દિલ્હીમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત્, આજે ફરી બે સ્કૂલને મળ્યા ધમકી ભર્યા મેઈલ | મુંબઈ સમાચાર
Top News

દિલ્હીમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત્, આજે ફરી બે સ્કૂલને મળ્યા ધમકી ભર્યા મેઈલ

નવી દિલ્હી: દિલ્હીમાં શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બની ધમકીઓનું સિલસિલો યથાવત્ છે. જેનાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને વહીવટી તંત્રમાં ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. આજે ફરીથી બે સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. જેમાં નજફગઢ અને માલવીય નગરની સ્કૂલોનો સમાવેશ થાય છે. આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી વધી રહી છે, જેના કારણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આવી ધમકીઓનો હેતુ દહેશત ફેલાવવાનો હોઈ શકે છે, અને તેની તપાસમાં વીપીએન તથા વિદેશી આઈપીનો ઉપયોગ જોવા મળ્યો છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે આજે દિલ્હીની નજફગઢ અને માલવીય નગર વિસ્તારની બે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. સ્થાનિક પોલીસને સૂચના મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી, પરંતુ અત્યાર સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી. ગઈ કાલે પણ 32 સ્કૂલોને આવી જ ધમકીઓ મળી હતી, જેમાં પ્રથમ વખત પૈસાની માંગ કરવામાં આવી હતી. આ ધમકીઓમાં 500 અમેરિકન ડોલર એટલે કે 4 લાખથી વધુ રૂપિયાની માગ કરાઈ હતી, અને પૈસા ન આપવા પર સ્કૂલોને ઉડાવી દેવાની ચેતવણી અપાઈ હતી.

ગઈ કાલની ઘટનામાં દિલ્હીના 32 સ્કૂલોને ધમકીભર્યા મેઈલ મળ્યા હતા, જેમાં દક્ષિણ જિલ્લાના 7, દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના 13, દ્વારકાના 11 અને મધ્ય જિલ્લાના 1 સ્કૂલનો સમાવેશ થતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમામ મેઈલ જીમેઈલ આઈડીથી મોકલાયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે મેઈલ મોકલવા માટે વીપીએનનો ઉપયોગ કરાયો હતો, જેથી આઈપી એડ્રેસ વિદેશી દેખાય છે. સ્પેશલ સેલના ડેપ્યુટી કમિશનર અમિત કૌશિકે કહ્યું કે વીપીએન પ્રોવાઈડર્સ વિગતો આપતા નથી, અને ગૂગલે પણ વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે, માત્ર વિદેશી આઈપીની પુષ્ટિ કરી છે.

પોલીસના વરિષ્ઠ અધિકારીઓના મતે, આ ધમકીઓ પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોઈ શકે છે, જેનો ઉદ્દેશ્ય દહેશત ફેલાવીને સ્કૂલો, વહીવટ અને સુરક્ષા એજન્સીઓને વ્યસ્ત રાખવાનો અને તેમના સંસાધનોને ખતમ કરવાનો છે. આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી વધી છે, જેમાં જુલાઈમાં 50થી વધુ સ્કૂલો અને જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી 100થી વધુને ધમકીઓ મળી છે. વધુમાં, મે 2024થી અત્યાર સુધી 300થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને આવા મેઈલ મળ્યા છે.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે આ ધમકીઓ પર ચિંતા વ્યક્ત કરી અને તેની ઊંડી તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ વહીવટમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ છે, જે તેમની માનસિક સ્થિતિને અસર કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button