
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રના બીજા દિવસે કોડિનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાએ રાજ્યમાં હેલિપોર્ટ વિકસાવવાની કામગીરી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે 31-07-2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજ્યના કયા-કયા હેલિપોર્ટને વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી અને ઉક્ત્ત કામગીરી ઉક્ત સ્થિતિએ કયા તબક્કે છે?
જેનો જવાબ આપતાં રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું કે, 31-07-2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી અને સાપુતારા ખાતે હેલિપોર્ટ વિક્સાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દ્વારાકા ખાતે હેલિપોર્ટ વિકસાવવા જમીન મેળવવામાં આવી છે, તેમજ માસ્ટર પ્લાનિંગ માટે એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું, સોમનાથ, અંબાજી અને સાપુતારા ખાતે હેલિપોર્ટ વિકસાવવા જમીન મેળવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
હેલિપોર્ટ એટલે શું ?
હેલિપોર્ટ એટલે હેલિકોપ્ટરના ઉતરાણ, ઉડાન ભરવા, રિફ્યુલિંગ અને પાર્કિંગ માટે ખાસ તૈયાર કરવામાં આવેલું સ્થળ. તે હેલિપેડ કરતાં મોટું હોય છે અને તેમાં મુસાફરો માટે ટર્મિનલ, મેઇન્ટેનન્સ સુવિધાઓ અને અન્ય સંબંધિત સેવાઓ જેવી સુવિધાઓ હોય છે.
હેલિપોર્ટ અને હેલિપેડ વચ્ચેનો તફાવત
હેલિપેડ : આ એક નાનો, સપાટ વિસ્તાર હોય છે જેનો ઉપયોગ માત્ર હેલિકોપ્ટરના ટેક-ઓફ અને લેન્ડિંગ માટે થાય છે. તે સામાન્ય રીતે છત પર, હોસ્પિટલોમાં અથવા દૂરના વિસ્તારોમાં જોવા મળે છે.
હેલિપોર્ટ : આ એક સંપૂર્ણ એરપોર્ટ જેવું સંકુલ છે. અહીં હેલિકોપ્ટર માટે પાર્કિંગ, ઇંધણ ભરવાની સુવિધા, મેન્ટેનન્સ હેંગર અને મુસાફરો માટે વેઇટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.
ઉપયોગ
હેલિપોર્ટનો ઉપયોગ સામાન્ય રીતે વીવીઆઈપી મુસાફરી, બિઝનેસ ટ્રિપ્સ, કટોકટીમાં બચાવ કામગીરી અને મેડિકલ હેતુઓ માટે થાય છે. તે ગીચ શહેરી વિસ્તારોમાં ટ્રાફિક ટાળીને ઝડપથી મુસાફરી કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
આપણ વાંચો: અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં કેટલા યુવાનોને મળી રોજગારી?