તરોતાઝા

આરોગ્ય વીમામાં ‘અનલિમિટેડ રિસ્ટોરેશન’ એટલે શું?

નિશા સંઘવી

આજકાલ ઘણી આરોગ્ય વીમા કંપનીઓ ‘સમ ઇન્સ્યોર્ડનું અનલિમિટેડ રિસ્ટોરેશન’ કરી આપનારી પોલિસી ઇસ્યૂ કરે છે. આનો અર્થ એ થયો કે તમે જેટલી રકમનો આરોગ્ય વીમો લીધો હોય એ રકમ જેટલો કે એમાંથી અમુક રકમનો ક્લેમ આવી જાય તો રિસ્ટોરેશન બેનિફિટ હેઠળ કવરેજ ફરીથી પહેલાં જેટલું કરી આપવામાં આવે છે. આ વાત આપણે ઉદાહરણ દ્વારા સમજીએ , જેમકે…

તમારી પાસે પાંચ લાખ રૂપિયાનું કવરેજ ધરાવતો વીમો છે અને પોલિસીના વર્ષની અંદર તમારો 4.8 લાખ રૂપિયાનો ક્લેમ આવી જાય તો તમારું રિસ્ક કવર ફક્ત 20,000 જેટલું બાકી રહે છે. જો એ જ વર્ષમાં તમારે ફરીથી હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તમે ફક્ત 20,000 નહીં, પણ ફરીથી પાંચ લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકો એવી આ સુવિધા હોય છે.

અનલિમિટેડ રિસ્ટોરેશન

આ શબ્દ પરથી જ ખબર પડી જાય છે કે કવરેજની મર્યાદા પૂરી થઈ ગયા બાદ ફક્ત એક વખત નહીં, અનેક વખત તમારા કવરેજનું અમર્યાદિત રિસ્ટોરેશન કરી આપવામાં આવે છે. આમ એક વર્ષમાં અનેક ક્લેમ આવ્યા બાદ પણ તમારા પરિવારનું આરોગ્ય વીમાનું કવચ અકબંધ રહે છે.

પોલિસીના સમયગાળા દરમિયાન કેટલી વખત રિસ્ટોરેશન કરી અપાય છે?

  • એક વર્ષમાં અનેક વખત રિસ્ટોરેશન શક્ય હોય છે.
    ક્યારે લાગુ પડે છે?
  • પોલિસી હેઠળનું કવરેજ પૂરેપૂરું કે આંશિક વપરાયા બાદ લાગુ પડે છે
    (દરેક પોલિસીમાં અલગ અલગ શરત હોય છે)

ક્લેમ કેટલી વાર માન્ય રાખવામાં આવે છે?

  • રિસ્ટોરેશન માટે રાખવામાં આવેલી શરતો સંતોષાતી હોય ત્યાં સુધી…કોઈ મર્યાદા હોતી નથી.

કોને કોને લાગુ પડે છે?

  • એક વ્યક્તિને અથવા પરિવારના તમામ સભ્યોને ફેમિલી ફ્લોટર ધોરણે લાગુ પડે છે.

વધારે પ્રીમિયમ?

  • હા, સામાન્ય રીતે થોડું વધારે પ્રીમિયમ લેવામાં આવતું હોય છે.

અનલિમિટેડ રિસ્ટોરેશનનું મહત્ત્વ
1) જો તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને એક કરતાં વધારે વખત (મોટાભાગે અલગ અલગ બીમારીને લીધે) હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો આ પોલિસી હેઠળ કવરેજ ચાલુ રહે છે.

2) ફેમિલી ફ્લોટર લાભ: આ ખાસિયતનો અર્થ એ થાય કે જો પરિવારના એક સભ્યના હોસ્પિટલાઇઝેશનમાં વીમાની મોટાભાગની રકમ વપરાઈ જાય તોપણ બાકીના સભ્યો માટે રિસ્ટોર થયેલું કવરેજ ઉપલબ્ધ રહે છે.

3) ગંભીર બીમારીઓ કે કેન્સર: સામાન્ય રીતે ગંભીર બીમારીઓ અને કેન્સરના દરદીઓને વારંવાર હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડે છે. આવામાં અનલિમિટેડ રિસ્ટોરેશનને લીધે નાણાકીય રાહત મળી રહે છે.

4) માનસિક રાહત: કોઈ એક વર્ષમાં સમગ્ર પરિવારને આરોગ્યસંબંધી તકલીફો થઈ હોય એવા સમયે અનલિમિટેડ.
રિસ્ટોરેશનની સુવિધાને લીધે ઘણી માનસિક રાહત રહે છે.

