આરોગ્ય એક્સપ્રેસઃ સ્નાયુની ઇજાનો રોગ ‘રેબડોમાયોલિસિસ’ શું છે?

રાજેશ યાજ્ઞિક
ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન અને એશિયા કંપની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર તિલક વર્માએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે ‘રેબડોમાયોલિસિસ’ (Rhabdomyolysis) નામની ઘાતક બીમારીનો શિકાર બન્યો હતો. ભલભલા યુવાન રમતવીરની કરિયર જોખમમાં મૂકી દે એવી શું છે આ બીમારી અને શા માટે એ ઘાતક ગણાય છે તે જાણીએ.
રેબડોમાયોલિસિસ, જેને ટૂંકમાં ‘રેબડો’ કહેવાય છે, તે એક ગંભીર સ્થિતિ છે જે સીધી કે પરોક્ષ રીતે સ્નાયુની ઇજાને કારણે થાય છે. તે ત્યારે થાય છે જ્યારે સ્નાયુ તંતુઓ મૃત્યુ પામે છે અને તેમના ઘટકો લોહીના પ્રવાહમાં મુક્ત થાય છે. જ્યારે આવું થાય છે ત્યારે કોઈના પણ સ્નાયુ તંતુઓના ઝેરી ઘટક એની પરિભ્રમણ પ્રણાલી અને કિડનીમાં પ્રવેશ કરે છે. આનાથી કિડની ફેલ – નિષ્ફળતા જેવી ગંભીર ગૂંચવણો થઈ શકે છે. આનો અર્થ એ છે કે કિડની કચરો અને સંકેન્દ્રિત પેશાબ દૂર કરી શકતી નથી.
‘રેબડોમાયોલિસિસ’નાં કારણ:
આ થવાનાં ઇજા સંબંધિત અને બિન-ઇજા સંબંધિત ઘણાં કારણ છે. અકસ્માત, પડવાથી અથવા મકાન તૂટી પડવાથી થતી ઇજા કે પછી લાંબા સમય સુધી સ્નાયુ સંકોચન જેમ કે પડી ગયા પછી લાંબા સમય સુધી સ્થિર રહેવાથી અથવા માંદગી દરમિયાન અથવા દારૂ અથવા દવાના પ્રભાવ હેઠળ સખત સપાટી પર બેભાન પડી રહેવાથી, વીજ કરંટથી થયેલી ઇજા, વીજળી પડવી અથવા થર્ડ-ડિગ્રી બર્ન કે સાપ અથવા જંતુના કરડવાથી ઝેરી અસરથી, અથવા આરામ વિના અતિશય કસરત કરવા જેવાં કારણોથી આ બીમારી થઇ શકે છે.
એ જે રીતે, બિન-ઇજા સંબંધિત કારણોમાં સ્નાયુઓમાં ભારે ખેંચાણ, ખાસ કરીને પુરુષોમાં જે નિયમિતપણે કસરત કરે છે અને જેમનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 30 થી વધુ હોય છે, પછી ભલે તે વધારે વજનને કારણે હોય કે ખૂબ જ સ્નાયુબદ્ધ હોવાને કારણે. આ ઉચ્ચ કક્ષાના રમતવીરોમાં પણ થઈ શકે છે અને જો વધુ સ્નાયુ સમૂહ તૂટી જાય તો રેબડો વધુ ખતરનાક બની શકે છે.
એન્ટિસાઈકોટિક્સ અથવા સ્ટેટિન્સ જેવી દવાઓનો ઉપયોગ, ખાસ કરીને જ્યારે તે વધુ માત્રામાં આપવામાં આવે. જે લોકો ગરમ હવામાનમાં બહાર કામ કરે છે અથવા ઊંચા તાપમાનના સંપર્કમાં આવે છે એમને પણ આ બીમારીનુ વધુ જોખમ હોય છે. રેબડોમાયોલિસિસનો ભૂતકાળનો ઇતિહાસ પણ ફરીથી રેબડોમાયોલિસિસ થવાનું જોખમ વધારી શકે છે.
