાં તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ મળી નથી. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે.