‘જ્યાંથી સારી ડીલ મળે ત્યાંથી પેટ્રોલિયમ ખરીદીશું’ ભારતનો ટ્રમ્પને જવાબ

મોસ્કો: ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદી રહ્યું હોવાથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા છે, તેમણે ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ ઝીંક્યો છે. રશિયાએ તાજેતરમાં કહ્યું હતું કે તે ભારતને પેટ્રોલિયમનો પુરવઠો પૂરું પડતું રહેશે. એવામાં ભારતે સ્પષ્ટતા કરી છે કે ભારત પોતાના નિર્ણયો લેવા સ્વતંત્ર છે, ભારતીય કંપનીઓને જ્યાંથી પણ સારો સોદો મળશે ત્યાંથી પેટ્રોલિયમ ખરીદશે.
રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે જણાવ્યું છે કે ભારત તેના રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરતા જરૂરી પગલા ભરતું રહેશે. રશિયાની સરકારી સમાચાર એજન્સી સાથેના એક ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે દેશના 1.4 અબજ લોકોની ઊર્જા પૂરી પાડવીએ નવી દિલ્હીની પ્રાથમિકતા છે.
ભારતીય રાજદૂત વિનય કુમારે કહ્યું, “જ્યાંથી પણ સારી ડીલ મળશે ભારતીય કંપનીઓ ત્યાંથી પેટ્રોલિયમ ખરીદશે. અમે સ્પષ્ટપણે કહ્યું છે કે અમારો ઉદ્દેશ્ય ભારતના 1.4 અબજ લોકોને ઊર્જા પૂરી પડવાનો છે. અન્ય ઘણા દેશોની જેમ રશિયા સાથે ભારતના સહયોગથી ગ્લોબલ ઓઈલ માર્કેટમાં સ્થિરતા લાવવામાં મદદ મળી છે.”
તેમણે યુએસને જવાબ આપતા કહ્યું કે, “રશિયન પેટ્રોલિયમ ખરીદવા બદલ અમેરિકા દ્વારા અમારા પર લાદવામાં આવેલ ટેરિફ અને દંડ સંપૂર્ણપણે અન્યાયી, ગેરવાજબી અને ખોટો નિર્ણય છે.”
વિનય કુમારે કહ્યું કે દુનિયામાં કોઈપણ વેપાર સારા સોદા અને આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેથી, સારા સોદા અને આયાતના આધારે જે પણ યોગ્ય છે તે કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો…ભારત અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે નિક્કી હેલીની ટ્રમ્પને સલાહ, કહ્યું ભારત જેવો મિત્ર દેશ જરૂરી