
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવા અનેક મહત્વના પગલાં જાહેર કર્યા છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા CCUS માટે ₹ 20,000 કરોડ ફાળવાયા છે, જ્યારે ટિયર-2, ટિયર-3 અને સોમનાથ-દ્વારકા જેવા ધાર્મિક શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹ 5,000 કરોડની જોગવાઈ કરી છે. ઉપરાંત, SEZ એકમોને સ્થાનિક બજારમાં વેચાણ માટે મોટી રાહત આપવામાં આવી છે.
બજેટમાં સરકારે કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ(સીસીયુએસ) ટેક્નોલોજીને ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે તેમ જ નોન-ફોસિલ ફ્યૂલ આધારિત ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પરમાણુ ઊર્જા અને બેટરી એનર્જી સ્ટોરેજમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિનો પ્રસ્તાવ મૂક્યો છે.
કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ(સીસીયુએસ) ટેક્નોલોજીનો ઉદ્દેશ્ય કાર્બન ઉત્સર્જનનો કાં તો સંગ્રહ કરીને અથવા ફરીથી ઉપયોગમાં લઇને ઘટાડવાનો છે. જેથી કેપ્ચર કરવામાં આવેલ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ન ભળે.
આપણ વાચો: બજેટમાં મહારાષ્ટ્રની અવગણના અને નોકરીઓનો અભાવઃ આદિત્ય ઠાકરેનો કેન્દ્ર સરકાર પર પ્રહાર
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું કે ડિસેમ્બર ૨૦૨૫માં શરૂ કરવામાં આવેલા રોડમેપ અનુસાર સીસીયુએસ ટેક્નોલોજી પાંચ ઔદ્યોગિક ક્ષેત્રોમાં એન્ડ-યુઝ એપ્લીકેશનમાં ઉચ્ચ તૈયારી સ્તર પ્રાપ્ત કરશે. જેમાં પાવર, સ્ટીલ, સિમેન્ટ, રિફાઇનરીઓ અને રસાયણોનો સમાવેશ થાય છે. આગામી પાંચ વર્ષ માટે પ્રસ્તાવિત ખર્ચ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા છે. જે ભારતના ૫૦૦ જીડબ્લ્યુ રિન્યુએબલ એનર્જીના મહત્વાકાંક્ષી લક્ષ્યને ધ્યાને લેતા ખૂબ મહત્વપૂર્ણ છે.
શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરાશે મજબૂત, મંદિરો ધરાવનારા શહેરો પર ધ્યાન કરાશે કેન્દ્રિત
બજેટ 2026-27 રજૂ કરતા સમયે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ટિયર-2 અને ટિયર-3 શહેરોના વિકાસને સરકારની મુખ્ય પ્રાથમિકતામાં સામેલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સંતુલિત અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મહાનગરોની સાથે નાના અને ઉભરતા શહેરો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
મંદિરો અને ધાર્મિક મહત્વ ધરાવતા શહેરોમાં માળખાકીય સુવિધાઓના વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, જેનાથી પર્યટન, સ્થાનિક રોજગાર અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે. સરકારે આ શહેરોના વિકાસ માટે 5,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આપણ વાચો: બજેટમાં કરદાતાને રાહત હવે ટેક્સ ચોરી કેસના નહિ જવું પડે જેલ, દંડ ભરીને મામલો ઉકેલી શકાશે
5000 કરોડ રૂપિયાના ફાળવણીનો પ્રસ્તાવ
બજેટનો ઉદ્દેશ્ય શહેરોની ક્ષમતાઓને વધારવાનો છે જેથી તેની સાથે સિટી ઈકોનોમિક રિઝન (સીઈઆર)ની મેપિંગ કરીને આર્થિક શક્તિ પ્રદાન કરી શકાય. એક રિફોર્મ-કમ-રિઝલ્ટ આધારિક ફાઈનાન્સિંગ મિકેનિઝમ સાથે ચેલેન્જ મોડલના માધ્યમથી તેની યોજનાઓ લાગુ કરવા માટે પાંચ વર્ષ માટે પ્રતિ સીઈઆર 5000 કરોડ રૂપિયાના ફાળવણીનો પ્રસ્તાવ રજૂ કરું છું.
