My NAV એટલે શું?

- ગૌરવ મશરૂવાળા
‘આ ફંડમાં અત્યારે ચાલી રહેલી એનએવીએ ખરીદી કરવાનું વાજબી છે?’ રોકાણકારો માટેની જાગરૂકતાના એક કાર્યક્રમમાં એક યુવાન રોકાણકારે મને આ સવાલ પૂછ્યો. એનએવી (NAV)નો અર્થ થાય છે નેટ ઍસેટ વેલ્યૂ (Net Asset Value). મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો ફંડનાં યુનિટની જે ભાવે ખરીદી કરી શકે અથવા તો પોતાની પાસેનાં યુનિટને રીડિમ કરી શકે એ ભાવને NAV કહેવાય છે. શેરબજારમાં લે-વેચ થતા પબ્લિક લિમિટેડ કંપનીના શેરના ભાવ હોય એવો જ આ ભાવ હોય છે. ખરી રીતે તો, રોકાણ કરતી વખતે નેટ ઍસેટ વેલ્યુના આધારે નિર્ણય લેવો જોઈએ નહીં. નેટ ઍસેટ વેલ્યુ તો ફંડે જેમાં રોકાણ કર્યું હોય એ અંડરલાઇંગ રોકાણના ભાવનું પ્રતિબિંબ હોય છે. રોકાણ કરતી વખતે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ પાછળનો ઉદ્દેશ્યને, તેના ફંડામેન્ટલ્સને અને અન્ય વ્યૂહાત્મક બાબતોને મહત્ત્વ આપવામાં આવવું જોઈએ. તમારા નાણાકીય લક્ષ્યને એ ફંડ પૂરું કરી શકે છે કે નહીં એનો અભ્યાસ કરીને તમારે રોકાણ કરવું જોઈએ.
તમે ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડની બે અલગ અલગ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારતા હો તો શક્ય છે કે જેમાં વધારે ઊંચી એનએવી હોય એવું ફંડ તમારા માટે વધારે લાભદાયક હોય અને તમારા પોર્ટફોલિયોનું મૂલ્ય વધારનારું હોય. રોકાણકારે કરેલાં અલગ અલગ રોકાણનું કલેક્શન એટલે એમનો પોર્ટફોલિયો. પોર્ટફોલિયોમાં ફિક્સ્ડ ડિપોઝિટ, ઈક્વિટીમાં જાતે કરેલું રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરાયેલું રોકાણ, સોનું, રિયલ એસ્ટેટ તથા બીજાં અનેક પ્રકારનાં રોકાણોનો સમાવેશ હોઈ શકે છે.
એક વખત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી લીધા બાદ તેની NAV ને આખો દિવસ જોતાં રહેવાની કોઈ જ જરૂર હોતી નથી. તમે રોજેરોજ જોયા કરો એ તમારા માટે નુકસાનકારક બની શકે છે. તેનું કારણ એ છે કે જ્યારે એનએવી ઘટી જાય ત્યારે લોકો ભયના માર્યા એ રોકાણ ઉપાડી લેતા હોય છે. પરિણામે, તેમને નુકસાન થાય છે. ત્રણેક મહિને એકાદ વખત તમે તમારા રોકાણોની સમીક્ષા કરી લો એ પૂરતું છે.
વળી એ સમીક્ષા કરતી વખતે પણ તમારે એ જોવું જોઈએ કે તમારી પાસેની સ્કીમ જેવી બીજી સ્કીમની કામગીરી કેવી રહી છે, તમારી સ્કીમના ખર્ચ અને ચાર્જિસ કેટલા છે અને તમારી સ્કીમ પોતાના ઉદ્દેશ્યને વળગીને રહી છે કે કેમ.
અંગ્રેજીમાં કહેવત છે – નવિનર્સ રોટેટથ. એનો મતલબ એમ થયો કે દર વખતે એકનો એક માણસ જીતતો નથી. જો તમે ઉત્તમ કામગીરી કરનારા ફંડને શોધ્યા કરો તો શક્ય છે કે તમે તમારા પોર્ટફોલિયોમાં વારંવાર ફેરફાર કર્યા કરો. અહીં એક ઉદાહરણ આપવા જેવું છે….
આપણે કાર ચલાવતી વખતે હંમેશાં કંઈ પાછળ જોઈ શકતા નથી. વચ્ચે વચ્ચે ક્યારેક જ એ જોવાનું હોય છે. સારો ડ્રાઇવર તો રોડ પર આગળ શું છે એના ઉપર જ વધારે એકાગ્રતા રાખતો હોય છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે આખો દિવસ NAVને જોતા રહેવું નહીં. રોકાણ કરી લીધા બાદ તમારે એનએવીનું આખું નામ Net Asset Value નહીં, પણ Not Available Value કરી નાખવું જોઈએ.
આમ ફંડને લગતી અન્ય બાબતોનું મૂલ્યાંકન કરતાં રહેવું જોઈએ અને તેના આધારે વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ. તમારા પોતાનાં નાણાકીય લક્ષ્યો હાંસલ કરી શકાય એ માર્ગે રોકાણ આગળ વધી રહ્યાં છે કે કેમ એ તપાસી લેવું જોઈએ. અત્યારની NAV જોવી એ ભૂતકાળ જોઈને ચાલવા જેવું કામ છે. આપણે પાછળ જોતાં રહીને આગળ વધી શકીએ નહીં.
આપણ વાંચો: આહારથી આરોગ્ય સુધીઃ ગ્લુકોઝ (શુગર)ના નિયંત્રણ માટે ખટાશ જરૂરી છે…