મોજની ખોજ : અલ્યા ભાઈ, કૃષ્ણની ઉંમર વધશે કે દર વર્ષે જન્મ જ લેશે?

- સુભાષ ઠાકર
‘ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રીજબાલા’
આ ગીત કાને અથડાયું ને હું જોરદાર ચમક્યો:
‘અલી ડાર્લિંગ’ મેં તમારા સુરુભાભીને કીધું:
‘હજી તો સાડા નવ જ થયા છે ને કૃષ્ણજન્મ? બીફોર અઢી અવર? પ્રીમેચ્યોર ડિલિવરી? મા દેવકીને મા બનવાની આટલી ઉતાવળ?…’
‘અરે ચુઉઉપ..આ તમારી બાજુમાં પડેલા મારા મોબાઈલનો રિંગટોન વાગે છે. ધ્યાનથી સાંભળો..’
‘અરે બાપરે..પણ ગઈકાલ સુધી તો તારો રિંગટોન ઓમ નમ: શિવાય’ હતો ને આજે…’
‘હતો મારા બાપ હતો..મેં ના પાડી? પણ જન્માષ્ટમી હોવાથી આજ સવારથી શંકરને રજા આપી ગોવિંદાને પ્રવેશ આપ્યો. સિઝન પ્રમાણે જો આપણે ભગવાન કે મંદિર બદલીએ તો રિંગટોન જ નઈ આખો મોબાઈલ બદલાય. હવે ફોન ઉઠાવો ને જુઓ કોણ છે?’
‘હલ્લો અંકલ, હું ચંબુ હું બાર વાગે કૃષ્ણજન્મ પછી પ્રસાદ લઇ આવું છું…
‘પણ અલ્યા ચંબુડા, આ કૃષ્ણની ઉંમર વધશે કે દર વર્ષે જનમ જ લેશે?’
‘તમે અંકલ, કોર્સ બહારના સવાલ ન કરો…ઓકે? ’એટલું બોલી ચંબુએ મોબાઈલ કટ કર્યો.
રાત્રે સવાબાર વાગે ડોરબેલ રણકી દરવાજો ખોલ્યો તો ઉદાસ અને ઘાયલ ચહેરા વાળો ચંબુ…
‘શું થયું બકા, કેમ આમ દમના દર્દીની જેમ હાંફે છે?
કોઈને સ્મશાને મૂકી આવ્યો હોય એવું મોઢું થઇ ગયું છે? કૃષ્ણજન્મ ન થયો? આ મારામારી..’
‘ન જવાય ઠાકર અંકલ ન જવાય, કોઈ કરોડ રૂપિયા આપે તો પણ કોઈને સ્મશાનમાં મુકવા જવું સારું ,પણ કૃષ્ણજન્મ વખતે કોઈ મંદિરમાં ન જવાય’ ચંબુ હૈયાવરાળ કાઢવા લાગ્યો: ‘કૃષ્ણને જન્મવું હોય તો જનમે નઈતર રહે એના ગોકુળ, મથુરા, દ્વારકા, વૃંદાવન કે વૈકુંઠ જ્યાં ઈચ્છા થાય ત્યાં..’
‘શાંત બકા, બિલકુલ શાંત…યુ નો સ્મશાનમાં ચિતા ભલે મરેલાને બાળે,પણ ક્રોધ જીવતાનો જીવ બાળે ને ગુસ્સામાં જો શ્વાસ બંધ થઇ જાય આપણે રહીએ નીચે ને જીવ જાય ઉપર..માંડીને વાત તો કર.’
