ફાઈનાન્સના ફંડા: વસિયતનામું ક્યારે કાયદેસર ગણાય?

-મિતાલી મહેતા
વસિયતનામું (વિલ) બનાવવાને લગતી પ્રાથમિક માહિતીની આપણે ગયા અઠવાડિયે વાત કરી. આજે આપણે એ વાતને આગળ વધારીએ…
વસિયતનામું ક્યારે વૈધ-લીગલ કાયદેસર ગણાય?
એ સવાલ ઘણો મહત્ત્વનો છે.
વસિયતનામું વૈધ ગણાવા માટે અહીં દર્શાવેલી કેટલીક શરતોનું પાલન થવું જરૂરી છે, જેમકે …
ટેસ્ટેટરની ઉંમર:
ઇન્ડિયન સક્સેશન ઍક્ટ મુજબ સગીર વયની વ્યક્તિ ન હોય એવી કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ વસિયતનામું બનાવીને મિલકતની વહેંચણી કરવાનું કહી શકે છે.
ટેસ્ટામેન્ટરી કેપેસિટી:
આનો અર્થ એવો થયો કે ટેસ્ટેટર સ્થિર મગજનો હોવો જોઈએ. વસિયતનામું બનાવવાની અને તેની શું અસર થાય છે એના વિશેની સંપૂર્ણ સમજ એમનામાં હોવી જોઈએ. કોઈ પણ નશામાં હોય અથવા તો પોતાના કૃત્યના પરિણામને સમજી ન શકે એવી કોઈ બીમારી ધરાવતી હોય એવી કોઈ પણ વ્યક્તિ વસિયતનામું બનાવી શકતી નથી એવું ઇન્ડિયન સક્સેશન ઍક્ટમાં કહેવામાં આવ્યું છે. વચ્ચે જ્યારે પણ માનસિક સ્થિરતા આવે ત્યારે આવી વ્યક્તિ પણ સામાન્ય સંજોગોમાં વસિયતનામું બનાવી શકે છે એ વાત ખાસ નોંધવી રહી.
3) આશય:
વસિયતનામું બનાવનાર વ્યક્તિ પોતાની ઈચ્છાનુસાર એ દસ્તાવેજ બનાવી રહી હોય એ જરૂરી છે. પોતાના મૃત્યુની સ્થિતિમાં પોતાની મિલકતની વહેંચણી અમુક રીતે થવી જોઈએ એવો એમનો આશય આવશ્યક છે.
સ્વૈચ્છિક:
વસિયતનામું હંમેશાં સ્વેચ્છાએ બનાવવામાં આવવું જોઈએ. કોઈના દબાણ કે ધાકધમકી હેઠળ બનાવવામાં આવેલું વસિયતનામું વૈધ ગણાતું નથી.
મિલકતની યોગ્ય વહેંચણી:
બેનિફિશિયરી એટલે કે લાભાર્થીઓને યોગ્ય રીતે મિલકતની વહેંચણી કરવામાં આવે એ અત્યંત જરૂરી છે.
સહી- તારીખ – સાક્ષી:
વસિયતનામા પર ટેસ્ટેટરની સહી હોય, જે દિવસે દસ્તાવેજ બનાવાયો હોય એની તારીખ હોય અને એના પર સાક્ષીઓની સહી હોય એ અત્યંત જરૂરી છે. વળી, વસિતનામાના દરેક પાના પર અનુક્રમાંક લખેલો હોવો જોઈએ.
હવે વસિયતનામું કઈ સ્થિતિમાં બનાવવાનું હિતકારક છે એ જાણીએ…
વસિયતનામું બનાવવાનું એમ તો દરેક માટે સલાહભર્યું હોય છે. આમ છતાં મોટાભાગના લોકો એ બનાવવામાં વિલંબ કરતા હોય છે. અમુક સંજોગો એવા હોય છે, જેમાં વસિયતનામું બનાવવાનું ઘણું વધારે જરૂરી બની જાય છે. પરિવારનો વિસ્તાર થાય ત્યારે, છૂટાછેડા કે પુન: લગ્ન થવાનાં હોય ત્યારે, મોટો ધનલાભ થાય ત્યારે, ગંભીર બીમારી આવે ત્યારે અને વારસામાં મોટી સંપત્તિ મળવાની હોય ત્યારે વસિયતનામું બનાવવું હિતકારક છે.
આ ઉપરાંત, અગાઉ કહ્યું હતું એમ દરેક વ્યક્તિએ પોતાનું વસિયતનામું લગ્ન પછી તરત, પહેલી પ્રોપર્ટી ખરીદવામાં આવે ત્યારે અથવા તો પ્રથમ સંતાનના જન્મ વખતે બનાવવું જોઈએ.