નિષ્ણાતો ચેતવે છે કે ઉચ્ચ-તીવ્રતા વાળી શારીરિક તાલીમ, સ્પિનિંગ, ક્રોસફિટ અને અલ્ટ્રારનિંગ જેવી આત્યંતિક કસરતોના કારણે રેબડોમાયોલિસિસનું પ્રમાણ લોકોમાં વધેલું જોવા મળે છે.
આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : હાશિમોટો રોગ શું છે… એ થાઇરોઇડ ગ્રંથિને કઈ રીતે અસર કરે છે?
શું છે એનાં લક્ષણ?
રેબડોમાયોલિસિસનાં ચિહ્નો અને લક્ષણો નક્કી કરવા મુશ્કેલ છે, કારણ કે રેબડોમાયોલિસિસ કેવી રીતે આગળ વધે છે તેનો આધાર તેના કારણ પર રહેલો છે. ઉપરાંત, તેનાં લક્ષણો આખા શરીરને અથવા ફક્ત એક જ ભાગને અસર કરી શકે છે અને પ્રારંભિક અને પછીના તબક્કામાં બંને રીતે જોવા મળી શકે છે.
જોકે સામાન્ય લક્ષણોની વાત કરીએ તો, ખભા, જાંઘ અથવા કમરના નીચેના ભાગમાં સ્નાયુઓમાં દુખાવો, સ્નાયુઓની નબળાઈ અથવા હાથ અને પગ હલાવવામાં મુશ્કેલી, ઘેરો લાલ કે ભૂરો પેશાબ અથવા પેશાબ ઓછો થવો જેવાં લક્ષણ દેખાઈ શકે છે.
અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આ સ્થિતિ ધરાવતા અડધા લોકોમાં સ્નાયુઓ સંબંધિત કોઈ લક્ષણો નથી પણ દેખાતાં. રેબડોના અન્ય સામાન્ય ચિહ્નોમાં પેટમાં દુખાવો, ઊબકા અથવા ઊલટી, તાવ, ઝડપી હૃદયના ધબકારા, મૂંઝવણ, ડિહાઇડ્રેશન કે બેભાન થઇ જવા જેવાં લક્ષણ દેખાય છે. પરિણામે સ્નાયુને લગતી કોઈ સમસ્યા હશે તેવું ધ્યાનમાં આવતું નથી.
નિદાન કેવી રીતે થાય?
સ્નાયુનું ભંગાણ-ક્રિએટાઇન કાઇનેઝ (CK) માટે રક્ત પરીક્ષણોનો ઉપયોગ રેબડોમાયોલિસિસનું નિદાન કરવા માટે થાય છે. જો કોઈને રેબડોમાયોલિસિસ હોય તો એનું CK સ્તર વધારે હશે. ક્ષતિગ્રસ્ત સ્નાયુઓમાંથી મુક્ત થતા હિમોગ્લોબિનના સંબંધી માયોગ્લોબિન માટે પેશાબ પરીક્ષણો પણ રેબડોમાયોલિસિસનું નિદાન કરવામાં મદદ કરી શકે છે.
જો કે, આ પરીક્ષણો રક્ત પરીક્ષણો જેટલા સચોટ માનવામાં આવતા નથી, પણ પૂરક પરીક્ષણ તરીકે ઉપયોગી છે. તબીબો અન્ય સમસ્યાઓ નથી ને, તે નક્કી કરવા અને અન્ય ગૂંચવણો તપાસવા માટે લીવર ફંક્શન ટેસ્ટ, ઇકેજી, છાતીનો એક્સ-રે જેવાં વધુ પરીક્ષણોનો ઉપયોગ કરી શકે છે. રેબડો પછી તમને સામાન્ય થવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.
બીમારીની ગંભીરતાના આધારે, ડોક્ટર કેટલાક અઠવાડિયાથી મહિનાઓ સુધી કસરત ન કરવાની સલાહ આપી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો રેબડોમાયોલિસિસ અને તેનાં કારણોનું વહેલું નિદાન અને ઝડપી સારવાર સાથે આનાથી ગ્રસ્ત વ્યક્તિ સંપૂર્ણ સાજી થઈ શકે છે.
આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : છુપા રુસ્તમ જેવો આ એડિસન રોગ શું છે?
 


