MY BUDGET હોવું કેમ જરૂરી છે? | મુંબઈ સમાચાર

MY BUDGET હોવું કેમ જરૂરી છે?

ગૌરવ મશરૂવાળા

‘આપણે કોઈ રેસ્ટોરાંમાં જમવા ગયા, સારું ટેબલ પકડીને આજુબાજુ જોયું. થોડી વારમાં વેઇટર અમુક પ્રમાણમાં અમુક વાનગીઓ લઈને આપણા ટેબલ પર મૂકી ગયો. આપણે એ ખાઈ લીધું અને તેના પૈસા ચૂકવીને બહાર નીકળી ગયા.’

‘આપણે કોઈ રેસ્ટોરાંમાં જમવા ગયા, રેસ્ટોરાંમાં ટેબલ પર બેસીને પહેલાં મેનુ કાર્ડ હાથમાં લીધું, આપણી પસંદગીની વાનગીઓનો જોઈએ એટલા પ્રમાણમાં ઓર્ડર આપ્યો અને જમી લીધા બાદ બિલ ભરીને રવાના થયા.’

સામાન્ય સંજોગોમાં ઉપરોક્ત બે સ્થિતિમાંથી આપણા માટે કઈ સ્થિતિ વધારે વાજબી અને વ્યવહારુ ગણાય?

તમે કહેશો કે પ્રથમ સ્થિતિ અવ્યવહારુ અને અતિશયોક્તિભરી છે. કમનસીબે, આપણા પરિવારની નાણાકીય વાતનો સવાલ હોય છે ત્યારે મોટાભાગે આપણા બધાનું વર્તન આવું જ હોય છે. આપણે અલગ અલગ પ્રકારના કેટલા ખર્ચ કર્યા છે તેની કોઈ જાણકારી જ આપણી પાસે હોતી નથી.

ચાલો, તો તમને જ પૂછી જોઉં. તમે છેલ્લાં ત્રણ મહિનામાં રેસ્ટોરાંમાં જમવા પાછળ, કોફી શોપમાં અને ફિલ્મો જોવામાં કેટલા પૈસા ખર્ચી નાખ્યા? જવા દો, થોડો સહેલો સવાલ પૂછી લઉં. તમે છેલ્લાં એક વર્ષમાં કપડાં-લત્તાં પાછળ કેટલો ખર્ચ કર્યો?

નોંધનીય છે કે દેશના નાણાપ્રધાન સંસદમાં બજેટ રજૂ કરે ત્યારે તે સાંભળવામાં અને પછી તેની ચર્ચા કરવામાં આપણે કલાકોના કલાકો ગાળી નાખીએ છીએ. આપણે જે કંપનીમાં કે ડિપાર્ટમેન્ટમાં કામ કરીએ છીએ તેના બજેટની પણ આપણને ખબર હોય છે. આપણે તેને ધ્યાનમાં રાખીને તેને અનુરૂપ વર્તન કરવું પડે છે, પરંતુ આશ્ર્ચર્યની વાત તો છે કે પોતાના પરિવારના બજેટની વાત આવે ત્યારે આપણે શૂન્યમનસ્ક બની જઈએ છીએ.

હકીકતમાં પરિવારનું બજેટ બનાવવું એ મેનુ કાર્ડ જોઈને વાનગી ઓર્ડર કરવા જેવી વાત છે. જ્યારે આપણે રેસ્ટોરાંમાં જઈએ છીએ ત્યારે મેનુ કાર્ડ જોવાથી ઉપલબ્ધ વિવિધ વાનગીઓની જાણ થાય છે અને પછી આપણે ખપ પૂરતો ઓર્ડર આપીએ છીએ. પરિવારનું બજેટ બનાવવાનું કામ પણ આના જેવું જ છે. આપણી મહેનતની કમાણી વપરાય જાય એવા વિવિધ પ્રકારના ખર્ચ હોય છે. તેમાંથી આપણે એ નક્કી કરવાનું છે કે કઈ વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરવો. તેના માટે આપણે My Budget શબ્દ વાપરી શકીએ છીએ.

