MY GDP એટલે શું?

-ગૌરવ મશરૂવાળા
પ્રેક્ટિસિંગ ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેના મારા વર્ષોના અનુભવ દરમિયાન મેં જોયું છે કે રોકાણકારો અર્થતંત્રમાં સતત આકાર લઈ રહેલી ઘટનાઓથી ચિંતિત થાય છે, જેમકે…
‘દેશના જીડીપીનું શું થશે? જીએસટીનું કલેક્શન વધારે થશે કે નહીં? હવેના બજેટ વખતે કોર્પોરેટ ટેક્સ વધશે કે ઘટશે?’ વગેરે સવાલ વારંવાર સાંભળવા મળતા હોય છે.
આમ જૂવો તો કોઈ કોઈ અપવાદ બાદ કરતાં વાસ્તવિક જીવનમાં આ બધી બાહ્ય સ્થિતિની આપણા પરિવારની
આંતરિક સ્થિતિ પર ઓછી અસર થતી હોય છે. સંતાનોનાં શિક્ષણ અને લગ્ન, પરિવારનું વેકેશન, પોતાનું નિવૃત્તજીવન
વગેરે માટે જોગવાઈઓ કરવી એ બધી આપણી આંતરિક સ્થિતિ છે. આપણાં પોતાનાં નાણાકીય લક્ષ્યો, પોતાની જવાબદારીઓ, આકાંક્ષાઓ એ બધાની યાદી બનાવવાનું કામ પડકારરૂપ હોય છે. પછી જે કંઈ થાય તેની જવાબદારી સંપૂર્ણપણે પોતાની હોય છે.
એ વાતને ધ્યાનમાં લઈને આજથી આપણી આ કોલમ દ્વારા બાહ્ય સ્થિતિ તરફનું વાચકોનું ધ્યાન આંતરિક સ્થિતિઓ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. એ માટે આર્થિક જગતમાં વપરાતી પરિભાષાના અમુક અગત્યના શબ્દો આંતરિક
જગતમાં કેવી રીતે લાગુ થાય છે એ અહીં સમજાવવામાં આવ્યા છે, જેમકે MY GDP એટલે શું?
વાસ્તવિક જીવનમાં આપણા દેશની GDP(કુલ રાષ્ટ્રીય પેદાશ) વધે છે કે ઘટે છે તેના કરતાં આપણા માટે વધુ મહત્ત્વની વાત એ છે કે આપણે દીકરી/દીકરાના ઉચ્ચ શિક્ષણ માટે, લગ્ન માટે, વિદેશ ફરવા જવા માટે કે પછી બીજા કોઈ પણ નાણાકીય લક્ષ્ય માટે આયોજન કર્યું છે કે નહીં. હકીકતમાં આપણે પોતાના ઘરની GDP અર્થાત્ MY GDP (એટલે કે GOALS DREAMS PLAN – લક્ષ્યો અને આકાંક્ષાઓ પૂરી કરવાનું આયોજન વિચારવું રહ્યું. એ માટે MY GDP બનાવવા માટેની સરળ રીત આ રહી:
આખા પરિવારનો એક ગ્રૂપ – સેલ્ફી લો. એ સેલ્ફીની બાજુમાં પોતાની નાણાકીય જવાબદારીઓ અને નાણાકીય લક્ષ્યો લખી કાઢો. એ સેલ્ફીને MY GDP એવું નામ આપો. ત્યાર પછી હંમેશાં MY GDP ને લક્ષમાં રાખીને આગળ વધો, કારણ કે દેશની GDP કરતાં એ વધુ અગત્યની છે.
આ પણ વાંચો…ABCD બીમારીઓના દરદી: આરોગ્ય વીમો લેતી વખતે કઈ-કઈ વાતનું ધ્યાન રાખવું?
સેલ્ફી સાથેની આ MY GDP ની તસવીર દરેક પરિવારજન રોજ જોઈ શકે એવી જગ્યાએ ગોઠવો.. આટલું કર્યા બાદ રોકાણ હોય, વીમો હોય, કરજ હોય કે બીજું કંઈ હોય, જીવનનો દરેક નાણાકીય નિર્ણયMY GDP ને ધ્યાનમાં રાખીને જ લેવાનો પૂરતો પ્રયાસ કરવો…
હવે ધારી લો કે તમે રિક્ષા કે ટેક્સીમાં બેસો ત્યારે ડ્રાઇવર પહેલો સવાલ આ જ કરતો હોય છે, ‘સા’બ કહાં જાના હૈ આપકો?’
