ગુજરાતમાં પણ SIRના કારણે BLOનો આપઘાત, કોડીનારના શિક્ષકે સુસાઈડ નોટમાં શું લખ્યું ?

ગીર સોમનાથ: જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. શિક્ષકે વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર અરવિંદભાઈ વાઢેર 2010થી શિક્ષક તરીકે કાર્યરત હતા. હાલમાં શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. અરવિંદભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઉદ્ભવેલા માનસિક તણાવને લીધે તેમણે આ પગલું ભર્યું હતું.
શું લખ્યું છે સુસાઈડ નોટમાં
શિક્ષકે સુસાઈડ નોટમાં લખ્યું કે, પ્રિય પત્ની સંગીતા. મારાથી કોઇપણ કાળે હવે આ SIR કામ થઇ શકે તેમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું. પણ, હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઇ રસ્તો નથી. મારો આ થેલો અહીં પડ્યો છે. તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દેજે.
આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. SIRની કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા હોવાથી શાળાઓ સુમસામ ભાસી રહી છે અને શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે.
બે દિવસ પહેલા BLOનું હાર્ટ એટેકથી મોત
રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. તેમના પરિવારજનો કામના ભારણથી તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું.



