ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી; કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે?

અમદાવાદ: ગુજરાત પર મેઘરાજા ફરી મહેરબાન થયા છે. આજ સવારથી જ સૌરાષ્ટ્ર સહીત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આજ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના ૩૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 3.74 ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત કલ્યાણપુરમાં 1.57 ઇંચ, માળિયા હાટીનામાં 1.34 ઇંચ, વાપી અને દ્વારકામાં 0.51 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે અગામી ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, સુરત, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
તે ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, રાજકોટ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બોટાદ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ઉના તાલુકા તથા ગીર ગઢડાની જીવાદોરી ગણાતો મછુન્દ્રી ડેમ સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો હતો. આથી સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા નદીના નીચાણના 16 ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી હતી. તે ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે દેવગામ પાસે આવેલ આંબાકુઈ ડેમ હાલ 100% ભરાય ગયો હતો, આથી માળિયા હાટીના તાલુકાના લાડુડી, બરુલા અને ધણેજ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં મેઘમહેર: સૂત્રાપાડામાં ૧૧ ઇંચથી વધુ વરસાદ, માંગરોળમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