શહેરો ભારતના વિકાસ, ઈનોવેશન અને તકોના એન્જિન
નાણામંત્રીએ તેમના ભાષણમાં કૃષિ, નાણાં, આરોગ્ય, રોજગાર, ઉદ્યોગ અને પર્યટન સહિત વિવિધ ક્ષેત્રો પર અનેક જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે શહેરો ભારતના વિકાસ, ઈનોવેશન અને તકોના એન્જિન છે. હવે આપણે ટિયર-2 અને ટિયર-3 શહેરો અને મંદિર શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જેમને આધુનિક માળખાગત અને મૂળભૂત સુવિધાઓની જરૂર છે. ભારતના મુખ્ય મંદિર શહેરોમાં ઉત્તર પ્રદેશમાં વારાણસી, અયોધ્યા, મથુરા, ગુજરાતમાં સોમનાથ અને દ્વારકા, બિહારમાં ગયા અને બોધગયા અને તમિલનાડુમાં મદુરાઈ અને રામેશ્વરમનો સમાવેશ થાય છે.
SEZ એકમો માટે મોટી જાહેરાત; હવે સ્થાનિક બજારમાં રાહત દરે માલ વેચી શકાશે
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(સેઝ)માં અનુકૂળ ઉત્પાદન એકમોને ડોમેસ્ટિક ટેરિફ એરિયામાં રાહત દરે વેચાણની સુવિધાને સરળ બનાવવા માટે એક ખાસ વન-ટાઇમ પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે.
આપણ વાચો: પીએમઓ, રાજ્યપાલ અને વીવીઆઇપીઓ પર થાય છે આટલા કરોડનો ખર્ચ, બજેટમાં ફાળવણી કરાઇ
આ માંગ અમેરિકામાં ઊંચા ટેરિફને કારણે સેઝ એકમોમાં ક્ષમતા ઉપયોગ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરી રહેલા ઉદ્યોગોની હતી. તેણીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું કે વૈશ્વિક વેપારમાં વિક્ષેપોને કારણે સેઝમાં ઉત્પાદન એકમો દ્વારા ક્ષમતાના ઉપયોગ અંગે ઉઠી રહેલી ચિંતાઓને દૂર કરવા માટે હું એક ખાસ વન-ટાઇમ ઉપાય તરીકે સેઝમાં અનુકૂળ ઉત્પાદન એકમો દ્વારા ડીટીએમાં રાહત દરે વેચાણને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું. આવા વેચાણની માત્રા તેમની નિકાસના ચોક્કસ પ્રમાણ સુધી મર્યાદિત રહેશે.
તેમણે કહ્યું કે આ પગલાંના અમલીકરણ માટે જરૂરી નિયમનકારી ફેરફારો કરવામાં આવશે. સાથોસાથ ડીટીએમાં કાર્યરત એકમો માટે સમાન તકો સુનિશ્ચિત કરવામાં આવશે. અગાઉ ઉદ્યોગે કેન્દ્રને સરકારને વિનંતી કરી હતી કે સેઝમાં બનતા ઉત્પાદનોને સ્થાનિક બજારમાં વેચવાની મંજૂરી આપવામાં આવે. જેના માટે ઇનપુટ પર માફ કરાયેલી ડ્યુટી ચૂકવવામાં આવશે. કારણ કે આથી વેલ્યુ એડિશનને પ્રોત્સાહન મળશે.
હાલ સેઝમાં એકમોને તેમના ઉત્પાદનોને ડોમેસ્ટિક ટેરિફ એરિયા(ડીટીએ અથવા સ્થાનિક બજાર)માં આઉટપુટના આધારે(તૈયાર માલ પર) ડ્યુટી ચૂકવીને વેચવાની મંજૂરી છે. આ ઝોનને વેપાર અને ડ્યુટી માટે વિદેશી ક્ષેત્ર ગણવામાં આવે છે. જેમાં ડ્યુટી ફ્રી સ્થાનિક વેચાણ પર પ્રતિબંધ છે. ભારતની નિકાસમાં સેઝ નોંધપાત્ર ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યા છે. આ ઝોનમાંથી વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ નિકાસ ૧૭૬.૬ બિલિયન અમેરિકન ડોલર રહી હતી.


