મોજની ખોજઃ આપણે છીએ એક માથાવાળા રાવણ… કોઈ શક?!

સુભાષ ઠાકર
‘ઠાકર, તું યાર ફાફડા જેવો સીધો ને જલેબી જેવો મીઠડો માણસ થઈ આમ ખાંડ વગરની ચા જેવું મોઢું કરી કેમ બેઠો છે?’
‘અરે ચંબુડા, આ આઠમે અમારી સોસાયટીમાં દશેરા પહેલાં રાવણનું પ્રી-બેસણું રાખેલું.’
‘પ્રી-બેસણું… રાવણનું?’ ચંબુ ચમક્યો.
‘હા, દશેરાએ રામે જે રાવણનું એન્કાઉન્ટર કરી ‘રામ બોલો ભાઈ રામ’ કરવાના હતા એ બધાને ખબર હતી એટલે પ્રી-વેડિંગ ને પ્રી-નવરાત્રીની જેમ સોસાયટીમાં પ્રી-બેસણું રાખવાનું નક્કી કર્યું ને રાવણનું બેસણું તો પતી ગયું પણ પછી મોટો ડખો થયો.’
‘શું?’
‘અરે, દશેરાએ સવારે એકસરખા 127 એઠા વોટ્સએપ આવ્યા કે ‘આજે તમારી અંદર બેઠેલા રાવણને બાળજો’ અલ્યા ટોપાઓ, આજે સવારે મારી અંદર બેઠેલા ફાફડા-જલેબીની એસિડીટીથી પેટમાં બળે છે ત્યાં રાવણને તંબુરામાંથી બાળુ? ચંબુ, આ રાવણ છે કોણ? પૂરું નામ? બાપુજીનું નામ? તે મારી અંદર ક્યારે, કઈ રીતે ને શું કામ ગરી ગયો?’
એટલામાં મારો મોબાઈલ રણક્યો:
‘હલ્લો મિસ્ટર રાવણ…સોરી… મિસ્ટર ઠાકર, યુ નો મિસ્ટર રાવણ?’
‘તેનું નામ સાંભળ્યું છે પણ રૂબરૂ મળ્યો નથી એનો બાયોડેટા શું?’
‘અરે ટોપાશંકર, રાવણ એટલે રાવણ એનો વળી બાયોડેટા કેવો? તમે આટલા મશહૂર આતંકવાદી રાક્ષસ રાવણને નથી ઓળખતા?’
‘અરે હા… આપણા આ ચંપકલાલનો નાનકો તો નઈ? મૂળ નામ કદાચ રાવણ હોય’
‘પ્લીઝ, મને આપઘાત કરવાનું મન થાય એવો આઘાત ન આપો.’
‘તો પછી મને રામની ખબર છે કે રામનવમીએ જન્મદિવસ આવે છે પણ રાવણપંચમી કે રાવણજયંતી સાંભળ્યું જ નથી.’
‘અરે રાવણ એ લંકાનો રાજા, મંદોદરીનો ધણી, શિવનો ઉપાસક, રામનો દુશ્મન, કુંભકર્ણ ને વિભીષણનો ભાઈ, અરે એ પોતે જ કેટલી શારીરિક પીડાઓથી પીડાતો, તેને દસ માથા હોવાથી શૌચાલયની અંદર જઈ શકતો ન્હોતો, જે ઊઠે ત્યારે દસ મોઢામાં વારાફરતી દાતણ કરવામાં ત્રણ કલાક લાગે, ન્હાતી વખતે વીસ પચીસ લાટા ઘસી નાખે, એ પછી માથામાં તેલ નાખવાના બે ડબ્બા.
વાળ ઓળવા માટે સાડાચાર ફૂટનો દાંતિયો, દસ માથાને કારણે લાઇફ ટાઇમ ન ટી-શર્ટ પહેરી શક્યો કે ન આડે પડખે સૂઈ શક્યો, અરે માથું દુખે ત્યારે દુખતું હોય સાત નંબરનું ને મંદોદરી દબાવે ત્રણ નંબરનું, બધા માથા દુખે તો લગાવવા બે કિલો બામ પણ ઓછો પડે, ફક્ત પ્લસ પોઈન્ટ એ જ કે પોતે એકલો જ કોરસમાં ગીત ગાઈ શકતો.
આ પણ વાંચો…મોજની ખોજ : અલ્યા ભાઈ, કૃષ્ણની ઉંમર વધશે કે દર વર્ષે જન્મ જ લેશે?
