અમેરિકા પછી હવે આ દેશે ભારતના માલ પર ઠોકી દીધો 50 ટકા ટેરિફ, 6 અબજ ડોલરની નિકાસને પડશે ફટકો

નવી દિલ્હી: અમેરિકા પછી વઘુ એક દેશે ભારત પર ટેરિફ લગાવ્યો છે. ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવતાં 6 અબજ ડોલરની નિકાસને ફટકો પડશે. મેક્સિકોએ ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આયાત થતા માલ પર 50 ટકા સુધીના ટેરિફ લાદવાનો પ્રસ્તાવ સેનેટમાં મંજૂર કર્યો છે. અહેવાલો અનુસાર, મેક્સિકો દ્વારા વધારવામાં આવેલા આ ટેરિફ આગામી વર્ષ 2026થી અમલમાં આવશે.
જે દેશો મેક્સિકો સાથે ટ્રેડ નથી કરતાં તેમને આનાથી મોટો ફટકો પડશે. મેક્સિકોના આ નિર્ણયથી ચીન, ભારત, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયાને સૌથી વધુ અસર થશે. આ તમામ દેશોથી આવતા ઓટો પાર્ટ્સ, ટેક્સટાઈલ, સ્ટીલ સહિત અન્ય સામાનો પર આગામી વર્ષથી 50 ટકા ટેરિફ વસૂલાશે. સેનેટમાં પાસ કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, આ ઉપરાંત અનેક સામાન પર ટેરિફ વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે. ટેરિફ વધારવાના પક્ષમાં 76 વોટ અને વિરોધમાં 5 વોટ પડ્યા હતા.
અમેરિકાની જેમ મેક્સિકો પણ સ્થાનિકો ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માંગે છે, જેથા કારણે ટેરિફ વધારવાનું પગલું લેવામાં આવ્યું હતું. જોકે ટેરિફના વધારાની કેટલી અસર થશે તે આગામી સમય જ બતાવશે. કેટલાક લોકો દ્વારા ટેરિફ વધારાનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, મેક્સિકોના ટેરિફ વધારાના આ પગલાને લઈને વિશ્લેષકોએ એવી દલીલ કરી છે કે આ નિર્ણય ખરેખર સંયુક્ત રાજ્ય અમેરિકાને ખુશ કરવા અને આગામી વર્ષે $ 3.76 અબજની વધારાની રેવન્યુ પેદા કરવા માટે લેવામાં આવ્યો છે. મેક્સિકો તેની રાજકોષીય ખાધને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
મેક્સિકોની સેનેટ દ્વારા મંજૂર કરાયેલા આ સુધારેલા બિલમાં અગાઉના પ્રસ્તાવની તુલનામાં ઓછી ઉત્પાદન શ્રેણીઓનો સમાવેશ થાય છે. જોકે, મેક્સિકોએ અગાઉ પણ ચાઇનીઝ માલસામાન પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી અને અમેરિકાને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી નહોતી.
ભારત-મેક્સિકો વચ્ચેના વેપાર પર નજર
અહેવાલ મુજબ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત અને મેક્સિકો વચ્ચેના વેપારમાં વધારો નોંધાયો છે. વર્ષ 2022 માં, બંને દેશો વચ્ચે વસ્તુઓનો વેપાર $ 11.4 અબજ સુધી પહોંચ્યો હતો, જોકે 2023 માં તેમાં થોડો ઘટાડો થયો અને તે $ 10.6 અબજ પર આવી ગયો, જ્યારે 2024 માં તેમાં ફરીથી તેજી આવી છે અને તે $ 11.7 અબજની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો.. મેક્સિકો સાથે ભારતનો ટ્રેડ સરપ્લસ પણ ઘણો વધારે છે; 2024 માં મેક્સિકોને ભારતની નિકાસ લગભગ $ 8.9 અબજ હતી, જ્યારે આયાત $ 2.8 અબજ હતી.



