તરોતાઝા

પૌષ્ટિકતાનો ખજાનો ધરાવતાં વિવિધ કડધાન્ય (દાળ-કઠોળ)…

સ્વાસ્થ્ય સુધાઃ શ્રીલેખા યાજ્ઞિક

કુદરતની કરામત ગજબની છે. પ્રત્યેક જીવનને ટકાવી રાખવાની વ્યવસ્થા અદ્ભુત રીતે કરવામાં આવેલી છે. તેથી જ તો કહેવત બની કે ‘કીડીને કણ હાથીને મણ’. જીવનને સુચારૂ રીતે ધબકતું રાખવા વિવિધ ફળ-શાકભાજી-કડધાન્ય-વનસ્પતિની ભેટ આપી છે. માનવી સદાકાળ જમીનથી જોડાયેલો રહે તે માટે જમીનને ફળદ્રુપ બનાવીને અનાજમાં મીઠાશ ભરી. કોઈ પ્રત્યે ભેદભાવ નહીં. બધા જ જીવનું આરોગ્ય જળવાઈ રહે તેવી અનન્ય વ્યવસ્થા છે.

પશુ-પંખી કાચું ખાઈને તંદુરસ્ત રહે છે. એક સમયે માનવી કાચું ખાઈને જ ગુજરાન ચલાવતો. ધીમે ધીમે સમય બદલાતા ભોજનને પકાવીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવીને ઉપયોગમાં લેવામાં આવવા લાગ્યું. આજે તો સમય એવો આવી ગયો છે કે નિષ્ણાત શૅફ વિવિધ વાનગીઓની રીત યુ-ટ્યૂબ ઉપર સરળ રીતે શીખવવા લાગ્યા છે. જેમાં પરિવારના એકેએક સભ્યની ભાવતી વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેને કારણે આધુનિક માતા ભોજનને સ્વાદિષ્ટ-પૌષ્ટિક બનાવવા ઉત્સાહિત જોવા મળે છે.

ઘરની રસોઈ ભેળસેળ વગરની હોય છે. અત્યંત કાળજી લઈને બનાવવા માં આવે છે. તેની તુલનામાં બજારુ વાનગીમાં ભેળસેળની શક્યતા વધી જાય છે. તેથી જ ઘરના ભોજનની સરખામણીમાં બહારનું ભોજન ઓછું આરોગ્યવર્ધક ગણાય છે.

તા. 10મી ફેબ્રુઆરી 2026ને મંગળવાર એટલે કે આજનો દિવસ ભારતીય સંસ્કૃતિ તેમજ ભારતીય ભોજનની વિવિધતા માટે મહત્ત્વનો ગણાય છે. તેનું મુખ્ય કારણ છે 10 ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ કડધાન્ય દિવસ’ (આંતરરાષ્ટ્રીય પલ્સીસ ડે) તરીકે વિશ્વભરમાં ઊજવવામાં આવે છે. વર્ષ 2018ના ડિસેમ્બર માસમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ‘વિશ્વ પલ્સીસ દિવસ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

2019થી પ્રતિવર્ષ 10 ફેબ્રુઆરીના દિવસને ‘દાલ-કડધાન્ય દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે વિવિધ પ્રકારનાં દાળ-કઠોળનું માનવીના સ્વાસ્થ્ય માટે કેટલું મહત્ત્વ છે તે વિશે જાગરૂકતા ફેલાવવામાં આવે છે. કઠોળની વિવિધ વાનગીની સ્પર્ધા-શાળામાં બાળકોને કઠોળનું ભોજન જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે.

2026માં વિશ્વ પલ્સીસ ડેનો મુખ્ય વિષય છે ‘વિવિધ દાળની: સાદગીથી ઉત્કૃષ્ટતા તરફની સફર’. વિવિધ દાળોની પારંપારિક પાકકલાની જાણકારી સાથે તેનામાં રહેલાં પોષણ, સ્થિરતા તથા ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારની દાળ જેવી કે તુવેર દાળ, મગની દાળ, અડદની દાળ, આખા અડદ, મસૂર, ચણા, ચોળા, રાજમા, વટાણા, મગ-મટકીનો સમાવેશ થાય છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો સમાયેલાં છે.

હાલમાં કડધાન્ય તરફ લોકોની પસંદ ઘટતી જોવા મળે છે. જેને કારણે સ્વાસ્થ્ય સબંધિત પ્રશ્નો વધવા લાગ્યા છે. આહાર પોષણથી ભરપૂર મળે તે માટે સતત પ્રયત્નો થવા લાગ્યા છે. કડધાન્ય તથા વિવિધ દાળનો આહારમાં ઉપયોગ આધુનિક યુગમાં પૌષ્ટિક ભોજનના આવશ્યક ઘટક ગણાવા લાગ્યા છે. કડધાન્ય તરીકે જાણીતી વિવિધ દાળનો ઉપયોગ આહાર માટે કેટલો આરોગ્યપ્રદ છે તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે.

