ગુજરાત હાઈ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો: પુરાવા વિના ACના બિલની વસૂલાત ગેરકાયદે | મુંબઈ સમાચાર
Top News

ગુજરાત હાઈ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો: પુરાવા વિના ACના બિલની વસૂલાત ગેરકાયદે

અમદાવાદ: સરકારી ઓફિસમાં એસી વાપરવા બદલ સરકારે નિવૃત્ત લેક્ચરર પાસેથી વીજળીનું બિલ માંગ્યું હતું. આ બિલની રકમ ₹1.77 લાખ હતી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઈ કોર્ટે સરકારના આદેશને રદ કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે કોઈ પણ પુરાવા કે પ્રક્રિયાનું પાલન કર્યા વિના કર્મચારી પાસેથી આ રીતે પૈસા વસૂલવા ખોટું છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે આ લેક્ચરરને ક્યારેય કહેવામાં આવ્યું નહોતું કે તેઓ એસીનો ઉપયોગ કરી શકતા નથી. ઉપરાંત, તેમના ચેમ્બરમાં એસી પહેલાથી જ લગાવેલું હતું. સરકારી અધિકારીઓ એસી લેક્ચરરે જ લગાવ્યું હતું કે તેનો દુરુપયોગ થયો હતો તેવું સાબિત કરી શક્યા નહોતા.

શું છે આ મામલો

આ કેસમાં, વર્ષ 2017માં, ટેકનિકલ શિક્ષણના કમિશનરે સરકારી પોલિટેકનિકના 11 ફેકલ્ટી સભ્યો પાસેથી તેમના ચેમ્બરમાં અનધિકૃત રીતે એસીનો ઉપયોગ કરવા બદલ નાણાંની વસૂલાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલા લેક્ચરર તેમાંથી એક હતા અને તેમણે 2002 થી 2012 સુધી એસીના ઉપયોગ માટે વીજળી બિલના ₹53,562 ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં આ રકમ સુધારીને ₹1.77 લાખ કરવામાં આવી હતી.

મહિલા લેક્ચરરે વસૂલાતને પડકારી

જ્યારે 10 ફેકલ્ટી સભ્યોએ આ રકમ ચૂકવી દીધી, ત્યારે મહિલા લેક્ચરરે વસૂલાતને પડકારવા માટે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે તેમને ક્યારેય જાણ કરવામાં આવી નહોતી કે તેમના પગાર ધોરણને આધારે તેઓ એસીનો ઉપયોગ કરી શકતા નથી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમણે ચેમ્બરનો કબજો લીધો ત્યારે એસી પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલું હતું અને તે સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા કે એસી તેમણે ઇન્સ્ટોલ કરાવ્યું હતું કે તેનો દુરુપયોગ કર્યો હતો. તેમણે એ પણ દલીલ કરી કે 2017માં, એટલે કે પાંચ વર્ષ પછી, સત્તાવાળાઓએ વસૂલાતનો આદેશ જારી કરતા પહેલા તેમને ક્યારેય કંઈ પૂછ્યું પણ નહોતું.

કેસની સુનાવણી બાદ ન્યાયધીશ નિખિલ કેરીયલે જણાવ્યું હતું કે કર્મચારીઓ પાસેથી વસૂલાતનો આદેશ પસાર કરતી વખતે, સત્તાવાળાઓએ, રાજ્ય સરકારની હાલની નીતિઓ અનુસાર પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી હતું. સત્તાવાળાઓએ કોઈ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યું નથી કે કર્મચારીને ખુલાસો કરવાની તક પણ આપવામાં આવી નહોતી.

કોર્ટે જણાવ્યું હતું કે, 2002 થી 2012 દરમિયાન તેમની સેવાના કાર્યકાળ દરમિયાન, અરજદારને એસી નો ઉપયોગ ન કરવા માટે જાણ કરવામાં આવી હતી તેવું પ્રતિવાદીઓ સાબિત કરી શક્યા નથી. કોર્ટે એમ પણ કહ્યું કે ફેકલ્ટી સભ્યએ ખરેખર એસીનો ઉપયોગ કર્યો હતો કે તેનો દુરુપયોગ કર્યો હતો તે બતાવવા માટે સત્તાવાળાઓ પાસે કોઈ પુરાવા નથી.

આ પણ વાંચો..મુસ્લિમો પરસ્પર સંમતિથી મૌખિક રીતે લઇ શકે છૂટાછેડા, લેખિત કરાર જરૂરી નથી: ગુજરાત હાઈ કોર્ટ

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button