
હરમનપ્રીતની ટીમ 2017માં ટ્રોફી વિના મોદીને મળી હતી, પણ આ વખતે મૂલ્યવાન ટ્રોફી સાથે મળી
નવી દિલ્હીઃ પહેલી જ વખત વર્લ્ડ ચૅમ્પિયન (Champion) બનેલી ભારતની મહિલા ક્રિકેટરોની ટીમ બુધવારે પાટનગર દિલ્હીમાં મોડી સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Modi)ને તેમના નિવાસસ્થાને મળી હતી. હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ટીમે નવો ઇતિહાસ સર્જ્યો એ બદલ પીએમે તેમનું બહુમાન કર્યું હતું અને તેમની ભરપૂર પ્રશંસા કરી હતી. હરમનપ્રીતે આ યાદગાર મુલાકાત પછી પત્રકારોને કહ્યું, ` 2017માં (રનર-અપ બન્યા હતા ત્યારે) અમે ટ્રોફી વિના વડા પ્રધાન મોદીને મળ્યા હતા, પણ આ વખતે ટ્રોફી સાથે તેમને મળ્યા. અમે આશા રાખીએ છીએ કે હવે પછી પીએમ સાથે મુલાકાત કરવાનો આવો મોકો અમને વારંવાર મળતો રહેશે.’
जीती रहो, जीतती रहो
— Anurag Thakur (@ianuragthakur) November 5, 2025
मेरे भारत की बेटियों!
क्रिकेट विश्व कप 2025 जीतने वाली भारतीय क्रिकेट टीम की बहादुर बेटियों से आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की स्नेहिल भेंट। pic.twitter.com/YZTfBnygWv
ભારતીય ટીમે મહિલા વર્લ્ડ કપના બાવન વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ટાઇટલ જીતી લીધું છે. રવિવારે નવી મુંબઈમાં ડી. વાય. પાટીલની ફાઇનલમાં તેમણે સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવ્યું હતું. મોદીએ ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડીઓની દૃઢતાને બિરદાવી હતી અને એને આધારે ટૂર્નામેન્ટમાં બહુ સારું કમબૅક કર્યું એ બદલ તેમની ખૂબ પ્રશંસા કરી હતી. અગાઉ મોદીએ વિજેતા ટીમે આત્મવિશ્વાસ અને ટીમવર્કથી વિજય મેળવ્યો એ બદલ સોશ્યલ મીડિયામાં તેમને બિરદાવી હતી.
આ પણ વાંચો: તમે કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ટીમવર્કથી જીત્યા…ખૂબ ખૂબ અભિનંદનઃ વડા પ્રધાન મોદી
વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું, ` વડા પ્રધાન હંમેશાં ટીમને પ્રેરિત કરતા હોય છે અને તેમની ઊર્જાથી દરેક ખેલાડીને કરીઅરમાં નવી દિશા મળતી હોય છે. આજે દેશની છોકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને એમાં વડા પ્રધાનના પ્રોત્સાહનની મહત્ત્વની ભૂમિકા રહી છે.’

એ પહેલાં, મહિલા ટીમનું પાટનગરમાં ઢોલ-નગારાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી આવતાં પહેલાં ટીમની બસમાં જ તેઓ હેડ-કોચ અમોલ મુઝુમદાર તથા અન્યો સાથે વિશ્વ વિજેતાપદનો આનંદ માણવામાં મશગૂલ હતી.
આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટરોનું ઐતિહાસિક વિશ્વ વિજેતાપદ દેશમાં કેવી સકારાત્મક અસર કરી શકે, કેવા ફેરફારો લાવી શકે?
વડા પ્રધાન મોદી માટે ચૅમ્પિયન ટીમ ખાસ ભેટ પણ લાવી હતી. આ ભેટ તમામ ખેલાડીઓના ઑટોગ્રાફવાળી જર્સીના રૂપમાં હતી. એવું મનાય છે કે ગુરુવારે ભારતીય ટીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ વિજેતા ભારતીય ટીમને આઇસીસી તરફથી 40 કરોડ રૂપિયાનું અને બીસીસીઆઇ તરફથી 51 કરોડ રૂપિયાનું ખાસ ઇનામ મળ્યું છે.



