Top Newsઅમદાવાદ

નવા વર્ષે દારૂ પાર્ટી કરતા પહેલા થઈ જાવ સાવધાન, આ રીતે પોલીસ રાખી રહી છે નજર

અમદાવાદઃ 31 ડિસેમ્બર નજીક આવવાની સાથે જ રાજ્યમાં પાર્ટી પ્રેમીઓની સંખ્યા વધી જાય છે. બુટલેગરો પણ ખાસ મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. ક્રિસમસ દરમિયાન દારૂની રેલમછેલ થતી અટકાવવા પોલીસે ઓપરેશન પાર્ટી હન્ટ શરૂ કર્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે માત્ર એક સપ્તાહમાં 3.50 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો હતો. જેમાં બગોદરા હાઇવે પરથી રૂ. 2.02 કરોડથી વધુની કિંમતની 15,552 દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. અધિકારીઓએ ‘બોર્નવિટા’ના બોક્સ નીચે છુપાવેલો 7,108 બોટલોનો અન્ય એક જથ્થો પણ શોધી કાઢ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા વર્ષ પહેલાં દારૂનો પ્રવાહ હંમેશા વધે છે. તે માત્ર મોટી પાર્ટીઓ માટે જ નહીં, પરંતુ ફાર્મહાઉસ અને ખાનગી બંગલાઓમાં મિત્રોના મેળાવડા માટે પણ હોય છે. બુટલેગરો આ દરમિયાન માટે દારૂનો સંગ્રહ કરવા માટે મોટું રોકાણ કરે છે. અમે માત્ર બાતમીદારો પર આધાર રાખી શકતા નથી. તેથી અમે નક્કી કર્યું કે, જે જથ્થો અમારી ચેકપોસ્ટમાંથી નીકળી જશે, તે સીધો પાર્ટીના સ્થળેથી જ પકડાશે.

કોણ કરે છે ઓપરેશન પાર્ટી હન્ટના ભાગ રૂપે કામ

અમદાવાદ ગ્રામ્ય પોલીસે યુવાન પોલીસકર્મીઓ, મહિલા પોલીસકર્મીઓ અને પસંદગીના સ્વયંસેવકોની ટીમો બનાવી છે, જેઓ એવા અનેક ક્લોઝ્ડ સોશિયલ મીડિયા ગ્રુપ્સના પહેલેથી જ સભ્યો છે જ્યાં પાર્ટીના આમંત્રણો ફરે છે. આ અન્ડરકવર સ્વયંસેવકો નવી પહેલ “ઓપરેશન પાર્ટી હન્ટ” ના ભાગ રૂપે કામ કરે છે. તેઓ પોલીસને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને ક્લોઝ્ડ વૉટ્સએપ ગ્રુપ્સ જેવા પ્લેટફોર્મ પર ઈન્વાઈટ ઓન્લી દારૂની પાર્ટીઓને ટ્રેક કરવામાં મદદ કરે છે.

પાર્ટી આયોજન પર પોલીસની ચાંપતી નજર

આ સ્વયંસેવકો ફાર્મહાઉસ, ક્લબ અને ખાનગી બંગલાઓના સ્થળોની માહિતી આપે છે. તેઓ અધિકારીઓ માટે એન્ટ્રી પાસ પણ ખરીદે છે.જોકે હવે પાર્ટી આયોજકો વધુ હોશિયાર અને બુટલેગરો વધુ ચાલાક બની રહ્યા છે, પરંતુ પોલીસે એક વાત સ્પષ્ટ કરી કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, પોલીસ પાર્ટીના આયોજનો પર ખાસ નજર રાખશે.

સૂત્રોએ જણાવ્યું રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણામાંથી આવતાં દારૂના પ્રવાહને રોકવા માટે તાજેતરમાં એક વિશેષ રાજ્ય-સ્તરીય વર્ચ્યુઅલ સંકલન બેઠક યોજવામાં આવી હતી. રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ, જે હવે ગુજરાતના ગેરકાયદેસર દારૂના વેપારમાં કથિત રીતે સક્રિય છે, તેના પર પણ નજર રાખવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો:  ગુજરાતનું ઓટો માર્કેટ ટોપ ગિયરમાં: રાષ્ટ્રીય વૃદ્ધિ કરતાં બમણું વેચાણ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button