સામાન્યપણે પરિવારના બજેટની બે મુખ્ય શ્રેણી હોય છે. ‘ફરજિયાત ખર્ચ’ અને ‘સ્વૈચ્છિક ખર્ચ’. આ બન્ને શ્રેણીમાંથી દરેકમાં ‘નિશ્ચિત ખર્ચ’ અને ‘બદલાતા ખર્ચ’ એવી બે શ્રેણીઓ આવે છે.

આ પણ વાંચો…MY GDP એટલે શું?

ફરજિયાત નિશ્ચિત ખર્ચમાં ઘરભાડું, સ્કૂલની ફી, EMI (ઈક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ), વગેરેનો સમાવેશ થાય છે. બદલાતા ફરજિયાત ખર્ચમાં કરિયાણું, દવા, વગેરે સામેલ હોય છે. સ્વૈચ્છિક નિશ્ચિત ખર્ચમાં ક્લબની મેમ્બરશિપ ફી, સામયિકો માટેનું સબસ્ક્રિપ્શન, વગેરે હોય છે. બદલાતા સ્વૈચ્છિક ખર્ચમાં બહાર ખાવા જવું, વેકેશન પર જવું, વગેરે પાછળનો ખર્ચ સામેલ હોય છે.

My Budget બનાવવા માટે સૌથી પહેલાં તો ખર્ચ પર નજર રાખવાની હોય છે. સર્વપ્રથમ ઘરભાડું, સ્કૂલ ફી, વગેરે જેવા ફરજિયાત નિશ્ચિત ખર્ચની નોંધ કરવી. ત્યાર પછી ક્લબ ફી, વગેરે જેવા સ્વૈચ્છિક નિશ્ચિત ખર્ચ નોંધી લેવા. જો કે, આ ખર્ચ નિશ્ચિત હોવાથી તેના પર નજર રાખવાની જરૂર હોતી નથી.

નિશ્ચિત ખર્ચની નોંધ કરી લીધા બાદ બદલાતા ખર્ચની નોંધ કરો. આ કામ થોડું મુશ્કેલ છે, પણ એક વખત આદત થઈ જાય પછી એ મુશ્કેલ રહેતું નથી. બદલાતા ખર્ચની શ્રેણીમાં સૌથી પહેલાં બદલાતા સ્વૈચ્છિક ખર્ચની યાદી બનાવવી. તેનું કારણ એ કે બહાર જમવા જવું, ફિલ્મ જોવા જવું, વગેરે ખર્ચ બદલાતા ફરજિયાત ખર્ચ કરતાં ઓછી વાર થતા હોય છે. વળી, એ ખર્ચ ક્રેડિટ કાર્ડ દ્વારા કે રોકડેથી થાય છે. જો ક્રેડિટ કાર્ડથી ખર્ચ કર્યા હોય તો તેના પર નજર રાખવાનું સહેલું બની
જાય છે.

જો બદલાતા ખર્ચ પર નજર રાખવાની આદત ન હોય તો શરૂઆતમાં દિવસમાં માત્ર એક કે બે જ ખર્ચની નોંધ કરવી અને તેના પર નજર રાખવી. ખર્ચ થયાના 24 કલાકની અંદર જ તેની નોંધ થઈ જવી જોઈએ. આદત પાકી થઈ જાય પછી જ વધુ પ્રકારના ખર્ચ ઉમેરવા.

એકાદ-બે વર્ષ પછી બદલાતા ફરજિયાત ખર્ચ પર નજર રાખવાનું શરૂ કરવું. ત્રીજા વર્ષથી બજેટ બનાવવાનું એટલે કે કઈ શ્રેણીના કયા પ્રકાર પર કેટલો ખર્ચ કરવો એ નક્કી કરવું.

યાદ રહે, આપણા જીવનમાં દેશના બજેટ કરતાં My Budget એ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બજેટ છે. એ બજેટ બનાવેલું ન હોય તો બીજાં બધાં બજેટ સાવ નકામાં બની જાય છે.

આ પણ વાંચો…દેશનું FDI નહીં, પોતાનું FDI ધ્યાનમાં લેવું…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button