
અમદાવાદઃ ગુજરાતમાં નવા પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂકથી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાનમંડળ વિસ્તરણની આશા જાગી હતી, પરંતુ નજીકના ભવિષ્યમાં તેવું થવાની શક્યતા જણાતી નથી. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાનું મંત્રી પદ ચાલુ રાખશે. વરિષ્ઠ પક્ષના નેતાઓ અનુસાર, હાલમાં પ્રધાનમંડળમાં ફેરબદલ માટે કોઈ ગતિવિધિ નથી, કારણ કે પક્ષનું હાઈકમાન્ડ હવે બિહારની ચૂંટણીમાં વ્યસ્ત રહેશે. આથી, દિવાળી પહેલા વિસ્તરણની કોઈ શક્યતા નથી.
પ્રધાનમંડળમાં વિસ્તરણ થવા અંગેની સતત થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્ય પ્રધાને રાજ્યના પ્રધાનો સામે સ્પષ્ટતા કરવી પડી હતી. સૂત્રો મુજબ, કેબિનેટની બેઠકમાં મુખ્ય પ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે, હાલ કંઈ થવાનું નથી ચિંતા ના કરશે. તેમણે બેઠકમાં આવતાની સાથે જ કહ્યું હતું કે, હાલ કોઈ ફેરફાર નથી બધા કામે લાગી જાઓ.
આપણ વાંચો: પ્રધાનમંડળ વિસ્તરણમાં અવરોધ કે સસ્પેન્સ યથાવત્: હવે નવું મુહૂર્ત ક્યારે?
સૂત્રો મુજબ જો સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થાય તો સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજને વધુ પ્રાધાન્ય અપાશે. આ ઉપરાંત કચ્છ અને મધ્ય ગુજરાતમાંથી પણ પ્રતિનિધિત્વ અપાઈ શકે છે.
સૂત્રો મુજબ મંત્રાલયમાં કોઈપણ ફેરફાર 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીના માત્ર એક વર્ષ પહેલા થઈ શકે છે. હાલમાં રાજ્ય સરકારમાં મુખ્ય પ્રધાન ઉપરાંત 16 પ્રધાનો છે – જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષાના પ્રધાનો છે. પ્રધાન મંડળની મંજૂર કરાયેલી સંખ્યા 27ની સામે આ સંખ્યા ઓછી છે.