વસિયતનામાની કેટલીક આવશ્યક કલમ :
વસિયતનામું એક એવો દસ્તાવેજ છે, જેમાંનું લખાણ જેટલું વધારે સરળ અને સ્પષ્ટ શબ્દોમાં લખેલું હોય એટલું વધારે સારું. વૈધ વસિયતનામામાં કઈ કલમો હોય એના વિશે વાત કરીએ:
ટેસ્ટેટરની વિગત :
ટેસ્ટેટર એટલે કે પોતાનું વસિયતનામું બનાવનાર વ્યક્તિ. એમનું નામ- ઉંમર- સરનામું તથા એમની ઓળખને સ્પષ્ટપણે સ્થાપિત કરી શકે એવી વિગતો વસિયતનામામાં લખાયેલી હોવી જોઈએ.
વસિયતનામાની જાહેરાત:
ટેસ્ટેટરના મગજની સ્થિતિ સાબૂત છે અને તેઓ કોઈ પણ દબાણ વગર વસિયતનામું બનાવી રહ્યા છે એવું ડિક્લેરેશન કરવામાં આવવું જોઈએ. અગાઉનાં બધાં વસિયતનામાં રદ કરાયાં છે અને વર્તમાન વસિયતનામું જ અમલમાં લાવવાનું રહેશે એવું જાહેર કરવાનું પણ જરૂરી છે. અગાઉ વસિયતનામાની સાથે કોઈ કોડિસિલ એટલે કે ઉમેરણી કરવામાં આવી હોય તો એ પણ રદ કરવાનું જાહેર કરી દેવાવું જોઈએ.
આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડા : આવકવેરાનું રિટર્ન ભરતી વખતે કઈ કઈ ભૂલ કેવી રીતે ટાળશો?
એક્ઝિક્યુટરની નિમણૂક:
ટેસ્ટેટરે જેમને એક્ઝિક્યુટર બનાવવાનું નક્કી કર્યું હોય એમની નિમણૂક થવી જરૂરી છે. આથી સંબંધિત વસિયતનામામાં એક્ઝિક્યુટરનું નામ, ઉંમર, સરનામું તથા ટેસ્ટેટર સાથેનો એમનો સંબંધ એ બધાની નોંધ થવી જરૂરી છે.
મિલકતની અને વહેંચણીની વિગત :
ટેસ્ટેટર પાસે કેટલી અને કઈ કઈ મિલકત-ઍસેટ્સ છે એની નોંધ કરવાની સાથે સાથે પોતે દરેક મિલકતની વહેંચણી કઈ રીતે કરવા માગે છે એના વિશે સ્પષ્ટ નોંધ કરવામાં આવવી જોઈએ… લાભાર્થીઓમાંથી કોને કઈ મિલકતમાં કેટલા ટકા ભાગ મળશે એની સ્પષ્ટ નોંધ કરવામાં આવવી જોઈએ.
દેણી નીકળતી રકમ સંબંધી સૂચના:
ક્યારેક એવું પણ બને કે ટેસ્ટેટર પોતાની અંતિમક્રિયા ઉપરાંત ધાર્મિક વિધિનો ખર્ચ પોતાની સંપત્તિમાંથી જ કરવા માગતા હોય. આવામાં એ મુજબની નોંધ પણ વસિયતનામામાં કરવામાં આવી હોવી જોઈએ. ઉપરાંત, ટેસ્ટેટરે કોઈને કરજ ચૂકવવાનું હોય તો એની નોંધ પણ એમાં હોવી જરૂરી છે.
બાકી બચતી ઍસેટ:
વસિયતનામામાં લખાઈ ન હોય એવી કોઈ ઍસેટ છેલ્લે બચી જતી હોય તો એવી ઍસેટની વહેંચણી કેવી રીતે કરવી એની કલમ પણ વસિયતનામામાં લખી શકાય છે. મિલકતને લગતા વાદવિવાદને ટાળવામાં આ કલમ પણ ઘણી ઉપયોગી સાબિત થાય છે.
ટેસ્ટિમોનિયમ ક્લોઝ:
કોઈ પણ દસ્તાવેજ કોણે અને ક્યારે બનાવ્યો છે એની માહિતી ધરાવતી કલમને ‘ટેસ્ટિમોનિયમ ક્લોઝ’ કહેવાય છે. તેમાં દસ્તાવેજ (અહીં વસિયતનામું) બનાવનારનું નામ- સહી અને તારીખ મુખ્ય હોય છે.
એક્ઝિક્યુશન ક્લોઝ:
અહીં જેનું નામ લખવામાં આવ્યું છે એ ટેસ્ટેટરે પોતાના છેલ્લા વસિયતનામા તરીકે લખાણ તૈયાર કર્યું છે અને સહી કરી છે એ મુજબનું લખાણ આ ક્લોઝમાં લખાયેલું હોય છે.
આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડાઃ વસિયતનામું એક એવો દસ્તાવેજ, જે મિલકતને કજિયાનું છોરું બનતા અટકાવે છે…