
અમદાવાદ/નવી દિલ્હીઃ લા નીનોના કારણે ગુજરાતમાં હજુ સુધી કડકડતી ઠંડી પડી નથી.ઉત્તરના પવનો રોકાવાથી પણ ઠંડીની અસર ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાન ઉંચુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. ત્યાર બાદ સમગ્ર પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
ગુજરાતમાં ક્યાં નોંધાયું સૌથી ઓછું તાપમાન
દાહોદ અને ડાંગ રાજ્યમાં સૌથી ઠંડા સ્થળો હતા, જ્યાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 11.5°C અને 11.7°C હતું. ભુજમાં લઘુત્તમ 14°C નોંધાયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.6°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.6°C વધારે છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.5°C હતું, જે સામાન્ય કરતાં 4°C વધારે છે. ડીસામાં 16°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5.2°C વધારે છે. બરોડામાં લઘુત્તમ તાપમાન 14.2°C હતું, જે સામાન્ય કરતાં 0.8°C વધારે છે. મધ્ય અને ઉત્તરીય જિલ્લાઓના અન્ય ભાગોમાં પણ રાત્રિઓ સામાન્ય કરતાં વધુ ગરમ રહી હતી.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, હાલ ભલે ઠંડી નથી, પંરતુ આગામી સમયમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે. જોકે, ગુજરાતમાં માવઠાની અસર વર્તાશે નહિ. 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ગુજરાતના ભાગો સુધી અસર થવાની શક્યતા છે. ગુજરાતનું હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી માસ ઠંડો રહેશે. 11 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ મુજબ, આગામી પાંચ દિવસ સુધી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હવામાન સૂકું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે. પહાડી વિસ્તારોમાં થનારી હિમવર્ષા અને ત્યાંથી આવતા બર્ફિલા પવનોના કારણે મહારાષ્ટ્રમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી કડકડતી ઠંડી જળવાઈ રહેશે તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બર સુધી ઉત્તર ભારતમાં શીત લહેરની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ માટે સવારે અને સાંજે ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરવામાં આવી છે. IMD મુજબ, હિમાચલ પ્રદેશના ભાખરા ડેમની આસપાસના વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી અતિ ગાઢ ધુમ્મસની શક્યતા છે, જેના માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉના, હમીરપુર અને ફતેહપુર માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત કાંગડા, મંડી, સોલન અને સિરમૌર જિલ્લાઓમાં પણ ધુમ્મસની અસર જોવા મળશે.
આપણ વાંચો: નાતાલનું સેલિબ્રેશન કરવાના છો તો જાણી લો ક્રિસમસ ટ્રીનું મહત્વ શું છે?