કોણે આવી પોલિસી લેવી જોઈએ?

  • જે પરિવારમાં મોટી ઉંમરની વ્યક્તિઓ અને/અથવા નાનાં બાળકો હોય
  • જે વ્યક્તિઓને જીવનશૈલીને કારણે બીમારીઓ આવી હોય અથવા બીજી ગંભીર બીમારીઓ હોય
  • જે લોકો સુપર ટોપ-અપ પ્લાન લેવાને બદલે પાંચથી દસ લાખ રૂપિયાનું મધ્યમ સ્તરનું કવરેજ લેવાનું વધારે પસંદ કરતા હોય એમણે…
  • જે લોકો અણધાર્યા મેડિકલ બિલ સામે રક્ષણ મેળવીને ચિંતામુક્ત રહેવા માગતા હોય

ધ્યાનમાં રાખવા જેવા કેટલાક મુદ્દા:

  • અમુક પોલિસીઓમાં એવી શરત હોય છે કે એક જ બીમારી ફરી વાર થવાની સ્થિતિ એક્સક્લુઝનમાં આવે.
  • અનલિમિટેડ રિસ્ટોરેશન ત્યારે જ લાગુ પડે જ્યારે એક જ વ્યક્તિને બીજી કોઈ બીમારી થઈ હોય અથવા

અન્ય વ્યક્તિ બીમાર પડે…
તમારું અનલિમિટેડ રિસ્ટોરેશન અગાઉની મર્યાદા પૂરેપૂરી ખતમ થઈ ગયા બાદ લાગુ પડે છે કે પછી આંશિક રીતે મર્યાદા પૂરી થવાની સ્થિતિમાં પણ રિસ્ટોરેશન થઈ જાય છે એ બાબતે સ્પષ્ટતા હોવી જરૂરી છે.
રિસ્ટોરેશન સામાન્ય રીતે હોસ્પિટલાઇઝેશન માટે જ લાગુ પડે છે, આઉટપેશન્ટ કે ડેકેર સારવાર માટે નહીં.

પ્રીમિયમમાં તફાવત: અનલિમિટેડ રિસ્ટોરેશન માટે પરંપરાગત પોલિસીઓની તુલનામાં થોડું વધારે પ્રીમિયમ હોય છે. આથી એમાં વધારે પ્રીમિયમની સામે પૂરતો લાભ મળે છે કે નહીં એ તપાસી લેવું.

ટૂંકમાં…

વર્તમાન યુગમાં બીમારીની સ્થિતિ કોઈ પણ રીતે અનિચ્છનીય હોય છે. આવા સમયે આર્થિક રક્ષણ માટે અનલિમિટેડ રિસ્ટોરેશનની સુવિધા ખૂબ જ ઉપયોગી થાય છે. એનાથી આખું વર્ષ અનેક વારના હોસ્પિટલાઇઝેશનની સ્થિતિમાં આર્થિક રક્ષણ મળી રહે છે. આ સુવિધા તમારી સર્વાંગી પોલિસીને અંતર્ગત હોઈ શકે છે અથવા તો ઍડ-ઓન તરીકે પણ મળતી હોય છે.

થોડું વધારે પ્રીમિયમ ચૂકવીને માનસિક શાંતિ અને આર્થિક રક્ષણ મળતાં હોય તો આવી સુવિધા લેવામાં કંઈ ખોટું નથી. જો કે, અહીં કહી દેવું ઘટે કે પોલિસી લેતાં પહેલાં દરેક નિયમ અને શરત ધ્યાનથી વાંચી લેવાં તથા અનેક કંપનીઓની પોલિસીની તુલના કરીને ખાસિયતો જાણી લેવી. અનલિમિટેડ રિસ્ટોરેશનમાં એક જ બીમારી માટેના એક કરતાં વધુ ક્લેમ કરી શકાશે છે કે કેમ અથવા તો અનેક બીમારીઓ માટે એક જ વ્યક્તિના ક્લેમ મંજૂર થશે કે કેમ એ સવાલના જવાબ પણ મેળવી લેવા. આરોગ્ય વીમા પોલિસીમાં વીમાધારકની દૃષ્ટિએ અનલિમિટેડ રિસ્ટોરેશન ખૂબ જ ઉપયોગી સુવિધા છે.

આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ: શું છે આ ‘રેય’ સિન્ડ્રોમ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button