‘અરે અંકલ, હવે માંડવા જેવું કશું રહ્યું નથી…અરે મંદિરમાં સાડા નવ વાગે પણ લોકલ ટ્રેન જેવી જબરી ભીડ. ભકતોથી મંદિર ઉભરાઈ ગયું ને હું અંદર ભરાઈ પડ્યો. અરે અંકલ, આવી ભયંકર ભીડમાં આપણે ચગદાઈને ફીડલું વળી જઈએ
તો કૃષ્ણજન્મ વખતે આપણું જ ‘જયશ્રીકૃષ્ણ’ થઇ જાય… વૈકુંઠ નાનું ને ભગત ઝાઝા..ચારે બાજુની ભીડથી મારી દશા સેન્ડવીચ વચ્ચેના ટામેટા-બટેટા જેવી થઇ ગઈ. સાડા નવ વાગ્યાથી લાઈનમાં ઊભા ટાંટીયાની કઢી નઈ પણ આખી બોડીની કઢી- ખીચડી-છાસ બધુ થઈ જાય એવી કઠોર તપશ્ર્ચર્યા કરી… ..ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા, પણ લાઈન તો એક ડગલું પણ આગળ વધતી નહોતી. ઘડિયાળમાં કાંટાને કેદ કરી શકાય, પણ સમયને નહિ…. રાતના સવા અગિયારે તો હું પરસેવે રેબઝેબ….પોણા બાર..મને થયું પંદર મિનિટમાં તો કૃષ્ણ પણ જન્મીને છુટા- દેવકી પણ છૂટી ને હું પણ દર્શન કરીને છૂટો…11.55 થઇ…માત્ર પાંચ મિનિટમાં તો દેવકી જેલમાં… સોરી, મંદિરમાં પ્રસૂતિની વેદનાની ચીસ પાડશે.. બટ યુ નો અંકલ, આ મીઠી વેદનાને વેદ બનાવવાની શક્તિ દરેક સ્ત્રીમાં મૂકી છે..પણ મૂળ મૂંઝવણ એ હતી કે કંસને ખબર પડશે ને બાળ કૃષ્ણને મારી નાખશે તો? કંસથી બચવા એલર્ટ રહેવાનું હતું ને વાસુદેવને દીકરાને જેલમાંથી છોડાવી યમુનામાંથી લઇ જવા પેલો ટોપલો નઈ મળે તો?આપણા કાનજી માટે કાન જેવા કેટલાય પ્રશ્નાર્થ ચિન્હો મારા ચહેરા પર છવાઈ ગયા. એટલામાં ઘડિયાળ જોઈ 11.59 થઈ….પણ આ શું? દેવકીની ચીસ કે કૃષ્ણનું ઉઆ..ઉઆ ને બદલે પૂજારીની બૂમ સંભળાઈ..’
‘સાંભળો સાંભળો સાંભળો…મેં આઈ હેવ યોર કાઈન્ડ એટેન્શન પ્લીઝ …બધા કૃષ્ણભક્તો ધ્યાનથી સાંભળો જે કૃષ્ણ ભક્તોએ 1001 થી 5001 સુધીનું દાન કર્યું છે એ લોકો રસીદ બતાવી સોફા ઉપર ગોઠવાઈ જાય ને એમને પ્રસાદમાં મોહનથાળ, બુંદીના ત્રણ લાડુ ને બે વાટકી મીસરી મળશે.. જે ભક્તોએ 501 થી 1001 સુધી નોંધાવ્યા હોય એ અહીં ખુરશી પર બેસે એમને પ્રસાદમાં માત્ર બુંદીનો લાડુ ને બે ચમચી મીસરી..101 થી 501 વાળા સુધીના માટે ચાદર પાથરી છે એમને એક ચમચી મીસરી-પંચાજીરી..101થી નીચે વાળા માત્ર પાછળ ઊભા રહી કૃષ્ણ મુખદર્શન કરી શકશે..101થી નીચેવાળા માટે સોરી, માત્ર મુખ દર્શન…
મૂળ વાત એ કે દરેકે પોતાનું પાનકાર્ડ તૈયાર રાખવું ને ભલે આપણને કૃષ્ણનો આધાર હોય પણ એના દર્શન માટે આધાર કાર્ડ ફરજિયાત બતાવવું પડશે. હમણાં ત્રણ બેલ વાગશે ત્યાં સુધી દર્શન માટે થોડી ધીરજ રાખવી..અને હા, મૂળ વાત તો રહી ગઈ કે આપણા આ હનુમાન મંદિરમાં કૃષ્ણજન્મનો અનેરો ઉત્સવ ઉજવવાની પરમિશન ને તક આપવા બદલ મંદિરના મુખ્ય ટ્રસ્ટી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી, રામશંકર અયોધ્યાવાળા, ને શંકરલાલ હિમાલયવાળાનો આભાર… એ બધા દિલ્હીથી નીકળી ગયા છે.
પણ વચ્ચે ટ્રાફિકમાં ફસાયા છે એ બધા 20-25 મંદિરમાં કૃષ્ણ દર્શન કરી અહીં પધારશે. માઈન્ડ વેલ… શાંતિ રાખજો. નો ઘોઘાટ. આ મંદિર છે …ક્રિકેટ સ્ટેડિયમ નથી… થોડીવાર ગઈ સાલનો જન્માષ્ટમીની વીડિયો જુઓ. હવે આપણા મહાનુભવોને આવતા આવતા બે કે ત્રણ કલાક થઈ શકે છે તો પ્લીઝ વેઇટ, કૃષ્ણજન્મ કદાચ સાડાબારે કે એક વાગે પણ થાય કંઈ નક્કી નઈ.. સોરી, આપણે કૃષ્ણજન્મ કરતાં કૃષ્ણશંકર શાસ્ત્રીની રાહ જોવી પડશે….’
આગે કા હાલ માટે તમારે પણ આવતા મંગળવાર સુધી રાહ જોવી પડશે…જોશોને? શું ક્હો છો?