
ગાંધીનગરઃ ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસો વધી રહ્યાં છે. આ બાબતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યાં છે. પરંતુ મૂળ વાત એ છે કે, હજી પણ ટાઇફોઇડના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ગાંધીનગર આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આરોગ્ય વિભાગની 85 ટીમો દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં 8,800 થી વધુ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે દરમિયાન એક નવો આંકડો પ્રકાશમાં આવ્યો છે.
શહેરમાં ટાઇફોઇડના કેસમાં નિરંતર વધારો
ટાઇફોઇડના કેસોમાં આજે વધુ 9 નવા કેસ નોંધાયા છે. નવ નવા કેસ નોંધાતા હતા હવે ગાંધીનગર મહાનગરપાલિકાના ચોપડે ટાઇફોઇડના કુલ દર્દીઓની સંખ્યા 153 થઈ ગઈ છે. અત્યારે પણ 84 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચારી રહી છે. આ સાથે 69 દર્દીઓની હાલતમાં સુધારો આવતા તેમને રજા આપી દેવામાં આવી છે. જો કે, હજી કેસ નોંધાઈ રહ્યાં હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતના ગાંધીનગરના ટાઈફોઈડના કેસ વધતા સરકાર એક્શનમાં, 22 ડોકટરોની ટીમ તૈનાત…
પાણીપુરી અને ઠંડા પીણાની સેંકડો લારી બંધ
ગાંધીનગરમાં દૂષિત પાણી મામલે કાર્યવાહી કરતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. મહાનગરપાલિકાની ફુડ સેફટી શાખા દ્વારા પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારીઓ બંધ કરાવી દેવામાં આવી હતી. આ સાથે આગામી દિવસમાં આ ઝુંબેશ ચાલુ રહેશે તેવા આદેશ આપવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, પરંતુ જ્યાં પાણીમાં લીકેજ છે ત્યા સમારકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘણી તબીબી ટીમો લોકોની તપાસ કરી રહી છે.
અમદાવાદ મપનાએ પણ કાર્યવાહી હાથ ધરી
ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડના કેસો વધી રહ્યાં છે તેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ મનપાએ શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ ઝોનમાં પાણીપુરીના સ્ટોલ અને ઉત્પાદન એકમો પર તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળતા બદલ 90 ને નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સ્વચ્છતા ના હોવાના કારણે 544 કિલો ખોરાક અને 428 લિટર પ્રવાહીનો નાશ પણ કરવામાં આવ્યો હતો. તેની સાથે 21,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.



