તરોતાઝા

મોજની ખોજઃ બોલો શું વિચાર્યું… કાલે કાપશો કે આપશો?

સુભાષ ઠાકર

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે’ જેવાં લાડકા ગીત અનેએઈઈઇ કાઈપો છે…એ પકડ્યો. એ લૂટ્યો’ જેવા પ્રચંડ હર્ષનાદોથી કાલે આખું નભમંડળ ઝૂમી ઉઠશે. કુક્ષેત્રના મેદાનની જેમ આકાશમાં પતંગો વચ્ચે સટાસટીના ખેલ ખેલાશે ને એકબીજાને પાડવા-પછાડવાની રમત રમાશે.

આપણે અહીં જેમ ચંબુ, ચંપક, જયંતીલાલ કે આશિષ જેવા અનેક નામ ધારણ કરી પૃથ્વી પર વિહરીએ છીએ એમ તુક્કલ, ભોડીદાર, શીશો, ઘેશીયો નામના પતંગો આકાશમાં વિહરશે. આપણે જેમ ઉપરથી નીચે આવી ચગી જઈએ છીએ એમ ધરતી પરથી ઉપડી પતંગો ઉપર જઈને ચગશે.

મને દુ:ખ એ છે કે એ જ પતંગો ઉપર ચગ્યા પછી એકબીજાને કાપવાની તૈયારી કરશે. એ ભૂલી જશે કે આપણે એક જ દુકાનમાં લોકલ ટ્રેનના પ્રવાસીની જેમ એકબીજાને વળગીને કેવા સાથે હતા…!

હવે તમે મા અંબેના સોગંદ ખાઈને કહેજો જીવનમાં પોતાની પતંગ ગમે તેટલી સુંદર હોય તો પણ આપણી નજર બીજાના પતંગ પર જાય છે કે નઈ? સાલુ ઘરમાં દહીંવડા ટેસ્ટી બનતા હોય તોયે બહારની ઉપમા ઉપર લાળ પાડો છો કે નઈ? હા પાડોને યાર, ડોન્ટ બી શાય. હું ક્યાં જોવા આવવાનો છું. એવું લાગે તો તમારે તમારી ફાઈલ નઈ ખોલવાની બસ?

અરે, ગઈ સાલ બન્યુ એવું કે પોતાના ધાબા પરથી ચંબુની નજર મારા ધાબાના પતંગ પર ચોંટી ને બોરીવલીથી દાદર જેટલું લાંબુ સરી પડ્યું `વાઆઆઉઉઉ વ્હોટ એ બ્યુટીઈઈઈ.’

એ બ્યુટીની સગલી ચુ…પ… એકદમ ચુપ’ તુર્ત જ મારી છટકી ને ભડકેલી ને હટેલી ખોપરીએ બૂમ મારી:એ ટોપા, તું તારી તુક્કલ સંભાળ, ખબરદાર જો મારા પતંગ પર જરા જેટલો નાનકડો પણ ડોળો નાખ્યો તો ડોળો કાઢી હાથમાં આપી દઈશ. સમજ્યો? પછી રમ્યા કરજે આખી જિંદગી એ ડોળાથી…’

અરે, પણ આ પતંગ તો…’ અરે ચુપ, બિલકુલ ચુપ હજી મારો ક્રોધાગ્ની શાંત નથી પડ્યો. કાતિલ ઠંડીમાં પણ હું અંદરથી ગરમ થઈ ગયો છું. મારી આંખોમાં ડોળા ફાડીને જો. જોયું? પૃથ્વીના ગોળા પર ભારતના નકશા જેવી જે લાલ ટસરો દેખાય છે એ મારામાં પ્રગટેલા ક્રોધની છે. ને એ ક્રોધની અવિરત વાણી હજી ચાલુ જ છે. સમજ્યો? કાન ખોલીને સોરી.. કાન તો ખુલ્લા જ હોય પણ ધ્યાનથી સાંભળ.

આ ઘર કોનું? મારું, આ અગાસી કોની? મારી. ને જે ધાબા પર પતંગ જોયો એ ધાબુ કોનું? આ ઠાકરનું. આ ફીરકી કોની? મારી. ને જે ફીરકીને માંજો વીટાળ્યો છે એ માંજો કોનો? આ સુભાષનો…હવે એ મારો પતંગ પડ્યો-પડ્યો ફાટી જાય, ચગદાઈ જાય, એના ચૂરેચૂરા થઇ જાય, બધી સળીયો છૂટી પડી જાય તૂટી જાય, એનું અકાળે અવસાન થાય તો પણ તારે ગુંદરપટ્ટી કે પૂંછડી લગાડવા આવવાનું નઈ. નો મીન્સ નો… ધીસ ઇસ માય લાસ્ટ…વાર્નિંગ ને ભૂલથી પણ આવ્યો તો તારી દશા હજારની નોટ જેવી કરી દઈશ. નઈ ઘરમાં ચાલે, નઈ દુકાનમાં કે નઈ બેંકમાં. સમજ્યો કે લખીને આપુ?’

