
નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લાના મેટ્રો ગેટ નંબર એક નજીક આતંકવાદી હુમલા મુદ્દે વધુ એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે. બ્લાસ્ટના ષડયંત્ર માટે 20 લાખ રુપિયા ધરપકડ કરવામાં આવેલી લેડી ડોક્ટર શાહીન મારફત મોડ્યુલને આપવામાં આવ્યા હતા. સરકારે દિલ્હી આતંકી હુમલાને આત્મઘાતી જાહેર કર્યો છે.
દિલ્હીમાં i20 કારથી આતંકવાદી ઉમર મોહમ્મદે વિસ્ફોટ કર્યો હતો, જ્યારે તેના માટે શાહીન તમામ પ્રકારની મદદ પૂરી પાડી રહી હોવાનું તપાસ એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું.
જૈશ-એ-મહોમ્મદનો આતંકવાદી ઉમર મહોમ્મદ એક (શૂ બોમ્બર) હાઈ શકે છે. પોલીસ બ્લાસ્ટ સ્પોટ પરથી મોહમ્મદની i20 કારમાં ડ્રાઈવિંગ સીટ નીચેથી રાઈટ ફ્રન્ટ ટાયરમાંથી એક બૂટ જપ્ત કર્યો છે. બૂટમાં એક મેટલનો પદાર્થ મળ્યો છે, જેનાથી બ્લાસ્ટ કર્યો હોવાનું લાગે છે.
ટીએટીપી (Triacetone triperoxide (TATP-પેરોક્સાઇડ વિસ્ફોટક)ના ટ્રેસેસ બ્લાસ્ટ સ્પોટ પરથી ટાયર અને શૂઝ પણ જપ્ત કર્યા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ મોટી સંખ્યામાં ટીએટીપી એકત્ર કર્યું હતું તથા મોટો વિસ્ફોટ કરવાની યોજના હતી. એમોનિયમ નાઈટ્રેટની સાથે ટીએટીપી એક્સપ્લોસિવનો ઉપયોગ કર્યો હતો, જ્યારે લાલ કિલ્લા બ્લાસ્ટમાં તેની પુષ્ટિ પણ થઈ છે.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ: આતંકી ઉમરના સહયોગીઓની ઓળખ સાથે કાર પણ મળી, વિસ્તાર ખાલી કરાયો
2001માં શૂ બોમ્બર પેટર્નથી કર્યો હતો બોમ્બ
ડિસેમ્બર 2001માં પેરિસથી મિયામી જઈ રહેલી અમેરિકન એરલાઈન્સ ફ્લાઈટમાં રિચર્ડ ફીડ નામના એક શૂ બોમ્બરે પોતાના જૂતામાં ખતરનાક વિસ્ફોટક લગાવ્યો હતો, પરંતુ એ હુમલાની યોજનાને નિષ્ફળ બનાવી હતી. આ જ પેટર્નના આધારે ઉમર મોહમ્મદે પણ શૂ બોમ્બરની પેટર્ન અજમાવી હોવા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
યુનિ.ના ચાન્સેલરના નાના ભાઈનું કનેક્શન શંકાસ્પદ
દિલ્હી બ્લાસ્ટમાં એક કરતા અનેક રાજ્યની પોલીસ પણ તપાસ કરી રહી છે ત્યારે મધ્ય પ્રદેશ પોલીસે અલ ફલાહ યુનિવર્સિટીના ચાન્સેલર જવાદ અહમદ સિદ્દિકીના નાના ભાઈ હમૂદ અહમદ સિદ્દિકીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. હમુદની સામે લગભગ 25 વર્ષ જૂના છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ અંગે પણ ઈનામ પણ જાહેર કર્યું હતું.
અધિકારીઓએ કહ્યું છે તે છેલ્લા અનેક વર્ષોથી ફરાર હતો અને ખાસ ઓપરેશન અન્વયે પકડવામાં આવ્યો છે, જેની લાંબા સમયથી શોધ હતી. પોલીસના જણાવ્યાનુસાર હમુદે મહૂમાં 1995ની આસપાસ અને ઈન્વેસ્ટમેન્ટ કંપની બનાવી હતી અને લોકોને 20 ટકા વ્યાજ આપવાનું પણ વચન આપીને પૈસા જમા કરાવ્યા હતા.
આપણ વાચો: લાલ કિલ્લા બ્લાસ્ટ મોડ્યુલ: તપાસમાં ખુલ્યા ડો.શાહીન સઈદના પાસપોર્ટના રહસ્યો
બનાવટી બેંક બનાવીને લોકોને છેતર્યા હતા
કંપની બે વર્ષ ચાલી હતી અને ત્રીજા વર્ષે પરિવાર સહિત ફરાર થઈ ગયો હતો. આ ત્રણ કેસમાં આઈપીસીની કલમ 420 અને અન્ય એક્ટ લાગુ કરી હતી. એના સિવાય 1988 અને 1989માં તેની સામે કોમી રમખાણ અને હત્યાનો કેસ નોંધાવવા મુદ્દે બે કેસ નોંધ્યા હતા. મહૂના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સેંકડો લોકોને બનાવટી બેંક બનાવીને પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી અને પછી 2000માં રાતોરાતો ગાયબ પણ થઈ ગયો હતો.
ધરપકડ વખતે હમૂદ હૈદરાબાદમાં સ્ટોક માર્કેટમાં રોકાણ સંબંધી ખાનગી કંપની ચલાવી રહ્યો હતો. પોલીસ હાલના તબક્કે એવી પણ તપાસ કરી રહી છે કે ફરાર થયા પછી તેનું કનેક્શન કોની સાથે હતું અને કોણે મદદ કરી હતી. હવે તેના તમામ રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યા છે. અલ ફલાહ યુનિવર્સિટીનું કનેક્શન દિલ્હી બ્લાસ્ટમાં ખૂલ્યું છે.
દસમી નવેમ્બરના બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા હતા, જ્યારે મુખ્ય આરોપી ડોક્ટર ઉમર ઉન નબી યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો. યુનિવર્સિટીને પણ જવાદ સિદ્દિકીને બે વખત નોટિસ મોકલી હતી, પણ તેનો શંકાસ્પદ ગતિવિધિ અંગે ઈન્કાર કર્યો હતો.



