તરોતાઝા

ફાઈનાન્સના ફંડા : બિહેવિયરલ ફાઇનાન્સમાં અવેઇલેબિલિટી બાયસ એટલે શું?

-મિતાલી મહેતા

અત્યાર સુધીમાં આપણે બિહેવિયરલ ફાઇનાન્સના કેટલાક પૂર્વગ્રહો વિશે વાત કરી ચૂક્યા છીએ. તેમાં એન્કરિંગ બાયસ, ક્ધફર્મેશન બાયસ, હાઇન્ડસાઇટ બાયસ, સંક કોસ્ટ ફેલસી અને હર્ડ મેન્ટાલિટી બાયસનો સમાવેશ થાય છે. આજે આપણે અવેઇલેબિલિટી બાયસ વિશે વાત કરીશું.

અવેઇલેબિલિટી બાયસ એટલે ઉપલબ્ધ માહિતીના આધારે લેવાતા નિર્ણય
કોઈ પણ કામ માટે ઉપયુક્ત ન હોવા છતાં ફક્ત સહેલાઈથી ઉપલબ્ધ હોવાને કારણે જે માહિતીના આધારે નિર્ણયો લેવામાં આવે તો એને અવેઇલેબિલિટી બાયસ કહે છે. આ વૃત્તિ પણ માનવસહજ છે. તત્કાળ જે ઉપલબ્ધ હોય અને જેના આધારે ત્વરિત નિર્ણય લેવામાં આવે અથવા નિષ્કર્ષ કાઢવામાં આવે એવી માહિતીનો ઉપયોગ કરવાનું સામાન્ય સંજોગોમાં બનતું હોય છે. લોકો જોઈતી માહિતી શોધવા માટે મહેનત કરવાને બદલે અને ઉપલબ્ધ- હાથવગી માહિતીનું વિશ્ર્લેષણ કે ચકાસણી કરવાને બદલે એ માહિતીના આધારે નિર્ણય લઈ લેતા હોય છે. આને કારણે જે વસ્તુ સહેલાઈથી યાદ આવી જાય એના આધારે નિર્ણય લેવાઈ જતા હોય છે. વળી, આપણને અમુક વાતો યાદ રહી જવા પાછળ પણ અનેક પરિબળ હોય છે. તેમાં આપણી માન્યતા અપેક્ષા અને લાગણીનો સમાવેશ થાય છે. કોઈ વાત કેટલી વાર આપણી સામે આવી હોય એના આધારે પણ યાદગીરી નક્કી થાય છે. દાખલા તરીકે : રોજેરોજ દેખાતી વસ્તુઓ જલદીથી યાદ રહી જાય છે એટલે એ યાદ આવી જાય છે. સાંભળેલી વાતો કરતાં જોયેલી વસ્તુઓ વધારે યાદ રહે છે.

ટૂંકમાં, અવેઇલેબિલિટી બાયસ વિશે એમ કહી શકાય કે લોકો જ્યારે કોઈ ઘટના બનવાની શક્યતા વિશે અથવા એ ઘટના કેટલી વાર બનશે એના વિશે સહેલાઈથી યાદ આવતાં ઉદાહરણ અથવા સરખેસરખી સ્થિતિના આધારે નિષ્કર્ષ પર પહોંચે ત્યારે અવેઇલેબિલિટી બાયસ થયો કહેવાય.

ઉપરોક્ત ચર્ચાના આધારે ખયાલ આવે છે કે અવેઇલેબિલિટી બાયસમાંથી બીજા બે બાયસ પ્રગટ થાય છે. એક,

સહેલાઈથી યાદ આવતી માહિતી અને બે, તત્કાળ પ્રાપ્ત થતી માહિતી. સહેલાઈથી યાદ આવતી માહિતી એમ કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે જે વસ્તુઓ સહેલાઈથી યાદ આવી જાય છે એનો ઉપયોગ સહેલાઈથી કરી દેવાય છે. કંઈક નવું શોધવાને બદલે જે ઉપલબ્ધ હોય એનો જ ઉપયોગ કરી લેવો એ મનુષ્યની સહજ વૃત્તિ છે, જેમકે જ્યારે પણ શૅરબજારમાં મોટો ઉછાળો આવે છે ત્યાર પછી મોટું કરેક્શન પણ આવે છે. આ માહિતી સહેલાઈથી યાદ આવી જાય છે.

આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડા : હાઇન્ડસાઇટ બાયસ `મેં તો પહેલેથી જ કહ્યું હતું કે…’

તત્કાળ પ્રાપ્ત થતી માહિતી દ્વારા એ કહેવાનું છે કે જે માહિતી જલદીથી શોધી શકાય તેનો ઉપયોગ સહેલાઈથી થઈ જતો
હોય છે.

અવેઇલેબિલિટી બાયસનું એક વધુ ઉદાહરણ જોઈએ. ધારો કે એક ભારતીય રોકાણકારને એમ લાગે છે કે ભારત ઊભરતું અર્થતંત્ર છે અને પાછલાં દસ વર્ષમાં અહીં શૅરબજારમાં ઘણું સારું વળતર મળ્યું છે. આથી એમણે ભારતમાં જ રોકાણ કર્યું છે. હવે એ ભારતીય બજાર સાથે અમેરિકન બજારની તુલના કરે છે તો એમને લાગે છે કે દસ વર્ષના ગાળામાં ભારત કરતાં અમેરિકામાં વધારે વળતર મળ્યું છે. હવે સવાલ એ છે કે ભારત વિશેની એમની માન્યતા કઈ રીતે કેળવાઈ હતી? આ માન્યતા પાછળનું કારણ એ હતું કે એમણે છેલ્લાં દસ વર્ષમાં ક્યારેય અમેરિકન બજાર તરફ જોયું ન હતું. એમને ભારતીય શૅરબજારની કામગીરી જોઈને જ હર્ષ થતો અને તેથી બીજે ક્યાંય ધ્યાન ન હતું.

એમને લાગ્યું હતું કે અમેરિકામાં વ્યાજદર નીચા હોવાથી શૅરબજારમાં પણ સામાન્ય વળતર મળતું હશે. આ માન્યતાને લીધે એમણે ભારતમાં જ રોકાણ કરવાનું નક્કી કર્યું.

અવેઇલેબિલિટી બાયસથી કેવી રીતે મુક્ત થવું?

વિવિધ પ્રકારના અનુભવો ધરાવતી ટીમ તૈયાર કરો. તેને લીધે અવેઇલેબિલિટી બાયસ બનતો અટકી જશે, કારણ કે લોકો એકબીજાના બાયસને પડકારશે અને વધુ ઊંડાણમાં ઊતરવાનો પ્રયાસ કરશે. ટીમ પાસેથી પ્રતિક્રિયાઓ લેવી. તેને લીધે એકબીજાના અનુભવના આધારે દૃષ્ટિકોણ વ્યાપક બનશે. બીજાઓને અલગ અલગ દૃષ્ટિકોણથી વિશ્ર્લેષણ કરવા માટે પ્રોત્સાહિત કરો.

આ જ રીતે, ઉપલબ્ધ માહિતીનો સહારો લેવાને બદલે વધુ વિશ્વસનીય માહિતી શોધો અને વધુ સંભાવનાઓનો વિચાર કરો. જરૂર પડ્યે નિષ્ણાતની સલાહ લો. નિર્ણય લેતી વખતે પોતાના નેટવર્કનો ઉપયોગ કરો. બીજાઓ પોતાના વિચારો તમને સહેલાઈથી કહી શકે એવું વાતાવરણ તૈયાર કરો. ફંડામેન્ટલ્સનો વિચાર કરો. સહેલાઈથી મળતી કોઈ પણ માહિતી વિશે વિચાર આવે ત્યારે ઊંડો શ્વાસ લઈને બીજા વિકલ્પ વિચારી જુઓ અને ઉતાવળે નિર્ણયો લેવાનું ટાળો.

શક્ય છે કે તમે પહેલાં વિચાર્યું હોય એના કરતાં સાવ
અલગ જ નિર્ણય લેવાઈ જાય તો એમાં કંઈ ખોટું નથી.

આખરે તો આપણે યોગ્ય નિર્ણય લેવાનું મહત્ત્વનું છે- સહેલો નિર્ણય નહીં.

આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડા: બિહેવિયરલ ફાઇનાન્સમાં કન્ફર્મેશન બાયસ એટલે શું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button