મોજની ખોજઃ કાલથી કેલેન્ડર સિવાય શું બદલાશે?

સુભાષ ઠાકર
‘હે વ્હાલી વાંચક મંડળી, જાણતા-અજાણતા આ વર્ષ દરમિયાન, મારા વર્તનથી તમારા હૈયાને ઠેસ પહોચી હોય, તમારું દિલ દુભાવ્યું હોય તોતો શું? તો આ બધા માટે આ વર્ષે પણ તૈયાર રહેજો, કારણ કે કેલેન્ડર બદલાયું છે પણ હું- મારા વિચારો કે વર્તન નઈ બદલાય… બોલો જયહિન્દ…!
-ને મારા બકા-બકીઓ, તમને લાગે કે તમે બદલાયા છો તોએ તમારો ભ્રમ છે. તમે ઘરના છો એટલે કહી દઉં કે શરીર ચાલે છે એટલું મગજ નથી ચાલતું, ને મગજ નથી ચાલતુ એટલે બુદ્ધિ નથી ચાલતી… મારી જ બુદ્ધિની ખાનગી વાત જાહેર કરું તો કેટકેટલી કાળજી રાખવા છતાં જે વાત માત્ર ને માત્ર મને ને ઈશ્વર સિવાય કોઈને ખબર નથી કે મારામાં બુદ્ધિનો છાંટોય નથી એ ગંભીર વાત કોણે લીક કરી?
મારો અંતરાત્મા થોડો કકળ્યો, વધુ કકળે એ પહેલા એવી વાત કાને અથડાઈ કે ‘કુવામાં હોય તો હવાડામાં આવેને?’ મા-બાપને ‘કુવો’ ને મને ‘હવેડો’ કહેતા તમારી જીભ કચરાઈ કેમ ન ગઈ?. ધીસ ઇઝ ધ બીગ ઈન્સલ્ટ ઓફ માય પ્રોડ્યુસર આઈ મીન મા-બાપ. આને કહેવાય ઘોર અપમાન ને ઘોર કળીયુગની શરૂઆત.
મારી ખચકે કે નઈ?… ને પેલો ઈશ્વર તો અહીં મોકલતા પહેલા કાનમાં બોલેલો ‘જો બકા, મારી પાસેના જથ્થાબંધ બુદ્ધિના સ્ટોકમાંથી સૌથી વધુ સ્ટોક હું લોકલ ટ્રેનની ભીડની જેમ તારા મગજમાં ફીટ્ટમફીટ ભરું છું. હું પાછો બોલાવું ત્યાં સુધી સંભાળીને વાપરજે.’
આટલું સાંભળતા જ સુભાષ મોગેમ્બો ખુશ હુઆ. મેં કીધુ ‘આભાર’ પણ બકા, તારે કોઈને કેવાનું નઈ કે મને સૌથી વધુ બુદ્ધિ આપી છે. ઓકે? જાઓ, ફતેહ કરો’ ને બંદા ધબાક કરતા નીચે…’
અહીં ટપક્યા પછી પ્રચંડ આઘાત એ લાગ્યો કે સાલું ઈશ્વરીયાએ આવું તો બધાને કીધું છે. આપણને લાગી ના આવે?. ઈશ્વર થઈ આવી છેતરપિંડી? તું તો માણસ છે કે ઈશ્વર?..હવે જેમ સુખ અને શાંતિ કે લાગણીઓ ક્યાંય વેચાતી મળતી નથી. એમ બુદ્ધિ પણ ક્યાં મળે છે?
મને અલ્પબુદ્ધિનું દુ:ખ નથી, પણ વાત લીક થઇ એનું છે.. મેં તો ચંબુ પ્લમ્બરને કીધું ‘ચપ્પા ચપ્પા છાન મારો કે મારામાં બુદ્ધિ નથી એ લીકેજ જો તું શોધી આપે તો મારા બાપુના સમ ખાઈને કહું છું તારા બાપુજીને ભલે તું માથે પડ્યો પણ એમની બીમારીનો ખર્ચ મારે માથે ને ટપકી પડે તો કારજનો ખર્ચ મારે માથે ને એ પછી પણ એમની પાપતિથિ….સોરી, પુણ્યતિથિનો ખર્ચ હું ઉઠાવવા..’