દાળ ભારતીય ભોજનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બપોરના ભોજનને સંપૂર્ણ બનાવવા માટે દાળની હાજરી આવશ્યક છે. રાત્રિના ભોજનમાં વિવિધ પ્રકારની દાળનો ઉપયોગ કરીને સુપાચ્ય તેવી ખીચડી બનાવવામાં આવતી હોય છે. દક્ષિણ ભારતમાં તો અડદની દાળનો ઉપયોગ કરીને ઈડલી-ઢોંસા, ઉત્તપા વગેરે સવારના નાસ્તામાં ખાસ તૈયાર કરવામાં આવતાં હોય છે.

આજે ભોજનમાં શું બનાવ્યું છે? આવા નાના-મોટા પ્રત્યેકના પ્રશ્નના જવાબમાં ગૃહિણી દ્વારા દાળ-ભાત-રોટલી-શાક તેમ સહજ બોલી જવાય છે.આપને ખ્યાલ હશે જ કે તાજેતરમાં ‘વર્લ્ડઈકોનૉમીક ફૉરમ -2026’નું આયોજન દાવૉસમાં થયું હતું. પાંચ દિવસ વિશ્વના વિવિધ દેશો તેમાં ભાગ લેવાના હતા. આ ભવ્ય આયોજનમાં ભારતના સુપરફૂડ તરીકે લોકપ્રિય ‘ખીચડી’નો સ્ટૉલ અક્ષય પાત્ર દ્વારા લગાવવામાં આવ્યો હતો. વિવિધ દેશોની વાનગીઓમાં આપણી સુપાચ્ય ખીચડી ‘સ્ટાર ફૂડ’ તરીકે ઓળખાઈ હતી. કેમ કે ઠંડીના દિવસોમાં ગરમાગરમ ખીચડીએ બધાનું દિલ જીતી લીધું હતું.

ખીચડીને આયુર્વેદિક ગ્રંથોમાં ‘કૃશાર’ કહેવામાં આવે છે. નાગર જ્ઞાતિમાં ખીચડીને ‘સુખમંજરી’ કહેવામાં આવે છે. કેમ કે તેના સેવનથી તન-મન પ્રસન્નતા અનુભવે છે. જેના સેવનથી વ્યક્તિના શરીરમાં રહેલાં ત્રણ દોષ (વાત, પિત્ત કફ) શાંત પડે છે. વળી તે પ્રત્યેક વયની વ્યક્તિ માટે ગુણકારી ગણાય છે. ખીચડીને વધુ સ્વાદિષ્ટ તથા સુપાચ્ય બનાવવા માટે તેમાં ઘી ઉમેરવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘી ઉમેરવાથી ખીચડી ખાનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરે છે. લાંબું આયુષ્ય મેળવે છે.

આંતરરાષ્ટ્રીય પલ્સીસ દિવસની ઊજવણી દ્વારા વિવિધ દાળ-કઠોળનું ઉત્પાદન વધારીને ભૂખમરાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો આશય છે. તેમાં સમાયેલાં પોષક મૂલ્યો દ્વારા નાગરિકોના આરોગ્યને તંદુરસ્ત બનાવવાનો આશય છે. વળી દાળ -કઠોળ વગેરે બધા જ વાતાવરણમાં સરળતાથી ઊગી શકે છે. તે જમીનની અંદર સમાયેલાં પોષક તત્ત્વોને જાળવી રાખવામાં મદદ કરે છે. વિશ્વમાં વિવિધ રંગ તથા કદ ધરાવતાં કડધાન્ય જોવા મળે છે.

કડધાન્ય ખાવાના લાભ

પૌષ્ટિક્તાનો ખજાનો : મગ, ચણા, વટાણા, તુવેરની દાળ, ચણાની દાળ, મગની દાળ, મસૂરની દાળ, ફોતરાવાળી દાળ, ફોતરા વગરની દાળો, અડદની દાળ, આખા અડદ વગેરેમાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોય છે. જેઓ માંસાહાર કરતાં નથી તેમને માટે ઉત્તમ આહાર ગણાવી શકાય. એવું કહેવાય છે કે કઠોળ વનસ્પતિ આધારિત પ્રોટીન તથા પોષક તત્ત્વોનો ઉત્તમ ખજાનો છે. જે શાકાહારી ભોજન અપનાવતાં લોકો માટે સ્નાયુઓના નિર્માણ તથા શરીરના યોગ્ય કાર્ય માટે આવશ્યક છે.

