મોજની ખોજઃ હવે દુભાય એવી લાગણીઓ ક્યાં બચી છે…?

સુભાષ ઠાકર
થનગન…-થનગન કરતી ઢેલ જંગલમાં ઝાડ પાછળથી મોર સમક્ષ હાજર થાય એમ મારી ડાન્સિંગ-ડોલ બારણા પાછળથી રુમઝુમ કરતી પ્રગટ થઇ. મોરપીછ કલરની ભડક સાડી જોઈ હું ભડક્યો ‘આટલી રંગીન ભડક સાડી? અરે મારી ઢેલડી, આપણે ચંબુના બાપુજીના લગ્નમાં નથી જતા પણ મૃત્યુ સામેની ફાઈનલ મેચમાં એ હારી ગયા એટલે
એમની પ્રાર્થનાસભામાં જવાનું છે..’
‘કેમ? આ સાડી પહેરીશ તો બાપુજી પાછા આવશે? અરે, એ પોતે જ રંગીન સ્વભાવના હતા.. જ્યારે-જ્યારે રંગીન સાડીમાં મને જોતા ત્યારે રાજી થઇ જતા. રંગીન સાડી એમને બહુ ગમતી.’
‘અરે એ ડોહાને તો તારી બા પણ બહુ ગમતી. એ મરી ગયા ત્યાં સુધી તારી બા પર બહુ મરતા પણ તારી બાને કોઈ દહાડો રોકાવા બોલાવી કે તારી બા ફ્રેશ થવા કે હવાફેર કરવા ગઈ? નઈને? અરે એ ડોહો હવે હારવાળા ફોટામાંથી કાળા જાંબુ જેવડા ડોળા કાઢશે તો પણ તારી બાને કે તને જોઈ શકશે નઈ. સમજી? પ્લીઝ, હવે નસ ખેંચ્યા વગર બાપુજીએ ખોળિયું બદલ્યું એમ તું પેલી 1500વાળી ધોળી સાડી જે શોકસભા માટે જ લીધી એ પહેરી લે. જે પ્રસંગે શોભતું હોય એ શોભે.’
થોડી વારમાં કડક સફેદ સાડીમાં ‘દિવાર’ની વિધવા નિરૂપા રોય જેવી ઝટપટ તૈયાર થઈને આવી. અમે જેવા પ્રાર્થના હોલ પાસે પહોંચ્યા ત્યાં એ બોલી :
‘સુભુ… સુભુ… સાલો ગોટાળો થઇ ગયો લાગે છે, આપણે ગયા મહિને આવેલા ત્યારે આ જ ભાઈ ગુજરી ગયેલા ગયે અઠવાડિયે પણ આ જ ભાઈ ગુજરી ગયા ને આજે પણ આ જ… આ તો મરી ગયા છે કે મરવાનું રિહર્સલ કરે છે. કેટલી વાર મરવાનુ?’
‘અરે મારી માં, તું મને મરાવી નાખીશ. એ હોલના દાતાનો ફોટો છે. ચંપકકાકાનો ફોટો અંદર હોય.’
‘તો ઠીક પણ એલર્ટ રહેવું સારું. યાદ છે ગયા મહિને પેલા રમણીકલાલની શોકસભા પૂરી થઇ ને આપણે જેવા હોલની બહાર નીકળ્યા ત્યાં રમણીકલાલ સામે દેખાયા ને આપણે કેવા ડઘાઈ ગયા. ને પાછુ તમને પૂછ્યું કે અહીં ક્યાંથી? ત્યારે તમે કેવા ગેગેફેફે થઈ ગયેલા. પછી ખબર પડી કે એ સભા રમણીકલાલની નહોતી પણ રમણલાલની હતી…જરાક નામના ગોટાળામાં આપણી તો દશા બેસી ગઈને?’
પછી અમે હોલમાં જેવો પ્રવેશ કર્યો ને પાછો ઢેલે કેકારવ કર્યો :
‘સુભુ… સાલો પાછો લોચો તો છે જ તે માર્ક કર્યું? ચંપકકાકો ટપકી પડ્યો ને હારવાળો ફોટો ચંબુનો?. ચંબુ તો બાજુમાં હાલતો ચાલતો જીવતો જાગતો બેઠો છે.’
મને ધ્રાસકો પડ્યો : ‘હે મારી પ્રાણપ્યારી પ્રાણેશ્વરી, આવા પ્રસંગે તું મારી નસ ન ખેંચ એ ચંપકલાલની જ તસ્વીર છે પણ કેટલાય વખતથી ચંબુએ એની કાર પાર્કિંગની જગ્યામાં બા-બાપુજીને રાખેલા એટલે ઠેઠ સુધી ફોટો પડાવવાનું યાદ જ ન આવ્યું ને યાદ આવ્યું ત્યારે બાપુજી ન રહ્યા. ફોટા વગર ચાલે નઈ એટલે બા-બાપુજીના લગ્નનો જે ભેગો ફોટો પડેલો એમાંથી બાપુજીનો જુદો કાઢી મોટો કરાવી મુક્યો છે. સમજી?’