`અરે, હું સમજ્યો પણ તું એ સમજતો નથી કે હું બધુ સમજુ છું. આ પતંગ તારી થોડી છે? કોકની કપાયેલી પતંગ તારા ધાબા પર પડી ને તું તારી સમજે છે? સીઈઈઈ.’

ચંબુના ગળામાંથી ટાયરમાંથી હવા નીકળતી હોય એવો સિસકારો નીકળી ગયો પછી શાંતિથી બોલ્યો: `અરે વ્હાલા. જો બધાને બીજાના પતંગ કાપવામાં જ રસ છે. પણ જેનો પતંગ કપાય છે એના દર્દનો કોઈ અહેસાસ કરે છે? વન બાય વન પતંગો કાપ્યા પછી અંદરથી કેવા દેડકામાંથી હાથી જેવા ફૂલાઈએ છીએ. પણ યુ નો ઘડિયાળ ભલે માને કે હું ચાલુ છું. ભૂલી જ ગઈ કે એ જાતે ચાલતી નથી એને અંદરનો સેલ ચલાવે છે એમ પતંગ જાતે નથી ચગતો એને માંજો ચગાવે છે.

મૂળ વાત એ છે કે ઉપર ચગતા પતંગને ખબર હોવી જોઈએ કે હું ભલે ઉપર ચગતો હોઉં પણ મારો દોર તો નીચેવાળાના હાથમાં છે, એ ગોથ મરાવે તો ગોથ ખાવી પડે ને ઉતારી દે ઉતરી જવું પડે. એમ આપણે બધા પતંગ છીએ ને ઈશ્વર આ પૃથ્વી નામના આકાશમાં માણસ નામની પતંગ ચગાવે છે ને આ ટોપો માણસ એમ સમજે છે કે હું જાતે ચગુ છું.

ઈશ્વર આપણને નીચે મોકલતા પહેલા આપણો ઢઢો મરડી ચેક કરી કમાન વાળી ઠુમક ઠુમકા મારી પૃથ્વી પર વહેતી મૂકે છે. પછી તે ડોલાવે એમ ડોલવાનું. એના વર્ચસ્વ આગળ આપણું સર્વસ્વ નકામું. એ રામ બનાવે તો રામ ને રાવણ બનાવે તો રાવણ… એ જે બનાવે એ બનવુ પડે આપણે જે બનીએ એ આપણો ભ્રમ છે. આપણો માંજો એના હાથમાં હોવા છતાં માણસ `આપણા પતંગની સામે કોઈની પતંગ ન ટકે બોસ’ એવી અહંકારી વાણીથી ફૂલાશે.

જગતમાં કોઈ બુદ્ધિનો, કોઈ રૂપનો, કોઈ પ્રતિષ્ઠાનો કોઈ જ્ઞાનનો તો કોઈ ત્યાગનો આ બધા પોતાનો પતંગ ચગાવવાના. પણ મૂળ એ પતંગ અહંકારના મોજાથી જોડાયેલો છે એને એ ધ્યાનમાં જ નથી આવતું કે તમે જેમ જેમ બીજાની પતંગ કાપતા જશો એમ તારી દોરીમાં દાંતી વધવાની. આવડા મોટા આકાશમાં તમે કેટલા ને કેટલાના પતંગ કાપશો? કાપવા કરતા આપવાનો વિચાર કેમ નથી આવતો…?

ને મૂળ તો બાજુના ધાબા પર તમારી પતંગ કાપવા કોઈ રાહ જોઇને બેઠું જ છે. ધીરે ધીરે તારી જ ઢીલી પડેલી દોરીથી તારો જ પતંગ તારા જ હાથે કપાશે પણ પછી ખબર નથી કે કપાયેલો પતંગ કોની અગાસી પર કોના હાથમાં પકડાશે. પછી આપણામાં કાઈપો છે, કે પકડ્યો છે કહેવાના હોશ પણ નઈ હોય..’
શું કહો છો?

આ પણ વાંચો…મોજની ખોજઃ આવો, તમને લઇ જઉ 2126ના ભારતમાં…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button