
ગાંધીનગરઃ ગાંધીનગરમાં ઇન્દોરવાળી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગાંધીનગરની વાત કરવામાં આવે તો અત્યારે ટાઈફોઈડના એક બે નહીં, પરંતુ સેંકડો કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં બાળકો પણ સામેલ છે. આ દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે જઈને જાતે સમીક્ષા કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના દર્દીઓની સંખ્યાં સતત વધી રહી છે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ પણ સમગ્ર પરિસ્થિતિ અંગે ત્રણ વખત સમીક્ષા કરી છે.
આપણ વાચો: ગુજરાતના ગાંધીનગરના ટાઈફોઈડના કેસ વધતા સરકાર એક્શનમાં, 22 ડોકટરોની ટીમ તૈનાત…
પીડિયાટ્રિક વોર્ડમાં 113 થી વધુ દર્દી દાખલ
સિવિલ હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે સિવિલના પીડિયાટ્રિક વોર્ડમાં 104 દર્દીઓ દાખલ થયાં હતા, ત્યાર બાદ આંકડો વધ્યો અને 113 દર્દીઓ થયાં હતાં.. આ સ્થિતિને જોતા ઇન્દોરવાળી થાય નહીં તો સારી વાત છે! કારણ કે, ઈન્દોરમાં પણ પાણીની કારણે જ લોકોના મોત થયાં છે.
હજી પણ અનેક દર્દીઓ સારવાર હેઠળ છે. ગાંધીનગર સિવિલમાં પણ ટાઈફોડના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, ડૉક્ટરો દ્વારા આ દર્દીઓની સારવાર પણ કરવામાં આવી રહી છે. આ દર્દીની સાર-સંભાળ રાખવા માટે હર્ષ સંઘવી દ્વારા અધિકારીઓને આદેશ પણ આપી દેવામાં આવ્યાં છે.
આપણ વાચો: અમદાવાદમાં ડેન્ગ્યૂના ૩૯૩, ટાઈફોઈડના ૨૮૫ કેસ નોંધાયા
રાજ્યનું આરોગ્ય વિભાગ પરિસ્થિતિ સતર્ક
આ અગાઉ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના નિવાસસ્થાને બેઠક બોલાવી હતી, જ્યાં સંબંધિત અધિકારીઓને જરુરી સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, અત્યારે તો હજી 104 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
તેમ છતાં તંત્ર અને ડૉક્ટરો દ્વારા સતત સંભાળ રાખવામાં આવી રહી છે. દર્દીઓને યોગ્ય સારવાર અને તેમના પરિવાર માટે પણ જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખીને જાહેર આરોગ્ય સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
લીકેજના તાત્કાલિક સમારકામ અને સઘન ચકાસણીના આદેશ આપ્યા
અમિત શાહે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટાઇફોઇડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે માટેના આદેશ આપ્યા છે તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલખાતે પીડિત દર્દીઓ અને સગાઓ માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા અંગે સૂચના આપી છે.
અમિત શાહે લીકેજના તાત્કાલિક સમારકામ અને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના આદેશ આપ્યા છે.
આપણ વાચો: ઈન્દોર બાદ ગાંધીનગર? દૂષિત પાણીને લીધે સિવિલ હૉસ્પિટલમાં બીમાર દરદીઓની લાંબી લાઈન…
આરોગ્ય વિભાગની 75 હેલ્થ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો
ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસો અંગે સઘન આરોગ્ય વ્યવસ્થા અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારોમાંથી આ શંકાસ્પદ કેસો મળી આવ્યા છે તે સેક્ટર 24, 26 અને 28 તથા આદીવાડામાં 75 હેલ્થ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.
આ શંકાસ્પદ ટાઈફોડના 113 કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને સારવાર ગ્રસ્ત દર્દીઓમાંથી 19 ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. અન્ય 94 દર્દીઓને ગાંધીનગર સિવિલ તેમજ સેક્ટર 24 અને 29 ના UHCમાં સારવાર અપાઈ રહી છે અને આ દર્દીઓની હાલત સ્થિર છે. અસર ગ્રસ્ત વિસ્તારોમાં 24×7 ઓપીડી શરૂ કરવામાં આવી છે . જે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાય છે તેમના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો મેદાને ઉતરી
ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 20,800 થી વધુ ઘરોમાં સર્વે કરીને 90 હજારથી વધુ વસ્તીને આવરી લીધી છે. રોગ અટકાયતના પગલાં તરીકે 30000 ક્લોરિન ટેબલેટ અને 20,600 ORS પેકેટ વિતરણ કરાયા છે.
સરવેક્ષણ ટીમો ઘરે-ઘરે સંપર્ક કરીને જાગૃતિ પત્રિકાઓ વિતરણ કરવા સાથે લોકોને પાણી ઉકાળીને જ પીવાની, બહારના ખોરાક ન ખાવાની તેમ જ હાથ સ્વચ્છ રાખવા સહિતની માહિતી પૂરી પાડે છે. રોગચાળાના નિયંત્રણ માટે પાણીના સુપર ક્લોરીનેશનની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા પણ તપાસવામાં આવે છે.
આ સાથે શહેરમાં પાણીપુરી, રગડા પેટીસ, બરફ ગોળા, શિકંજી સોડા તથા દૂધની બનાવટના પીણાઓના વેચાણની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે
4 સેક્ટરનું પાણીનું પીવા માટે સુરક્ષિત નથી?
આ મામલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. મીતા પારિખે જણાવ્યું કે, ગાંધીનગરના સેક્ટર 24, 25, 26 અને 28 સાથે સાથે આદિવાડા વિસ્તારના બાળકો સહિત અનેક લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. .
જોકે, અત્યારે આ દર્દીઓની સ્થિતિ સારી હોવાનું પણ જણાવ્યું હતું. જે વિસ્તારમાંથી આ કેસ નોંધાયા છે, તે વિસ્તારના પાણીની નમૂનાઓ લેવામાં આવ્યાં છે. પાણીના રિપોર્ટ્સ પ્રમાણે આ વિસ્તારનું પાણી પીવા માટે સુરક્ષિત ના હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉપરાંત, આજે પણ નવા દર્દીઓની ભરતી કરવામાં આવી છે. 24 કલાકમાં નવ નવા કેસ નોંધાયા છે.