ઇનશોર્ટ, જેની જિંદગી શરીર સાચવવામાં ગઈ એ. હજી કેટલી ઓળખાણ આપું? અરે, જેને તમે દર વર્ષે દશેરાએ ગલીએ-ગલીએ, પોળે-પોળે, ચોકે-ચોકે સળગાવો છો… અરે રાવણના દસ ચહેરા પણ બધા બહાર દેખાતા ને તમારા અનેક ચહેરા પણ બધા અંદર. કોઈ જોઈ કે ઓળખી જ ન જાય…છટ… તમને રાવણને બાળતા દયા કે શરમ ન આવી?
‘અલ્યા ભાઈ, અમે તો દર વર્ષે ઘણાને સળગાવીએ છીએ એમાં રાવણ કોણ એ કેમ ઓળખાય? ને એમ બધાને ઓળખવા જઈએ તો અમારે જ જલદી સળગવું પડે. સમજ્યા?’
‘બરાબર? પછી બીજીવાર બાળ્યો? નઈને? તો પછી દર દશેરાએ જાહેરમાં રાવણને બાળવા શેના મંડી પડ્યા છો? ને એ રાવણ કરતાં પણ ખરાબ એલણટપ્પુઓ કંસ, દુર્યોધન કે દ્રૌપદીની ઈજ્જત લુંટનાર દુશાસનને એકવાર પણ બાળ્યા?
ના. અરે પેલી મંથરાબહેન કે શૂર્પણખાબહેનને કોણ મારા બાપુજી સળગાવશે? તો આ બધાને એકવાર પણ ન બાળો ને રાવણને દર વર્ષે? વાય? આ હળહળતો અન્યાય છે નાઉઉ… લિસન જે પોતે ભલે મર્યાદા પુરુષોત્તમ ન કહેવાયો પણ તેની મર્યાદા મર્યાદા પુરુષોત્તમ રામથી ઓછી ન્હોતી. ભલે તે લક્ષ્મણરેખા ઓળંગી સીતાજીને લાવ્યો પણ ચરિત્રની લક્ષ્મણરેખા ઓળંગી નથી છતાં. સીતાજીને કિડનેપ કરવા એ દશેરાના જલેબી ગાંઠિયા લાવવા જેટલું સહેલું કામ નથી. એ માટે 56ની છાતી જોઈએ, એમાં 28-28ની બે કે 14-14ની ચાર ન ચાલે.’
‘પોઈન્ટ ટુ બી નોટેડ… બકા, પણ રાવણ મારી માસીનો દીકરો છે? મંદોદરી મારા ભાભી છે? રામ મારા સાળા છે? વિભીષણ કે કુંભકર્ણ મારા સાઢુભાઈ છે? તમે કોર્સ બહારના સવાલ પૂછી મારા મગજની મેથી ન મારો.. એનામાં કંઇક તો દુર્ગુણ હશે કે દર વર્ષે બાળવો પડે.’
‘હા ઠાકર, હા એ ખરું, પણ એ ચાલાક હતો. મા સીતાજીનું અપહરણ કરી પ્રભુ રામ સાથે વેર કર્યું કારણકે રામના હાથે મૃત્યુ પામી મુક્તિ મેળવવી હતી. બધાના નસીબમાં ક્યાં પ્રભુના હાથે મરવાનું હોય છે એ માટે…’
‘એક મિનિટ’ મેં પેલાને અધવચ્ચે રોક્યો:
‘તું રાવણની આટલી બધી ફેવર કરે છે તો રાવણ સાથે તારે શું સંબંધ? પણ તમે કોણ છો એ તો કીધું જ નઈ.’
‘હું? ચમકતા નઈ, કોઈ બાળે નઈ એની બીકમાં જાહેર નથી કરતો પણ હું પોતે જ રાવણ છું. ખરેખર તો હજી મારામાં થોડો અહંકારી રાવણ બેઠેલો છે એટલે હું તમારી માફી માગી ને બધાને બાળવાની છૂટ આપું છું પણ શરત એટલી કે તમારામાં થોડો પણ રામ બેઠેલો હોવો જોઈએ…’
થોડું થોભીને છેલ્લે રાવણે ઉમેર્યું :
‘સાંભળો. તમે બધા દસ ભૂલો કરવાવાળા એક માથાવાળા રાવણ જો પ્રભુ રામની માફી ન માગો તો હું મારી એક ભૂલ માટે દસમાંથી કયા મોઢે માફી માગું? છે જવાબ?’
શું કહો છો?