મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું: લોકલ ટ્રેન-રોડ વ્યવહારને માઠી અસર, રાજ્યમાં 7ના મોત | મુંબઈ સમાચાર
Top News

મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું: લોકલ ટ્રેન-રોડ વ્યવહારને માઠી અસર, રાજ્યમાં 7ના મોત

મુંબઈ: મેઘરાજા છેલ્લા ચાર દિવસથી મુંબઈ સહીત મહારષ્ટ્રના કેટલાક વિસ્તારોને ધમરોળી રહ્યા છે. મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને માઠી અસર પહોંચી છે. ગઈ કાલે સોમવારે 12 કલાકમાં શહેરના ઘણા વિસ્તારોમાં 100 મીમી(4 ઇંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી આપી છે, આજે પણ શહેરમાં શાળા અને કોલેજો બંધ રહેશે.

લોકલ ટ્રેન વ્યવહારને અસર:

સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે અને વિઝિબિલિટી ઓછી થઈ છે. અહેવાલ મુજબ સેન્ટ્રલ લાઈન પર ઘાટકોપર અને દાદર વચ્ચે ભારે પાણી ભરાઈ ગયા છે, જ્યારે માટુંગા સ્ટેશન પાસે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેને કારણે સેન્ટ્રલ લાઈન પર ટ્રેનો શેડ્યુલ કરતા 25 થી 30 મિનિટ મોડી દોડી રહી છે.

હાર્બર લાઇન પર લોકલ ટ્રેનો શેડ્યુલથી 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે, જ્યારે વેસ્ટર્ન લાઇન પર પણ ટ્રેનો 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી છે. વહેલી સવારે મુખ્ય સ્ટેશનોના પ્લેટફોર્મ્સ પર ભારે ભીડ જોવા મળી હતી.

વાહન વ્યવહારને અસર:

વરસાદને કારણે ઘણા રોડ પર પાણીમાં ગરકાવ થઇ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. અંધેરી સબવેમાં બે થી અઢી ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે સબવે બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિકને ગોખલે બ્રિજ અને ઠાકરે બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસે આ અંગે માહિતી આપી છે.

ક્યાં કેટલો વરસાદ:

હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ ગઈ કાલે સોમવારે સવારે 8:30 થી રાત્રે 8:30 વાગ્યા દરમિયાન વિક્રોલીમાં સૌથી વધુ 139.5 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ સૌથી વધુ સાંતાક્રુઝમાં 129.1 મીમી, જુહુમાં 128.5 મીમી અને ચેમ્બુરમાં 125 મીમી વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ ઉપનગરોની વાત કરીએ તો, બાન્દ્રામાં 108.5 મીમી, જ્યારે મહાલક્ષ્મીમાં 45.5 મીમી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ મુંબઈના ભાયખલામાં 88.5 મીમી અને કોલાબામાં 55.4 મીમી વરસાદ નોંધાયો હતો.

આજે પણ શાળા કોલેજો બંધ રહેશે:

સ્વતંત્રતા દિવસ બાદ શાળા-કોલેજો હજુ શરુ થઇ શકી નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સોમવારે સાંજે જાહેરાત કરી હતી કે મુંબઈ મેટ્રોપોલિટન રિજનની તમામ શાળાઓ અને કોલેજો મંગળવારે પણ બંધ રહેશે. કેટલીક શાળાઓએ કલાસીસ ઓનલાઈન મોડમાં શિફ્ટ કર્યા છે.

BMCએ શહેરીજનોને સુચના આપી છે કે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી લોકો ઘરની બહાર ન નીકળે. BMCએ કોઈપણ કટોકટીની સ્થિતિમાં 100/112/103 ડાયલ કરવા અપીલ કરી છે.

આજે પણ મુસળધાર?

હવામાન વિભાગે આજે પણ મુંબઈ શહેરમાં ભારે વરસાદની આગાહી આપી છે, વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે મુંબઈ, રાયગઢ, પુણે ઘાટ, સતારા ઘાટ, રત્નાગીરી અને કોલ્હાપુર ઘાટ સહિતના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાલઘર, થાણે, સિંધુદુર્ગ, જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, લાતુર, અમરાવતી, ચંદ્રપુર અને ગઢચિરોલી સહિત અનેક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

સાત લોકોએ જીવ ગુમાવ્યા:

અહેવાલ મુજબ ભારે વરસાદને કારણે છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રમાં સાત લોકોના મોત થયા છે. નાંદેડના મુખેડ તાલુકામાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે, સેના અને NDRF પોલીસની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે ચાર લાખ હેક્ટર જમીનમાં કરવામાં આવેલી વાવણી નિષ્ફળ ગઈ છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે X પર પોસ્ટ કરીને લખ્યું, “અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. કોંકણમાં કેટલીક નદીઓનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે, અને જલગાંવમાં વ્યાપક નુકસાન થયું છે. અલમત્તી બંધ અંગે કર્ણાટક સરકાર સાથે સતત સંકલન કરવમાં આવી રહ્યું છે. જોકે હાલ કોઈ જોખમ નથી, તેમ છતાં અધિકારીઓને સતત સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.”

આ પણ વાંચો…મુંબઈમાં વરસાદનો વિક્રમ: ચાર દિવસમાં ૨૦ ઈંચ વરસાદ, આઠ કલાકમાં સાત ઈંચ વરસાદ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button