
ચીનના તિઆનજિન શહેરમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટ 31 ઓગસ્ટથી શરૂ થઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સાત વર્ષ બાદ ચીનની મુલાકાતે પહોંચેલા મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક કલાકની દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, સીમા વિવાદ અને વૈશ્વિક આર્થિક પડકારો પર ચર્ચા કરી હતી. અમેરિકાની ટેરિફ નીતિઓના સંદર્ભમાં આ બેઠક ખાસ મહત્વ ધરાવે છે, જે ભારત-ચીન સંબંધોને નવી દિશા આપી શકે છે.
SCO સમિટમાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારત-ચીન સંબંધોમાં તાજેતરની પ્રગતિ પર ભાર મૂક્યો. તેમણે સીમા વિવાદ પર વિશેષ પ્રતિનિધિઓના કરાક, કૈલાસ માનસરોવર યાત્રાની પુનઃસ્થાપના અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સ શરૂ થવાનો ઉલ્લેખ કર્યો. મોદીએ જણાવ્યું કે બંને દેશોના 2.8 અબજ લોકોના હિતો આપણા સહકાર સાથે જોડાયેલા છે, જે વૈશ્વિક કલ્યાણનો માર્ગ પણ ખોલે છે. શી જિનપિંગે મોદીનું સ્વાગત કરતા કહ્યું કે ગયા વર્ષે કઝાનમાં થયેલી બેઠકે સંબંધોને સકારાત્મક દિશા આપી હતી, અને આ બેઠક ઐતિહાસિક છે.
શી જિનપિંગે ઉલ્લેખ કર્યો કે આ વર્ષે ભારત-ચીન કૂટનીતિક સંબંધોની 75મી વર્ષગાંઠ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશોએ રણનીતિક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સંબંધોને જોવું જોઈએ. તેમણે બંને દેશોને વૈશ્વિક દક્ષિણના સભ્ય તરીકે બહુપક્ષીયતા, બહુધ્રુવીય વિશ્વ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વધુ લોકતંત્રને પ્રોત્સાહન આપવા તેમજ એશિયા અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ માટે સહકાર આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ બેઠકે બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સહકાર વધારવાનો માર્ગ મોકળો કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ચાલુ રાખવા બદલ ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યો છે, જેમાં 25% પ્રતિબંધક ટેરિફ અને 25% રશિયન તેલની ખરીદીને લઈને દંડ તરીકે લાગુ કરવામાં આવ્યો છે. આ પડકાર વચ્ચે મોદી 1 સપ્ટેમ્બરે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ બેઠક યોજશે. 2020ની ગલવાન ઘટના બાદ ભારત-ચીન સંબંધો નીચલા સ્તરે પહોંચ્યા હતા, પરંતુ હવે બંને દેશો વચ્ચે વેપાર અને સહકાર વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જે આ બેઠકને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.
આપણ વાંચો: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે કરી વાત, શાંતિ સ્થાપવા માટે મદદ માંગી…