તેમાં વિટામિન્સ આયર્ન, સેલેનિયમ તથા લાયસિન જેવાં આવશ્યક એમિનો એસિડનું પ્રમાણ ભરપૂર હોય છે. વળી ચરબીની માત્રા ઓછી હોય છે. સૉલ્યુબલ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જેને કારણે કૉલેસ્ટ્રોલ તથા લોહીમાં શર્કરાની માત્રા નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.મોટાપાથી બચવામાં મદદ મળે છે. દાળ-કઠોળનો પ્રમાણભાન રાખીને નિયમિત ઉપયોગ કરવાથી હૃદય રોગ તથા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

વજન ઘટાડવા : અનેક લોકો આજે મોટાપાથી દૂર રહેવા માગે છે. ઝડપથી વજનને નિયંત્રણમાં રાખવામાં દાળ-કઠોળ ઉપયોગી આહાર ગણાય છે. સવારે નાસ્તામાં દાળ-કઠોળનો ઉપયોગ વિવિધ રીતે કરતાં હોય છે. રાત્રે પલાળીને -સવારે બાફીને તેનો ચાટ તરીકે ઉપયોગ આહારમાં કરે છે. ફણગાવ્યા બાદ આહારમાં તેનો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ફણગાવેલાં કઠોળનો ઉપયોગ કરવાથી શરીરને આવશ્યક તેવાં પોષક તત્ત્વો મળી રહે છે. ફૉલેટ, મેગ્નેશ્યિમ, વિટામિન બી-3, પોટેશ્યિમ, આયર્ન, કૉપર જેવાં પોષક તત્ત્વો કડધાન્યમાં સમાયેલાં હોય છે.

સ્વાસ્થ્ય સુધાઃ પૌષ્ટિકતાનો ખજાનો ધરાવતાં વિવિધ કડધાન્ય (દાળ-કઠોળ)… કઠોળ-દાળ જેવા કે મગ, ચણા, મસૂર, મઠ, રાજમા, છોલે ચણા, વટાણા વગેરેમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. લોહીમાં રહેલાં ખરાબ કૉલેસ્ટ્રોલની માત્રાને ઘટાડવામાં મદદ કરે છે. કબજિયાતની તકલીફમાં રાહત આપે છે.

ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો : દાળ તથા કઠોળનું સેવન ર્ક્યા બાદ તે ધીમે ધીમે પચે છે. જેને કારણે લોહીમાં ગ્લુકૉઝની માત્રાને જાળવી રાખવામાં મદદ મળે છે. ઈન્સ્યુલિનની માત્રામાં સુધારો થાય છે. કઠોળ-દાળનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. વારંવાર શરીરમાં નબળાઈ આવી જવી, ચક્કર આવવાં જેવી સમસ્યાથી કઠોળના સેવન બાદ ફાયદો થાય છે.

તુવેરની દાળ : તુવેરની દાળમાં પોટેશ્યિમની માત્રા ભરપૂર હોય છે. બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે તુવેરની દાળનો ઉપયોગ આહારમાં નિયમિત કરવો જોઈએ. ગર્ભાવસ્થામાં તુવેરની દાળનો ઉપયોગ આવશ્યક છે. કેમ કે તુવેરની દાળમાં રહેલું ફૉલિક એસિડ ગર્ભના વિકાસમાં ગુણકારી ગણાય છે.

મગની દાળ : મગની દાળ પચવામાં હલકી-ફૂલકી ગણાય છે. બીમારીમાં તેનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ગેસ-એસિડીટીની સમસ્યાથી બચાવે છે. માનસિક તાણથી બચાવે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, કૅલ્શ્યિમ, આયર્ન, પોટેશ્યિમ સમાયેલાં હોય છે. તેથી તે હાડકાં, પાચનતંત્ર, આંખો, વાળ, ત્વચા વગેરે માટે ગુણકારી છે.

ચણાની દાળ : ચણાની દાળમાં ટ્રિપ્ટોફૅન નામક સત્ત્વ સમાયેલું હોય છે. જે વ્યક્તિનો મૂડ સુધારવામાં મદદ કરે છે. ચણાની દાળમાં કૅલ્શ્યિમ, ફાઈબરની સાથે અન્ય પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં સમાયેલાં હોય છે. તેથી ચણાની દાળમાંથી બનાવેલ વાનગી જેવા કે ખમણ-ખાંડવી-ભજિયા-મગજ-મોહનથાળ-બુંદીના લાડુ વગેરે…

આ પણ વાંચો…ગ્રાનોલા બાર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button