એરપોર્ટના ઉદ્ઘાટન વખતે PM મોદીએ કૉંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું – 26/11નો બદલો લેતા કોણે રોક્યો, કૉંગ્રેસ સ્પષ્ટતા કરે

મુંબઈ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26/11ના મુંબઈ હુમલાનો મુદ્દો ઉઠાવી કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. .
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવાલ કર્યો હતો કે મુંબઈ પર 2008ની 26/11એ ત્રાસવાદીઓનો હુમલો થયો, તે પછી દુશ્મનો સામે લશ્કરી કાર્યવાહી કરતા કૉંગ્રેસ પાર્ટીને કોણે રોકી હતી? કૉંગ્રેસે આ બાબતમાં દેશ સમક્ષ સ્પષ્ટતા કરવી જોઇએ.
આપણ વાંચો: કચ્છનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું, પીએમ નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ
મોદીએ જણાવ્યું હતું કે મુંબઈ પર 26/11એ ત્રાસવાદીઓનો હુમલો થયો ત્યારે કૉંગ્રેસના જે નેતા કેન્દ્રના ગૃહ પ્રધાન હતા તેમણે તાજેતરમાં દાવો કર્યો હતો કે એક દેશે ભારતને વળતી લશ્કરી કાર્યવાહી કરતા અટકાવ્યું હતું. કૉંગ્રેસે આ સંબંધમાં ખુલાસો કરવો જોઇએ.
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન વખતે મોદીએ આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસની નબળાઇ, ત્રાસવાદીઓની તાકાત હતી. મુંબઈ પરના ત્રાસવાદી હુમલાનો બદલો લેતા દેશને કોણે રોક્યું હતું?, તે જાણવાનો દેશના દરેક નાગરિકનો અધિકાર છે.
આપણ વાંચો: નરેન્દ્ર મોદીના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી
મોદીએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ત્રાસવાદીઓએ નિર્દોષ લોકોની કરેલી હત્યા બાદ ભારતે શત્રુઓ સામે ‘ઑપરેશન સિંદૂર’ હેઠળ હાથ ધરેલી લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અમારા માટે દેશ અને નાગરિકોની સલામતી સિવાય કંઇ પણ વધુ મહત્ત્વનું નથી.
તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર દેશને આ દાયકાના અંત સુધીમાં ‘વિમાનો, હૅલિકૉપ્ટરનો મેન્ટેનન્સ (જાળવણી), રિપેરિંગ (સમારકામ) અને ઑવરહૉલ (ચકાસણી કરીને સમારવું)’ માટેનું વૈશ્ર્વિક કેન્દ્ર બનાવવા માગે છે.
મોદીએ જણાવ્યું હતું કે સરકારની ‘ઉડાન’ (ઊડે દેશ કા આમ નાગરિક) યોજનાને લીધે છેલ્લાં દાયકા દરમિયાન લાખો લોકોએ વિમાનમાં પ્રવાસ કરવા માટેનું સ્વપ્ન સાકાર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશમાં 2014માં માત્ર 74 વિમાનમથક હતા, જ્યારે અત્યારે 160થી વધારે ઍરપોર્ટ છે. અમારી સરકાર ‘ગતિ અને પ્રગતિ’નો દૃષ્ટિકોણ ધરાવે છે. (એજન્સી)