અગલે બરસ જલદી આનાઃ ઢોલ-તાશા અને ડીજેના તાલે દેશભરમાં 'બાપ્પા'નું ભવ્ય વિસર્જન | મુંબઈ સમાચાર
Top Newsઆમચી મુંબઈ

અગલે બરસ જલદી આનાઃ ઢોલ-તાશા અને ડીજેના તાલે દેશભરમાં ‘બાપ્પા’નું ભવ્ય વિસર્જન

લાલબાગચા રાજા, વિશ્વ શાંતિ મહાકાય ગણપતિનું દુનિયામાં રહ્યું આકર્ષણ

મુંબઈ/હૈદરાબાદ/સુરતઃ ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો. અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, જ્યાં મોટા ભાગના મંડળોએ બાપ્પાની વિદાય આપી દીધી છે.

મુંબઈમાં 1.80 લાખ મૂર્તિના વિસર્જનની અપેક્ષા

મુંબઈથી લઈ ગુજરાતમાં સુરત, હૈદરાબાદ વગેરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં લાખો ભક્તો અબીલ-ગુલાલના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. મુંબઈમાં લગભગ 1.80 લાખ મૂર્તિના વિસર્જન કરવાની હતી, જેમાં 6,500 મોટા મંડળ અને 1.75 લાખ ઘરગથ્થું મૂર્તિનો સમાવેશ થાય છે.

મુંબઈની શેરીઓમાં આજે ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગૂંજી ઊઠ્યા હતા, જ્યારે બાપ્પાની ઝલક મેળવવા માટે શહેરોમાં ભક્તોની મોટી સંખ્યા જોવા મળી હતી.

મુંબઈમાં લાલબાગચા રાજા સિવાય ચિંચપોકલીના ચિંતામણી, બાલ ગણેશ મંડળના બલ્લાલેશ્વર, ગણેશ ગલીના મુંબઈચા રાજા, કાલાચૌકીના મહાગણપતિ, રંગારી બડક ચૌલના ગણપતિ સહિત અન્ય મંડળના વિઘ્નહર્તાની ભવ્ય વિદાય આપવામાં આવી હતી, જેમાંથી અમુક મંડળના મોડી રાતના ગિરગાંવ ચોપાટી, જૂહુ ચોપાટીના દરિયા કિનારા સહિત અન્ય જગ્યાએ વિસર્જન થશે.

આપણ વાંચો: અનંત ચતુર્દશી ક્યારે છે? જાણો ગણપતિ વિસર્જનનો શુભ સમય અને પૂજાની રીત

મહારાષ્ટ્રમાં લાલ બાગચા રાજાની બોલબાલા રહી

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે મુંબઈમાં 21,000 પોલીસ કર્મચારી તહેનાત રાખવામાં આવ્યા હતા, જ્યારે વિસર્જનના રુટ પર પોલીસ પ્રશાસન દ્વારા નજર રાખવા માટે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુંબઈના જાણીતા લાલબાગચા રાજાનું પણ આ વર્ષે લોકોમાં વિશેષ આકર્ષણ રહ્યું હતું અને ભાવભીની આંખે બાપ્પાને વિદાય આપવા લોકો પહોંચ્યા હતા, જ્યાં લોકોએ પુઢચ્યા વર્ષી લવકર યા કહીને વિદાય આપી હતી.

દરિયાકિનારી સુરક્ષાની સાથે વિદાય માટે 1,175 સ્ટીલ પ્લેટ બેસાડવામાં આવી હતી, જેથી મૂર્તિઓ ફસાય નહીં, જ્યારે 42 ક્રેન તહેનાત કરી હતી. મહારાષ્ટ્રમાં પુણે, નાશિક, નાગપુર, કોંકણ સહિત અન્ય શહેરોમાં પણ વાજતેગાજતે બાપ્પાની વિદાય કરવામાં આવ્યા હતા.

આપણ વાંચો: Viral Video: વિસર્જન દરમિયાન Radhika Merchant-Anant Ambaniએ સરેઆમ કરી એવી હરકત કે…

વિશ્વ શાંતિ મહાકાય ગણપતિનું આકર્ષણ



હૈદરાબાદના ખૈરતાબાદના 69 ફૂટના ગણપતિનું વિશેષ મહત્ત્વ હતું. સમગ્ર વિશ્વમાં વિશ્વ શાંતિ માટે મૂર્તિનું નામ વિશ્વ શાંતિ મહાકાય ગણપતિનું નામ રાખવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં ભવ્ય રીતે આજે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

હૈદરાબાદના ગણપતિ બાપ્પાને જોવા માટે સમગ્ર શહેરવાસીઓ માટે આકર્ષણ ઊભું થયું હતું, જ્યારે લાખોની સંખ્યામાં લોકોએ વિદાય આપી હતી. ઉપરાંત, હૈદરાબાદમાં કીર્તિ રિચમંડ વિલાઝના ગણપતિ ઉત્સવમાં ભગવાન ગણપતિને 10 કિલોનો લાડુ 2.32 કરોડમાં લિલામ થયો હતો, જ્યારે ગયા વર્ષે 1.87 કરોડમાં લિલામ થયો હતો.

આપણ વાંચો: વિસર્જન કરીને બાપ્પાને રેઢા મૂક્યા ભક્તોએ, ફેમસ એક્ટરે ભર્યું એવું પગલું કે…

ગુજરાતમાં વિસર્જનનો નજારો મનમોહક રહ્યો



ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી સહિત અન્ય શહેરોમાં ધામધૂમથી બાપ્પાની વિદાય કરવામાં આવી હતી. સુરતમાં લગભગ 100 ટન વજન ધરાવતી 13 મોટી ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યાં લગભગ 400 મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે, જ્યારે આ વર્ષે 3,500થી 4,000 મૂર્તિનું વિસર્જન કરવાની અપેક્ષા છે.

સુરતમાં ગણેશ વિસર્જનનો નજારો મનમોહક રહ્યો હતો, જ્યાં નાના-મોટા મળીને અનેક મંડપ અને ઘરગથ્થું ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, નવસારીમાં વિરાવળ પૂર્ણા નદીમાં 2,600થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદારમાં વાજતેગાજતે અનેક વિસ્તારોમાંથી વિસર્જનની યાત્રાઓ નીકળી હતી, જ્યારે અમદાવાદમાં વરસતા વરસાદે લાખો ભક્તોએ બાપ્પાની વિદાય આપી હતી.

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે પણ કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર બ્રિગેડ સહિત એનડીઆરએફની ટીમને તહેનાત રાખવામાં આવી હતી.

આગામી વર્ષે ફરી ખુશીઓ અને સમૃદ્ધિઓ લઈને પાછા ફરજો

ભક્તોને વિશ્વાસ છે કે ભગવાન ગણેશજીએ પોતાની સાથે તમામ દુખો અને પરેશાનીઓને લઈ જાય છે, જ્યારે આગામી વર્ષે ફરી ખુશીઓ અને સમૃદ્ધિ લઈને પાછા ફરશે. બાપ્પાની વિદાય સાથે ભક્તોને એક અતૂટ વિશ્વાસ હોય છે કે ગમે તે સંજોગોમાં તેમની સાથે રહેશે. ગણેશોત્સવ હવે મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર દેશના ગણેશભક્તો માટે એકતા, પ્રેમ અને વિશ્વાસને પણ મજબૂત કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button