
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જગદીશ પંચાલ એકશન મોડમાં આવી રહ્યા છે. તેઓ 10 ઓક્ટોબરથી ગુજરાત ભ્રમણની શરૂઆત કરશે.
ગુજરાત ભ્રમણની શરૂઆત અંબાજીથી કરશે, જેના કારણે ભાજપ સંગઠનની જાહેરાત હવે દિવાળી બાદ જ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના પ્રવાસની જવાબદારી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલ, ધવલ પટેલ અને સંદિપ દેસાઈને સોંપવામાં આવી છે.
આપણ વાંચો: જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો, પાટીલને લઈ કહી આ વાત
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા પ્રમુખ બન્યા બાદ વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પ્રમુખનો પ્રવાસ થતો હોય છે. જેમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને સંગઠન અંગેની ચર્ચા કરવામાં આવે છે.
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ આ પરંપરાને જાળવી રરાખશે અને રાજ્યભરમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. 8 દિવસ ગુજરાતના જિલ્લાઓ અને શહેરોનો પ્રવાસ કરશે. ઉત્તર ગુજરાતથી ગુજરાત યાત્રાના પ્રવાસની શરૂઆત કરવામાં આવશે. 10 ઓક્ટોબરે અંબાજી મંદિરે દર્શન કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે.
આપણ વાંચો: એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલ બનશે ભાજપના પ્રમુખઃ આવતીકાલથી પદ સંભાળે તેવી શક્યતા
પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ 10થી 17 ઓક્ટોબર સુધી પ્રવાસ દરમિયાન શહેર – જિલ્લાના પ્રમુખો અને શહેરના હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે. જગદીશ પંચાલના પ્રવાસ બાદ નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે.
તેમના ગુજરાત પ્રવાસ બાદ ભાજપના નવા સંગઠન માળખું જાહેર થઈ શકે છે. પ્રદેશ પ્રમુખનો પ્રવાસ ગોઠવવામાં આવતા નવું સંગઠન દિવાળી બાદ થાય શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે 4 ઓક્ટોબરે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા હતા.