
ગુજરાતમાં બે અલગ અલગ અકસ્માતમાં 6 લોકોના મોત અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં અમદાવાદના બાવળામાં
કાર પલટી મારતા બે લોકો મોત થયા છે.
જયારે દાહોદના દેવગઢ બારિયાના ભૂત પગલા ગામે ગત મોડી સાંજે કાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બાવળા હાઈવે પર કાર અકસ્માત 2 લોકોના મોત
જેમાં પ્રથમ દુર્ઘટનામાં અમદાવાદના બાવળા હાઈવે પર કાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના ઓગણજથી ચોટીલા દર્શન માટે મિત્રો સાથે ગયા હતા. તેમજ ચોટીલાથી પરત ફરતા બાવળા પાસે કારે પલટી મારી અને બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.
જયારે પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે. જયારે સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા છે. આ દુર્ઘટનાનું કારણ કાર ફૂલ સ્પીડમાં હોવાનું પોલીસ હાલ માની રહી છે.
પીકઅપ વાન પલટી જતા ચાર લોકોના મોત
જયારે બીજી દુર્ઘટના દાહોદના દેવગઢ બારીઆમાં ભૂત પગલા ગામ નજીક ગત મોડી સાંજે સર્જાઈ હતી. જેમાં એક પીકઅપ વાન પલટી જતા ચાર લોકોના મોત થયા હતા. જયારે સાત લોકો ઘાયલ થયા હતા. જેમાં ભૂત પગલા ગામે ઘાસ ભરેલી પીકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ
જયારે ભૂત પગલા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘાસ લેવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જયારે ઘાસ ભરેલી પીકઅપ વાન રોડની બાજુમાં આવેલ પાણી ભરેલા ખાડામાં પલટી ખાધી હતી. પીકઅપ વાનમાં ચાલક સહિત કુલ 11 જેટલા સભ્યો સવાર હતા. બોલેરો પીકપ પલટી ખાતા એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા છે.