ત્યાં તો સરોજ ચંબુ પાસે પહોંચી ખતરનાક ઝાટકા આપ્યા: ‘અભિનંદન, ચંબુભાઈ છેવટે બાપુજીથી માંડ માંડ છુટ્યા ખરા? સાચું કઉ તો ચંપકકાકાના મૃત્યુ પછી પણ એમના મોઢા પરનું તેજ અદ્ભુત હતું, આંખો તો એવી ખુલ્લી હતી કે આપણને એમ જ લાગે કે હમણાં ઊભા થઇ જશે પણ થેંક ગોડ, કે એવું કઈ થયું નઈ, નઈતર આ હોલના ભાડાનો ખર્ચ ને અમારો ફેરો માથે પડ્યો હોત.
મૃત્યુ એ ઈશ્વરની અંતિમ ઈચ્છા છે એમાં આપણાથી કઈ ન થાય,પણ એક વાત કઉ? બાપુજીની સાથે સાથે ભેગાભેગી બાની પણ શ્રદ્ધાંજલિ આજે જ રાખી લો, બા જાય પછી નઈ રાખવાની. એક પંથ દો કાજ. હજી બા બેઠાં છે એટલે સ્મશાને લઇ જવા જેટલા ક્રૂર ન થવાય પણ શ્રદ્ધાંજલિ તો રખાય.’
આ સાંભળીને ચંબુનો ચહેરો કબજિયાતના દર્દી જેવો થઇ ગયો. હું સરોજને એક બાજુ ખેંચી ગયો :
‘તારી ખોપરીમાં ઈશ્વરે મગજ મુક્યું છે કે કોબીજનો દડો?’
‘કેમ? મેં કઈ બાફ્યું?’
‘માત્ર બાફ્યું નથી વઘાર્યું પણ છે પ્રાર્થના ગીત શરૂ થાય એ પહેલા આવો બફાટ..’
‘તો મેં શું ખોટું કીધું. સાંભળો રોજ રોજ લોકોના બેસણા-ઉઠમણાં જવા ઈશ્વરે જનમ નથી આપ્યો સાલું કોઈ ઉપર જવા નીચે ટપકે કે આપણે એની પ્રાર્થનાસભામાં ટપકવાનું?. બીજા કોઈ કામ હોય કે નઈ? હવે પહેલાં જેવી પ્રાર્થના જામતી નથી’ એટલું બોલી પ્રાર્થનાના સ્ટેજ બાજુ ફરી, જ્યાં જીગીષા રાંભિયા ને પરેશ બદાણી ગીત ગાવા તત્પર થઇ બેઠેલા. ‘જો જીગીષા’ સરોજ બોલી ‘હવે દુભાય એવી લાગણીઓ રહી નથી એટલે અહીં બધા લાગણીથી આવ્યા નથી.
કોઈ હાજરી પુરાવા તો કોઈ કન્ફોર્મ કરવા કે ચંપકકાકો ખરેખર ગયો છે કે ગયા અઠવાડિયાની જેમ આ વખતે પણ ધક્કો ખવડાવશે. કોઈ વળી કોણ-કોણ આવ્યા એ જોવા જ આવ્યા હશે. આ પ્રસંગના ટિકિટ શો થતા નથી એટલે કેટલાક સંગીતપ્રેમી એસીમાં મફતમાં ગીતો સાંભળવા આવ્યા હોય છે. આજે એવી જમાવટ કરો કે પ્રેક્ષકોને લાગે કે આ પરિવારની પ્રાર્થનાસભા પણ સંગીતસંધ્યા જેટલી જ બેસ્ટમબેસ્ટ ને વારંવાર જવાનું મન થાય એવી હોય છે. ચંબુની બા હજી બેઠા છે પણ બહુ ખેંચે એવું લાગતું નથી. કદાચ એડવાન્સ બુકિંગ મળી પણ જાય. હું તો કઉ છું
‘આજની પ્રાર્થના આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ’થી શરૂ કરો’
‘ના ભાભી, હમણાં એક લગ્નની સંગીતસંધ્યામાં તમારી ફરમાઈશથી પરેશે ‘પંખીડાને આ પીંજરું જૂનું ..લાગે’
ગાયેલું તો ધોઈ નાખેલો તમારા ત્યાં કોઈ જશે ત્યારે લઈશું.’
જેમને આ ગીત ગમતા હતા એ કોઈ બચ્યા નથી ને મારી જગા પણ બચી નથી એટલે નેક્સ્ટ વીક…
શું કહો છો?
આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ શું છે આ સૂત્રનેતિ?