‘સ્ટોપ ઇટ …બસ કરો ખબરદાર, જો હવે આગળ બોલ્યા તો.. આ મારા એકના એક લાડકા પિતાનું હડહડતું અપમાન છે આઈ કાન્ટ ટોયલેટ સોરી… .. ટોલરેટ’ ચંબુની ખોપરીમાંનું મગજ ભોંય ચકરડીની જેમ ચકરચકર ફરવા લાગ્યું.:
‘શર્મ આવે છે પણ અંકલ, હું આપને માનપૂર્વક કહી દઉં કે અંકલ આપ પોતે જ અક્કલમઠ્ઠા છો, બુધ્ધું છો, બુદ્ધિના લઠ્ઠ છો આવા ખતરનાક ઘટિયા વિચારોથી તમે પોતે જ બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે એ લીક કરો છો.’
‘અલ્યા ભાઈ કબૂલ કે હું બુદ્ધિનો બારદાન છું, બુદ્ધિનો બળદિયો છું, આખલો છું, ગાય છું, ભેંસ છું… તમે જે ગણો એ બધું જ છું, સૌથી ઓછી બુદ્ધિનો એવાર્ડ મને મળે એ પણ કબૂલ, પણ અંતરથી વિચારો કે તમે બધા ક્યાં બિરબલના અવતાર છો…! મારામાં બુદ્ધિનો છાંટોય નથી તો તમેં ભેજામાં કયા બુદ્ધિના ઘડા ભરીને બેઠા છો? અરે ચંબુ, બીજાની ક્યાં માંડુ પણ આ મારા જ ઘરનો દાખલો જો… મારી ચંપાકલી બોલી : ‘સુભુ, તમે બધા કહો છો કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. પણ યુ આર ટોટલી રોંગ. આ બાજુ આવો રસોડામાં…’ પછી એકે બરણી બતાવી બોલી : ‘વાંચો…’
સાકરની બરણી ઉપર મીઠું ને મીઠાની બરણી ઉપર સાકરનું લેબલ જોઈ હું ચમક્યો. ‘જોઈ લે, સુભુ આનું નામ બુદ્ધિ, હવે કીડીઓ નઈ ચડે’ કેમ જાણે કીડીઓ વાંચીને ચડવાની હોય’!
‘અરે મારી મા, નઈ ચડે નઈ ઓલરેડી ચડી ગઈ છે.’ મેં કીડીઓનું ઝુંડ બતાવ્યું. તો બોલી :
‘અરે એ અભણ કીડીઓ ચડી ગઈ હશે…’
ત્યાં અચાનક ટેબલ ઉપરથી ધડામ કરતી ભમ થઈ ગઈ.
‘વાગ્યું તો નથી ને?’ મેં પૂછ્યું
‘પગની પાનીમાં જરા મચકોડ આવી લાગે છે’
‘તો તો હેમરેજના ચાન્સ ખરા’ આખી વાતની ચોખવટ નથી કરતો… બીકોઝ યુ આર બુદ્ધિશાળી’
સાહેબ, આમ તો આખું જગત બુદ્ધુ હોવા છતાં પોતાને બુદ્ધિશાળી સમજે છે. હવે મને સાચું કહેવા દો ‘ખુદને કહેતા ન ચાલી હિંમત કે બુદ્ધુ છું એટલે કહી દીધું કે લોકો છે બુદ્ધુ ને હું બુદ્ધિશાળી…
ચલો કબૂલ કે તમે બુદ્ધિશાળી પણ એનો સદુપયોગ કર્યો? સાચું બોલજો ધનતેરસે લક્ષ્મીની છબીની પૂજા કરી પણ પેલી પુત્રવધૂ બની આવેલી લક્ષ્મીનો આદર કર્યો? કાળી ચૌદશે સિરિયલના કકળાટની ચિંતા, પણ ઘરનો કકળાટ કાઢ્યો? દિવાળીમાં આંગણે કોડિયાના દીપક પ્રગટાવશું પણ આ શરીરના કોડિયામાં અંધારું છે એનું શું ?
આ બધું સમજાય તો નવું વર્ષ… બાકી શરીરની દીવાલ પર આયુષ્યનું કેલેન્ડર ટીંગાડીને બેઠા છીએ ને રોજ રોજ બદલાતી તારીખ એક દિવસ કેલેન્ડર જ બદલી નાખે છે…
શું કહો છો?
આ પણ વાંચો…મોજની ખોજઃ ધનતેરસ તો આવશે-જશે, પણ ધનની તરસ નઈ જાય…!