
અમદાવાદઃ રાજ્યમાં ફરીથી પવનના દિશા બદલાઈ છે. હાલ રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડી ગાયબ થઈ હોય તેમ લાગે છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે.
કયા શહેરમાં કેટલું નોંધાયું તાપમાન
ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 18.3, ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન, વડોદરામાં 19.8, ભુજમાં 15.4 ડિગ્રી તાપમાન, કંડલામાં 17.2, પોરબંદરમાં 16.4, કેશોદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 17.5, મહુવામાં 18.3, ભાવનગરમાં 18.3, ભાવનગરમાં 19, વડોદરામાં 19.8, સુરતમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. જોકે તેની ગુજરાત પર અસર થવાની શક્યતા નહીંવત છે. આ ચક્રવાતની મુખ્ય અસર દક્ષિણ-પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જો દક્ષિણ-પૂર્વ ભારતમાં તેની અસર થાય, તો તેની આડઅસરરૂપે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર આવી શકે છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હવામાન પલટો આવી શકે છે.
ગુજરાતમાં ફરી થશે માવઠું
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ડિસેમ્બરના બીજા સપ્તાહથી લઈને ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ફરી એકવાર બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે, જેની અસર ગુજરાતના હવામાન પર પડશે. આ સમયગાળામાં રાજ્યમાં માવઠું થવાની અંબાલાલે શક્યતા વ્યક્ત કરી છે.
આપણ વાંચો: ચૂંટણીની તૈયારી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ અપાયા, ડિજિટાઇઝેશનમાં ડાંગે 85.53 ટકા સાથે મોખરે



