Top Newsઇન્ટરનેશનલ

ઈરાનનું એરસ્પેસ બંધ થયું: ભારતીય એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ, મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

નવી દિલ્હી: ઈરાનમાં છેલ્લા 15 દિવસ કરતાંય વધારે સમયથી જનઆંદોલન ચાલી રહ્યું છે. સૈનિકો સાથેની અથડામણમાં અત્યારસુધી 2500થી વધારે લોકોનૈા મોત થઈ ચૂક્યા છે. આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ઈરાનનું એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે. જેની અસર ભારતની અગ્રણી એરલાઈન્સ પર પડી છે.

અનેક ફ્લાઈટ્સ રદ થઈ

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ થઈ છે. જેને લઈને આ તમામ એરલાઈન્સે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, મુસાફરો અને ક્રૂની સુરક્ષા સર્વોપરી હોવાથી તમામ ફ્લાઈટ્સ માટે વૈકલ્પિક રૂટ અપનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે વિમાનોના સમયમાં વિલંબ થઈ શકે છે. જ્યાં વૈકલ્પિક રૂટ શક્ય નથી, તેવી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

ઈન્ડિગો એરલાઈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પરિસ્થિતિ તેમના કંટ્રોલ બહાર છે. અસરગ્રસ્ત મુસાફરોને રિશિડ્યુલિંગ અથવા સંપૂર્ણ રિફંડના વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. સ્પાઈસજેટે મુસાફરોને રવાના થતા પહેલા વેબસાઈટ અથવા 24×7 હેલ્પલાઈન પર ફ્લાઈટ સ્ટેટસ તપાસી લેવાની સલાહ આપી છે.

તમામ એરલાઈન્સે મુસાફરોને વિનંતી કરી છે કે એરપોર્ટ પહોંચતા પહેલા તેમની ફ્લાઈટનું લાઈવ સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લેવું. અસુવિધા ટાળવા માટે એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલા રિબુકિંગ વિકલ્પોનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.

રૂડ ડાયવર્ટ થશે, ભાડું વધશે

ઉલ્લેખનીય છે કે, ઈરાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ભારતથી યુરોપ, મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) અને અમેરિકા જતી ફ્લાઈટ્સ માટે મોટા પાયે થાય છે. આ એરસ્પેસ બંધ થવાના કારણે ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડશે, જેના કારણે મુસાફરીનો સમય વધશે. ઈંધણના વપરાશમાં વધારો થતા ટિકિટના દરો પર પણ અસર પડી શકે છે.

આપણ વાંચો:  ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ થયા સજ્જ, મોકલી સૈન્ય મદદ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button