હવે ધારો કે તમે એમ કહો, ‘પતા નહીં’ તો એ જવાબ મળ્યા પછી સામેવાળા માણસની બે પ્રતિક્રિયા હોઈ શકે છે. 1) એ તમને પોતાના વાહનમાંથી ઉતરી જવાનું કહે અને 2) આપણને રસ્તો ખબર નથી એમ માનીને પોતાના માટે વધુ કમાણી કરવા આપણને ગોળ-ગોળ ઘુમાવ્યા કરે.
હું મારાં વક્તવ્યોમાં મોટાભાગે આ સવાલ પૂછું છું: ‘તમારામાંથી કેટલા લોકો જીવનમાં ભરપૂર પૈસા કમાવા
માગે છે?’
સવાલ સાંભળીને દરેક જણ હાથ ઊંચો કરે. પછી હું બીજો સવાલ કરું, ‘તમારે જીવનમાં ઘણા બધા પૈસા શું કામ જોઈએ છે?’ મારો આ સવાલ જરા વિચિત્ર લાગે એવો છે. ‘જીવનમાં બધાને જ ઘણા બધા પૈસા જોઈતા હોય છે એ જ રીતે મને પણ જોઈએ છે.’ એવો વિચાર શ્રોતાઓના મનમાં આવતો હશે.
આથી જ મારો આ સવાલ સાંભળ્યા પછી શ્રોતાઓમાં શાંતિ પ્રસરી જાય છે. ધીમે ધીમે અમુક લોકો જવાબ આપવા લાગે છે: ‘સુખસુવિધાપૂર્ણ જીવન જીવવા માટે,’ ‘ઉચ્ચ જીવનશૈલી ટકાવી રાખવા માટે,’ વગેરે, વગેરે. આ જવાબ સાંભળ્યા પછી હું વધુ એક સવાલ કરુંં છું.
‘તમને સુખસુવિધાપૂર્ણ જીવન જીવવા માટે અને પોતાની જીવનશૈલી ટકાવી રાખવા માટે ચોક્કસ કેટલાં નાણાંની જરૂર છે?’ ફરી પાછી શાંતિ છવાઈ જાય છે.
આ તબક્કે હું વળી એક પ્રશ્ન પૂછી લેતો હોઉં છું.
‘તમે જીવનમાં જેના માટે ઘણા બધા પૈસા મેળવવા ઈચ્છો છો એવી જવાબદારીઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓની
સ્પષ્ટ લેખિત યાદી કોની- કોની પાસે છે? કોણે-કોણે આ યાદી જીવનસાથીની સાથે બેસીને બનાવી છે?’ એવું પણ હું પૂછી લઉં છું.
જાહેર વક્તા તરીકેના મારા વર્ષોના અનુભવમાં માત્ર પાંચથી દસ ટકા વ્યક્તિઓ/યુગલોએ કહ્યું છે કે એમણે સાથે બેસીને પોતાની જવાબદારીઓ અને આકાંક્ષાઓની યાદી બનાવી છે. બાકી બધા મોં વકાસીને બેસી રહ્યા છે. રિક્ષા/ટેક્સીમાં બેસીને ‘પતા નહીં હૈં’ કહેવા જેવી આ વાત છે. આ સ્થિતિમાં રિક્ષા/ટેક્સીવાળો આપણને લાંબા રસ્તે લઈ જઈને પોતાની કમાણી વધારી દેતો હોય છે.
પોતાને ઘણા બધા પૈસા જોઈએ છે, પરંતુ પોતાની ઈચ્છાઓ- આકાંક્ષાઓની યાદી બનાવી નથી એવા લોકો માટે એમ કહી શકાય કે તેઓ બીજા કોઈનાં નાણાકીય લક્ષ્યો પૂરાં કરવા માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો…રોકાણનાં જોખમઃ આપણું મન છે સૌથી મોટું જોખમ…